×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પશ્ચિમ બંગાળમાં શુભેંદુ અધિકારી અને તેમના ભાઈ વિરૂદ્ધ નોંધાઈ FIR, પ્લાસ્ટિકના મીણિયા ચોરવાનો આરોપ


- કથિત રીતે ચોરી કરવામાં આવેલી રાહત સામગ્રી નંદીગ્રામ ખાતે તોફાનથી પ્રભાવિત વિસ્તારોમાં વહેંચવામાં આવી

નવી દિલ્હી, તા. 6 જૂન, 2021, રવિવાર

પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્ય શુભેંદુ અધિકારી અને તેમના ભાઈ સૌમેંદુ અધિકારી વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસે બંને ભાઈઓ પર રાહત સામગ્રીની ચોરીનો આરોપ લગાવ્યો છે. પૂર્વીય મિદનાપુર જિલ્લાના કોંટાઈ પોલીસ સ્ટેશન ખાતે શુભેંદુ અધિકારી અને તેમના ભાઈ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી છે. 

કોંટાઈ મ્યુનિસિપાલિટીના બોર્ડ ઓફ એડમિનિસ્ટ્રેટર્સના સદસ્ય રત્નદીપ મન્નાએ 1 જૂનના રોજ લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, 29 મેના રોજ હિમાંગ્શુ મન્ના અને પ્રતાપ ડે નામની 2 વ્યક્તિ મ્યુનિસિપાલિટીના ગોદામમાંથી તિરપાલ એટલે કે ઝૂંપડા ઢાંકવામાં વપરાતા પ્લાસ્ટિકના મીણિયાની એક ટ્રક લઈ ગયા હતા. ફરિયાદકર્તાએ તેના પાછળ શુભેંદુ અધિકારી અને સૌમેંદુ અધિકારીનું મગજ એટલે કે કારસ્તાન હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ આ સમગ્ર ઘટનાને કેન્દ્રીય સુરક્ષા દળની મદદથી અંજામ આપવામાં આવ્યો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. 

રત્નદીપે ફરિયાદમાં લખાવ્યું હતું કે, જ્યારે મ્યુનિસિપાલિટીના સદસ્ય ગોદામમાં પહોંચ્યા ત્યારે તેમને હિમાંગ્શુ મળ્યો હતો અને તેણે પુછપરછ દરમિયાન શુભેંદુ અને સૌમેંદુ અધિકારીએ તિરપાલ ભરેલી ટ્રક લાવવા કહ્યું હોવાનું જણાવ્યું હતું. 

ફરિયાદના આધારે પોલીસે શુભેંદુ અધિકારી, તેમના ભાઈ સૌમેંદુ અધિકારી, હિમાંગ્શુ મન્ના અને પ્રતાપ ડે વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે પ્રતાપ ડેની ધરપકડ કરી લીધી છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે કથિત રીતે ચોરી કરવામાં આવેલી રાહત સામગ્રી નંદીગ્રામ ખાતે તોફાનથી પ્રભાવિત વિસ્તારોમાં વહેંચવામાં આવી હતી.