×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં ડ્યુટી દરમિયાન નર્સોના મલયાલમ બોલવા પર પ્રતિબંધ, ભારે વિરોધ બાદ હોસ્પિટલે પાછો લીધો આદેશ


- રાહુલ ગાંધીએ પણ હોસ્પિટલના આદેશને ભાષાના આધાર પર ભેદભાવ સમાન ગણાવી તેનો વિરોધ કર્યો હતો

નવી દિલ્હી, તા. 6 જૂન, 2021, રવિવાર

દિલ્હીની જીબી પંત હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફના 'મલયાલમ'માં બોલવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જે આદેશને 24 કલાકમાં જ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને હોસ્પિટલ પ્રશાસનને આ અંગેનો આદેશ પાછો ખેંચી લેવા કહ્યું હતું. દિલ્હી સરકારે આ પ્રકારનો આદેશ જાહેર કરવાને લઈ જીબી પંત હોસ્પિટલના એમએસને મેમો પણ પાઠવવામાં આવ્યો છે. 

હકીકતે જીબી પંત હોસ્પિટલે એક દિવસ પહેલા આદેશ આપ્યો હતો કે, નર્સિંગ સ્ટાફ ફક્ત હિન્દી કે અંગ્રેજી ભાષામાં જ વાતચીત કરે. આ 2 ભાષાને છોડીને અન્ય કોઈ ભાષામાં વાત કરતા પકડાવા પર કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. એક ફરિયાદ બાદ જીબી પંત હોસ્પિટલે આ પ્રકારનો સર્ક્યુલર બહાર પાડ્યો હતો. 

હોસ્પિટલ પ્રશાસનને મળેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, નર્સિંગ સ્ટાફ પોતાની લોકલ ભાષામાં વાત કરે છે. ફરિયાદકર્તાના કહેવા પ્રમાણે તેના કારણે દર્દીઓને તેમની વાત સમજવામાં મુશ્કેલી પડે છે. હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અંદરોઅંદર વાત કરવા મલયાલમ ભાષાનો ઉપયોગ કરતો હોવાની ફરિયાદ પર હોસ્પિટલે આ પ્રકારનું સર્ક્યુલર બહાર પાડ્યું હતું. 

જીબી પંત હોસ્પિટલના આ ફરમાનનો ભારે વિરોધ થયો હતો. સમગ્ર મુદ્દાએ રાજકીય રૂપ ધારણ કરી લીધું હતું અને અનેક નેતાઓએ તેનો ખુલીને વિરોધ પણ કર્યો હતો. કેરલમાં વાયનાડના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ફરમાનને ભાષાના આધાર પર ભેદભાવ ગણાવ્યું હતું. સાથે જ મલયાલમ પણ અન્ય ભાષાઓ જેટલી જ મહત્વની ભારતીય ભાષા છે તેમ પણ કહ્યું હતું. વિવાદ વકરતા દિલ્હી સરકારે હોસ્પિટલને આદેશ પાછો લેવા કહી દીધું હતું.