×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રિટાયરમેન્ટ બાદ કશું લખતા પહેલા લેવી પડશે મંજૂરી, નહીં તો અટકાવી દેવામાં આવશે પેન્શન


- સરકારે દેશની આંતરિક સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો કર્યો 

નવી દિલ્હી, તા. 02 જૂન, 2021, બુધવાર

કેન્દ્રએ સિવિલ સેવકો માટે પેન્શનના નિયમોમાં સંશોધન કર્યું છે. હવેથી ગુપ્તચર કે સુરક્ષા સાથે સંબંધિત સંગઠનોથી સેવાનિવૃત્ત થયેલા અધિકારીઓ મંજૂરી વગર કોઈ પણ સામગ્રી પ્રકાશિત નહીં કરી શકે. જો તેઓ મંજૂરી વગર કશું પ્રકાશિત કરશે તો તેમનું પેન્શન રોકી દેવામાં આવશે. સરકારે દેશની આંતરિક સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. 

નવા સંશોધન પ્રમાણે હવે કોઈ પણ સુરક્ષા કે ગુપ્તચર સાથે સંબંધિત સંગઠનના અધિકારીઓએ એક અન્ડરટેકિંગ આપવું પડશે કે તેઓ સેવામાં હોય ત્યારે કે સેવાનિવૃત્તિ બાદ સંગઠન સાથે સંબંધિત કોઈ પણ જાણકારી પ્રકાશિત નહીં કરે, કોઈ પણ સામગ્રી પ્રકાશિત કરવા માટે તેમણે પૂર્વ મંજૂરી લેવી પડશે. 

સંશોધિત નિયમો પ્રમાણે જો સેવાનિવૃત્તિ બાદ અધિકારી મંજૂરી વગર કશું લખશે તો તેનું પેન્શન અટકાવી શકાશે. તેમણે કશું લખતા પહેલા મંજૂરી લેવી પડશે. સક્ષમ અધિકારીને આ નિર્ણય લેવાનો અધિકાર હશે કે પ્રકાશન માટે પ્રસ્તાવિત સામગ્રી સંવેદનશીલ છે કે અસંવેદનશીલ છે અને શું તે સંગઠનના ક્ષેત્રાધિકારમાં આવે છે. 

શું છે નવો કાયદો

કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ, 1972માં સંશોધન કરીને ડીઓપીટી દ્વારા એક ક્લૉજ જોડવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, સેવાનિવૃત્તિ પર આરટીઆઈ અધિનિયમની બીજી યાદીમાં મેન્શન થયેલા સંગઠનોમાં કામ કરનારાઓનેઓર્ગેનાઈઝેશનના પ્રમુખની પૂર્વ મંજૂરી વગર સંગઠનના ડોમેન સાથે સંબંધિત કશું પણ પ્રકાશિત કરવાની મંજૂરી નહીં આપવામાં આવે. 

આ સંગઠનના કર્મીઓ પર લાગુ થશે નિયમ

ઈન્ટેલિજન્સ બ્યુરો, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, રાજસ્વ ગુપ્તચર નિદેશાલય, સેન્ટ્રલ ઈકોનોમિક ઈન્ટેલિજન્સ બ્યુરો, પ્રવર્તન નિદેશાલય, નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો, એવિએશન રિસર્ચ સેન્ટર, સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ, સીમા સુરક્ષા દળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ, ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ, નેશનલ સિક્યોરિટી ગાર્ડ, આસામ રાઈફલ્સ, સશસ્ત્ર સીમા બળ, સ્પેશિયલ બ્રાન્ચ (સીઆઈડી), આંદામાન અને નિકોબાર , ક્રાઈમ બ્રાંચ-સીઆઈડી-સીબી, દાદરા અને નગર હવેલી, સ્પેશિયલ બ્રાંચ, લક્ષદ્વીપ પોલીસ, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, બોર્ડર રોડ ડેવલપમેન્ટ બોર્ડ અને ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ અને સીબીઆઈ.