×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CBSE-ICSE બાદ હવે રાજ્યોના બોર્ડ પર નજર, જાણો પરીક્ષા મુદ્દે ક્યાં શું જાહેરાત


- સરકારના આ એક નિર્ણયના કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના ચહેરા પર રાહત પ્રસરી

નવી દિલ્હી, તા. 02 જૂન, 2021, બુધવાર

ભારત સરકારે કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને CBSE બોર્ડની 12મા ધોરણની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મંગળવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ એક નિર્ણયના કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના ચહેરા પર રાહત પ્રસરી ગઈ હતી. 

હવે જ્યારે કેન્દ્રએ પરીક્ષાઓ રદ્દ કરી છે તો રાજ્ય સરકારો પર પોતાની બોર્ડ એક્ઝામ કેન્સલ કરવાનું દબાણ છે. અનેક સરકારોએ કેન્દ્ર સરકારના નિર્ણય સાથે સૂર મિલાવ્યો છે અને કેટલાક રાજ્યો આગામી 1-2 દિવસમાં જ બોર્ડની પરીક્ષાઓ પર અંતિમ નિર્ણય લઈ શકે છે.  

ઉત્તર પ્રદેશઃ યુપી બોર્ડની પરીક્ષાને લઈ રાજ્ય સરકાર બુધવાર કે ગુરૂવારે નિર્ણય લઈ શકે છે. કેન્દ્રના નિર્ણયનું રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, શિક્ષણ મંત્રી દિનેશ શર્માએ સ્વાગત કર્યું હતું. સાથે જ રાજ્ય બોર્ડ માટે પણ આવો નિર્ણય લઈ શકાય તેવો સંકેત આપ્યો હતો. 

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર સૌથી વધારે છે જેથી બાળકોને લઈ ચિંતા વધુ છે. રાજ્ય સરકારે મંગળવારે કેન્દ્રના નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને બાળકોનું સ્વાસ્થ્ય સર્વોપરિ છે તેમ કહ્યું હતું. સ્ટેટ બોર્ડ એક્ઝામ અંગે જલ્દી જ નિર્ણય લેવામાં આવશે. સરકારની આ પ્રકારની ટિપ્પણીઓના કારણે પરીક્ષાઓ રદ્દ થઈ શકે છે તેવા સંકેત મળી રહ્યા છે. 

પશ્ચિમ બંગાળઃ ચૂંટણી બાદ બંગાળમાં ખૂબ જ ઝડપથી કોરોના ફેલાયો હતો. આ કારણે બાળકો-વાલીઓને પરીક્ષાની ખૂબ ચિંતા હતી. બુધવારે રાજ્ય સરકાર સ્ટેટ બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી શકે છે. પરંતુ હજુ પેચ ફસાયેલો છે કારણ કે શિક્ષણ વિભાગની પ્રેસ કોન્ફરન્સ રદ્દ થઈ ગઈ છે. 

હરિયાણાઃ કેન્દ્ર સરકારની માફક રાજ્ય સરકારે પણ પોતાની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. ટૂંક સમયમાં જ બાળકોને પાસ કેવી રીતે કરવા તેના ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવશે. રાજ્યમાં પહેલેથી જ 10મા ધોરણની પરીક્ષા રદ્દ થઈ ચુકી છે. 

રાજસ્થાનઃ રાજસ્થાનમાં બુધવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતની આગેવાનીમાં કેબિનેટની બેઠક યોજાશે જેમાં કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. કોંગ્રેસશાસિત રાજ્યોમાં પણ પરીક્ષા રદ્દ કરવામાં આવી શકે છે તેવી આશા છે કારણ કે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સતત આ માટે માંગણી કરી રહ્યા હતા.