×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાશ્મીરમાં ભાજપના નેતા રાકેશ પંડિતની આતંકીઓએ કરી હત્યા, ત્રાલ નગર પાલિકાના અધ્યક્ષ હતા

જમ્મુ કાશ્મીર,તા.3 જૂન 2021,ગુરૂવાર

જમ્મુ કાશ્મીરના કાશ્મીરમાંથી પંડિત સમુદાયને તો વર્ષો પહેલા જ આતંકવાદીઓ અને કટ્ટરવાદીઓ ઉચાળા ભરવા માટે મજબૂર કરી ચુક્યા છે. આ સમયગાળા દરમિયાન હજારો કાશ્મીરી પંડિતોની હત્યા પણ થઈ હતી. જોકે કાશ્મીરમાં જે મુઠ્ઠીભર પંડિતો રહી ગયા છે તેઓ પણ આતંકીઓના ટાર્ગેટ પર છે.

આવા જ એક કાશ્મીરી પંડિત અને ભાજપના નેતા રાકેશ પંડિતની બુધવારે કાશ્મીરના ત્રાલમાં આતંકીઓએ હત્યા કરી નાંખ્યા બાદ પંડિત સમુદાયમાં આક્રોશ છે. પોલીસના કહેવા પ્રમાણે ત્રાલ વિસ્તારામાં રાકેશ પંડિત પોતાના મિત્ર મુસ્તાક બટના ઘરે ગયા હતા. આ દરમિયાન ત્રણ આતંકીઓએ નજીકથી તેમના પર ગોળીઓ ચલાવી હતી. આ ફાયરિંગમાં રાકેશ પંડિત તેમજ તેમના મિત્રની પુત્રી ઘાયલ થઈ ગઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી છે. પંડિત ત્રાલ નગર પાલિકાના અધ્યક્ષ પણ હતા.

પોલીસના કહેવા પ્રમાણે તેમને સુરક્ષા આપવામાં આવી હતી અને શ્રીનગરમાં એક સુરક્ષિત હોટલમાં રહેવાની સુરક્ષા આપવામાં આવી હતી. બુધવારે તેઓ સિક્યુરિટી ગાર્ડ વગર જ મિત્રને મળવા ગયા હતા અને આતંકવાદી હુમલાના શિકાર થયા હતા. ભાજપના કાશ્મીરના પ્રવક્તા મંજૂર બટનુ કહેવુ છે કે, આ પહેલા પણ ભાજપના કાર્યકરોને આતંકીઓએ નિશાન બનાવ્યા છે.

દરમિયાન આજે તેમના મૃતદેહને જમ્મુ ખાતે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. એ પછી તેમની અંતિમયાત્રા નિકળી હતી. જેમાં પરિવારજનોની સાથે બીજા સેંકડો લોકો પણ જોડાયા હતા.