×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

MP: ન માસ્ક, ન સોશિયલ ડિસ્ટન્સિંગ, પૂર્વ મંત્રીની અંતિમ યાત્રામાં ઉમટી હજારોની ભીડ


- ભારતીય જનતા પાર્ટીના નેતા લક્ષ્મીકાંત શર્મા કોરોનાના કારણે અવસાન પામ્યા હતા

નવી દિલ્હી, તા. 02 જૂન, 2021, બુધવાર

દેશના વિવિધ વિસ્તારોમાં કોરોના વાયરસની અસર ભલે ઓછી થઈ રહી હોય પરંતુ કોરોના હજુ પૂરી રીતે ખતમ નથી થયો. મધ્ય પ્રદેશમાં તાજેતરમાં પૂર્વ મંત્રી લક્ષ્મીકાંત શર્માનું અવસાન થયું હતું. વિદિશાના સિરોંજ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરંતુ તે સમયે હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ભારે ઉલ્લંઘન થયું હતું. 

મધ્ય પ્રદેશમાં હાલ અંતિમ સંસ્કાર વિધિમાં માત્ર 10 લોકોને સામેલ થવાની મંજૂરી છે પરંતુ પૂર્વ મંત્રીના અંતિમ સંસ્કાર દરમિયાન કોરોના ગાઈડલાઈન્સનું ભારે ઉલ્લંઘન થયું હતું. પૂર્વ મંત્રીને અંતિમ વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તે સમયે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવી પડી હતી.

કોરોનાની બીજી લહેરનો સામનો કર્યા બાદ મધ્ય પ્રદેશમાં અમુક હદે સ્થિતિ કાબૂમાં આવી છે. તાજેતરમાં જ અનલોકની પ્રોસેસ શરૂ થઈ છે પરંતુ પહેલા જ દિવસે આટલા મોટા પાયે બેદરકારી જોવા મળી છે. 

કોરોનાથી પીડિત હતા પૂર્વ મંત્રી

ભારતીય જનતા પાર્ટીના નેતા લક્ષ્મીકાંત શર્મા કોરોનાના કારણે અવસાન પામ્યા હતા. 11 મેના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ લાંબી સારવાર છતા તેમને બચાવવામાં અસફળતા મળી હતી અને તેમની અંતિમ વિધિ વખતે લોકોએ કોરોના પ્રોટોકોલ્સનું ઉલ્લંઘન કર્યું હતું. 

પૂર્વ મંત્રી લક્ષ્મીકાંત શર્મા વર્ષ 1998, 2003 અને 2008માં સિરોન્જ લટેરી વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય રહ્યા હતા. જોકે 2013ની ચૂંટણીમાં તેઓ 1,700 મતના અંતરથી પરાજિત થયા હતા. મધ્ય પ્રદેશના બહુચર્ચિત વ્યાપમ કૌભાંડના આરોપી લક્ષ્મીકાંત શર્માને 2014માં જેલ થઈ હતી. પરંતુ બાદમાં તપાસ દરમિયાન ચોક્કસ પુરાવા ન મળતા તેમને જામીન મળી ગયા હતા અને તેઓ જેલમાંથી બહાર આવી ગયા હતા. જોકે જેલમાંથી બહાર આવ્યા બાદ ચૂંટણીલક્ષી રાજકારણમાં તેમનો સિક્કો નહોતો ચાલ્યો.