×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, જાણો ક્યારે યોજાશે એક્ઝામ

ગાંધીનગર, 1 જુન 2021 મંગળવાર

ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ક્યારે યોજાશે તે પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘણા દિવસોથી સતાવી રહ્યો હતો, જો કે તે અંગેનાં એક સુખદ સમાચાર આવ્યા છે, આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.  

આજે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 10 રીપીટર અને ધોરણ 12નાં વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. ધો.12 ની પરીક્ષાના કાર્યક્રમ અનુસાર 1 જુલાઈથી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થશે, જેમાં 1 જુલાઈએ ભૌતિક વિજ્ઞાનનું પેપર હશે જ્યારે 3 જુલાઇએ રસાયણ વિજ્ઞાન, 5 જુલાઇએ જીવ વિજ્ઞાનનું પેપર, 6 જુલાઇએ ગણિતનું પેપર, 8 જુલાઇએ અંગ્રેજીનું પેપર, 10 જુલાઇએ ભાષાનાં પેપર લેવાશે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવાશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે એ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં 1,4૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અને 5,43,૦૦૦ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ 6,83,૦૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે. રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-19 પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

રાજ્ય સરકાર, ધોરણ-12ના બોર્ડની પરીક્ષા આપનાર 18 વર્ષથી વધુ વયના તમામ વિદ્યાર્થીઓને વેક્સીન આપવા અંગે પણ ગંભીરતાથી વિચારણા કરી રહી છે અને આ હેતુસર વેક્સીનેશન ઝૂંબેશ હાથ ધરાશે. વેક્સીનેશન ઝૂંબેશ હેઠળ ધોરણ-12 અને ધોરણ-10ની પરીક્ષામાં રીપીટ થનાર 10 લાખ વિદ્યાર્થીઓ પૈકી 6 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે.

રાજ્યનાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યમાં 18 વર્ષથી વધુ વય જુથનાં તમામ વિદ્યાર્થીઓનો જિલ્લાવાર ડેટાનું એનાલિસીસ કર્યું છે. વેક્સીનના ઉપલબ્ધ જથ્થાને આધારે આ વિદ્યાર્થીઓને રસી અપાશે. રાજ્ય સરકારે, આ વેક્સીનેશન ઝૂંબેશ હાથ ધરવા માટે સહાય કરવા- સમર્થન આપવા કેન્દ્ર સરકારને વિનંતી કરશે.

વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય પહેલાની જેમ ત્રણ કલાકનો રહેશે. વિદ્યાર્થીઓને ઘરની નજીક પરીક્ષા કેન્દ્ર મળે તેવું આયોજન કરાશે, વિજ્ઞાન પ્રવાહના 100 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણના પ્રશ્નો બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી રહેશે અને ભાગ-2 ની પરીક્ષામાં 50 માર્કના પ્રશ્નો વર્ણનાત્મક રહેશે. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જે અગાઉ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી છે તે જ પદ્ધતિ રહેશે એટલે વિદ્યાર્થીએ જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરી તે પ્રમાણે જ પરીક્ષા લેવાશે. સામાન્ય પ્રવાહમાં કુલ 100 માર્કના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો વર્ણનાત્મક રીતે લેવાશે. સામાન્ય પ્રવાહમાં પણ પ્રશ્નો પૂછવાની પદ્ધતિ એટલે કે પ્રશ્નપત્ર સ્ટાઇલ પણ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે સત્તાવાર જાહેર કરાય તે પ્રમાણેની રહેશે

અત્યાર સુધી એક વર્ગમાં 30 વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા. હવે આ પરીક્ષામાં એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓને જ બેસાડાશે. જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી થઇ જાય તે તાલુકા મથકને પરીક્ષા કેન્દ્રની મંજૂરી અપાશે. વિદ્યાર્થીને નજીકનું કેન્દ્ર અપાશે. દરેક વર્ગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે. પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઇઝેશન,સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગન સહિતની કોરોનાની SOP નું પાલન ફરજિયાત કરાશે.

અત્રે ઉલ્લેખનિય છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.1/7/2021થી શરૂ થનાર પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે. શિક્ષણમંત્રીએ ઉમેર્યુ કે, ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે.