×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોલકાતામાં ભાજપના કાર્યાલયથી 100 મીટર દૂરથી 51 બોમ્બ મળી આવતાં હડકંપ


- ભાજપના કોઈ પદાધિકારી પર હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે

નવી દિલ્હી, તા. 6 જૂન, 2021, રવિવાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન અને ચૂંટણી બાદ પણ સતત હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. ચૂંટણી બાદ પણ ભાજપના કાર્યકરો પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે આ બધા વચ્ચે શનિવારે મિલિટ્રી ઈન્ટેલિજન્સને મળેલા ઈનપુટના આધારે કોલકાતા પોલીસના એન્ટી રાઉડી સેક્શને ભાજપના કાર્યાલય પાસે હેસ્ટિંગ્સ ક્રોસિંગ ક્ષેત્ર ખાતેથી 51 બોમ્બ જપ્ત કર્યા છે. 

કોલકાતા પોલીસે શનિવારે રાતે મહાનગરના હેસ્ટિંગ્સ ક્રોસિંગ એરિયામાં આવેલા ભાજપના કાર્યાલય પાસેથી આશરે 51 દેશી બોમ્બ જપ્ત કર્યા હતા જેને લઈ ભારે હડકંપ મચી ગયો હતો. આ બોમ્બને પ્લાસ્ટિકની બોરીમાં ભરીને ભાજપ કાર્યાલયથી માત્ર 100 મીટર દૂર રાખવામાં આવ્યા હતા. પોલીસ બોમ્બ ભરેલી બોરી મુકનારી વ્યક્તિને શોધવા પ્રયત્ન કરી રહી છે.

જાણવા મળ્યા મુજબ પોલીસના એન્ટી રાઉડી સેક્શન (એઆરએસ)ને મિલિટ્રી ઈન્ટેલિજન્સ દ્વારા ઈનપુટ મળ્યા હતા. તેના આધાર પર એઆરએસે મોડી રાતે ભાજપના કાર્યાલય પાસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સૂતળી લપેટીને તૈયાર કરવામાં આવેલા 51 દેશી બોમ્બથી ભરેલી સફેદ રંગની બોરી જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરવામાં આવેલા તમામ બોમ્બ જીવંત અને વિસ્ફોટ કરવા સક્ષમ હતા. 

એઆરએસે તાત્કાલિક બોમ્બ સ્ક્વોડને ઘટના સ્થળે બોલાવી હતી અને બોમ્બને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા હતા. પોલીસ બોમ્બ મુકનારાને શોધવા માટે સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે અને આસપાસના લોકોની પુછપરછ કરી રહી છે. સાથે જ બોમ્બ ભાજપ કાર્યાલય પાસે શા માટે રાખવામાં આવ્યા હતા તેની પણ તપાસ ચાલી રહી છે. ભાજપના કોઈ પદાધિકારી પર હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.