×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશભરના જિર્ણ થઇ ગયેલા જિનાલયો શુદ્ધ કરાશે : સુરતથી શ્રીગણેશ થયા


-અધ્યાત્મ પરિવારનું જિનાલય સુરક્ષા કદમ

-જિનાલયની શિખરથી લઇને તમામ બારીક કોતરણીનું પણ શુદ્ધિકરણ થશે

-સુરતનાં 40 જિનાલયોમાં કામ સંપન્ન

સુરત

શુદ્ધી અને સુરક્ષા આ બે વસ્તુ મળી જાય તો જીવન આસાન રહે છે. માણસ સાથે સ્થાવર જંગમ બધા માટે આ નિયમ સર્વસામાન્ય સમાન છે. શુદ્ધી અને સુરક્ષાથી જ ચીજ વસ્તુઓ લાંબો સમય ટકી રહે છે. તેથી જ પ્રાચિન ધરોહર અને ધર્મની ધજા જ્યાં અખંડ ફરકે છે એવા જૈનોના જિનાલયોને પણ શુદ્ધ કરવા અને તેમને સુરક્ષિત કરવાનું બીડુ અધ્યાત્મ પરિવારે ઝડપ્યુ છે. જૈનાચાર્ય યોગતિલકસૂરિશ્વરજીના માર્ગદર્શન હેઠળ આગામી ત્રણથી ચાર વર્ષમાં દેશના તમામ જિર્ણ થયેલા જિનાલયોને શુદ્ધ કરાશે. જેની શરૃઆત સુરતથી થઇ ગઇ છે.


જિનાલય શુદ્ધ સુરક્ષા દેશ વ્યાપી કાર્યક્રમનો આગાઝ સુરતથી તા-૨જી ડિસેમ્બર ૨૦૨૦થી કરવામાં આવ્યો હતો. આ અંગે અધ્યાત્મ પરિવારનાં વિદ્યુત શાહ અને હર્ષદ કોઠારીએ જણાવ્યુ કે અધ્યાત્મ પરિવાર દ્વારા જિન શાસનને ઉજાળતા અનેક પ્રકલ્પો હાથ ધરાયા છે જે પૈકી આ એક છે. સુરતમાં અંદાજિત ૨૫૦ જેટલા જિનાલયો છે. જેમની મંજુરી મળશે એ તમામ જિનાલયનું શુદ્ધિકરણ કરવામાં આવશે. અત્યારસુધીમાં શહેરમાં ૪૦ જેટલા જિનાલયોમાં આ કામ નિર્વિઘ્ને સંપન્ન થયુ છે.


સુરતમાં અનેક પ્રાચિન જિનાલયો છે જેમાં ઘણા બધા જિર્ણ થઇ ચુક્યા છે. ઘણા એવા પણ હતા જેનું બન્યા પછી ક્યારેય સંપુર્ણ શુદ્ધિકરણ નથી થયુ. શુદ્ધિ સુરક્ષા અંતર્ગત શિખરથી લઇને છેક નીચે રંગમંડપ સુધી તેની સફાઇ થાય છે. જે જગ્યાએ પાણીનો વપરાશ ન થઇ શકે ત્યા હાથથી જ સફાઇ કરવામાં આવે છે. ફ્લોરિંગ, દિવાલ, સ્તંભ, ખૂણાઓ અને બારિક કોતરણી સહિત તમામ જગ્યાએ શુદ્ધિકરણ સાથે જરૃર પડે ત્યાં તીરાડોમાં પુરાણ પણ કરવામાં આવે છે.


લિકેજની સમસ્યા સાથે વિવિધ ઉપકરણોની સમસ્યાનો પણ નિકાલ કરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે તમામ સફાઇ એકદમ જયણાપુર્વક કરવામાં આવે છે. પાણીનો ફોર્સ કરતા પહેલા જીવાતને સાચવીને કાઢ્યા બાદ પાણી નાંખવામાં આવે છે. સુરતના ઘણા જિનાલયોમાં લીલી બાઝી ગઇ હતી તો મોટા ભાગના શિખરો પરથી કળશો છુટા પડી ગયા હતા. એ બધા કામ સુરતની સુરક્ષા ટીમમાં ૧૫ જેટલા કારીગરો દ્વારા કરવામાં આવે છે. લાકડાના કામમાં ભીનું પોતુ લગાવીને શુદ્ધ કરાય છે. ઘણી જગ્યાએ પીપળા ઉગી નીકળ્યા હોય તો તેને પણ વિધિપુર્વક દૂર કરાય છે.


આ શુદ્ધિકરણના કારણે જિનાલયની આયુમાં ૧૦-૧૨ વર્ષનો વધારો થાય છે. શુદ્ધિકરણ બાદ કલરકામનો પણ પ્રકલ્પ હાથ ધરાશે.


જિનાલયમાં બિરાજમાન પરમાત્મા દરેકને સારા બનવાનો સંદેશ આપે છે : યોગતિલકસૂરીજી

''જૈન શાસન દરેક વ્યક્તિને સારા બનાવવા જોઇએ એવુ માને છે. એને જ ધર્મ કહે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમ ભારત દેશની પ્રજાને યુનિટીનો સંદેશ આપે છે તેમ જિનાલયમાં બિરાજમાન વીતરાગ પરમાત્મા દરેક વ્યક્તિને સારા બનવાનો સંદેશ આપે છે. જેના દર્શન પૂજનથી વ્યક્તિમાં સારા બનવાના ભાવ જાગે છે, વ્યક્તિ સારો બને તો આખા જગતનું શક્ય ભલુ થવાનું છે. એ ભાવનાથી જિનાલય સુરક્ષાનો પ્રકલ્પ અધ્યાત્મ પરિવારે શરૃ કર્યો છે.'' એવુ જેમના માર્ગદર્શનથી આ કાર્ય શરૃ થયુ છે એવા અધ્યાત્મ સમ્રાટ જૈનાચાર્ય યોગતિલકસુરીશ્વરજી મહારાજાએ જણાવ્યુ હતુ.


મુંબઇમાં બે મહિનામાં 25 જિનાલયોનું શુદ્ધિકરણ કરાયુ

અધ્યાત્મ પરિવારનાં મુંબઇના કાર્યકર્તા ઋષભ શાહે કહ્યુ કે ગુજરાત મહારાષ્ટ્રથી જિનાલય શુદ્ધિ સુરક્ષાની શરૃઆત કરાઇ છે. સુરતથી શરૃઆત બાદ મુંબઇમાં પણ કામ ચાલુ થયુ હતુ. અત્યારસુધીમાં મુંબઇમાં ૨૫ જેટલા જિનાલયોનું શુદ્ધિકરણ કરીને તેમને સુરક્ષા અપાઇ છે. ખંભાતમાં કાર્ય ચાલુ થઇ ગયુ છે જ્યારે અમદાવાદ, ભાવનગરમાં પણ આરંભ થવાની તૈયારી છે. ત્યારબાદ સમગ્ર દેશને આવરી લેવાશે.