×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં 46 દિવસમાં સૌથી ઓછા 1.65 લાખ દૈનિક કેસ, વધુ 3460નાં મોત


કોરોનાનો કેર નબળો પડયો, એક્ટિવ કેસ ઘટીને 21 લાખ

કોરોનાના કુલ કેસ 2.78 કરોડ, કુલ સાજા થયેલાની સંખ્યા 2.54 કરોડ : રિકવરી રેટ વધીને 91.25 ટકા

જુનમાં કોરોનાની રસીના 12 કરોડ ડોઝના ઉત્પાદન-સપ્લાયનો સરકારનો ટાર્ગેટ

અનેક રાજ્યોમાં સાતથી 15 દિવસ લોકડાઉન લંબાવાયું, જમ્મુ-કાશ્મીર અને યુપીમાં પ્રતિબંધો હળવા કરાયા

નવી દિલ્હી : કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. 24 કલાકમાં છેલ્લા 46 દિવસમાં સૌથી ઓછા 1.65 લાખ કેસો સામે આવ્યા છે. જ્યારે કોરોનાને કારણે 3460 લોકોના મોત નિપજ્યા છે. તે સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 3.25 લાખે પહોંચી ગયો છે. અને કુલ કેસોની સંખ્યા પણ વધીને 2.78 કરોડે પહોંચી ગઇ છે. પોઝિટિવિટી રેટ ઘટીને 9.36 ટકાએ પહોંચ્યો છે. 

એક જ દિવસમાં કોરોનાના કુલ 20.63 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે સાથે જ કુલ ટેસ્ટનો આંકડો પણ વધીને 34.31 કરોડે પહોંચ્યો છે. એક્ટિવ કેસો ફરી ઘટીને 21 લાખે પહોંચ્યા છે જે કુલ કોરોના કેસોના 7.58 ટકા છે. રીકવરી રેટ વધીને 91.25 ટકાએ પહોંચી ગયો છે. છેલ્લે 13મી એપ્રીલે કોરોનાના દૈનિક 1.61 લાખ કેસો સામે આવ્યા હતા. સાજા થયેલાની સંખ્યા પણ હવે વધીને 2.54 કરોડે આવી ગઇ છે. 

રસીકરણ અભિયાનને તેજ બનાવવાનો દાવો સરકારે કર્યો છે અને કહ્યું છે કે જુન મહિનામાં કોરોના રસીના 12 કરોડ ડોઝ ઉપલબૃધ કરાવાશે. આ ડોઝનો ઉપયોગ રાષ્ટ્રીય રસીકરણ અભિયાનમાં કરવામાં આવશે. બીજી તરફ સીરમ ઇન્સ્ટિટયૂટે કહ્યું છે કે જુન મહિનામાં 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે અને તેને સરકારને સોપવામાં આવશે.

રાજ્યો કોરોના રસીની અછતની ફરિયાદો કરી રહ્યા છે એવામાં આ નિવેદન સામે આવ્યું છે. હાલ રાજ્યોમાં હજુ પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. જેને પગલે હરિયાણા, ઓડિશા, તેલંગાણાએ લોકડાઉનનો સમય વધારી દીધો છે જ્યારે ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં કોરોના કરફ્યૂ હળવો કરાયો છે. 

કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગોવામાં લોકડાઉન કે પ્રતિબંધોને જુન મહિનાના પ્રથમ સપ્તાહ સુધી લંબાવી દેવાયા છે. તેલંગાણાએ સોમવારથી લોકડાઉન 10 દિવસ લંબાવી દીધુ છે.

ઓડિશામાં 16 દિવસ, હરિયાણામાં કેટલાક વિસ્તારોમાં સાત જુન સુધી લંબાવાયુ છે. જ્યારે લખનઉમાં પહેલી જુનથી પ્રતિબંધો હળવા કરાયા છે જોકે કન્ટેન્મેન્ટ ઝોનમાં પ્રતિબંધો લાગુ રહેશે. દિલ્હીમાં 31મી મેથી અનલોક પ્રક્રિયા શરૂ કરાશે પણ અન્ય કેટલાક પ્રતિબંધો 7મી જુન સુધી જારી રખાશે.

પંજાબમાં પ્રતિબંધો 10મી જુન સુધી લંબાવાયા છે. યુપીમાં રાત્રી કરફ્યૂ અને સાપ્તાહિક લોકડાઉન રહેશે જ્યારે 20 જિલ્લામાં પ્રતિબંધો હળવા કરાયા. રાજસૃથાનમાં પણ 8 જુન, કેરળમાં 9 જુન, પોડ્ડુચેરીમાં 7 જુન, કર્ણાટકમાં 7 જુન, તેલંગાણામાં 10 દિવસ, મહારાષ્ટ્રમાં 15 જુન સુધી પ્રતિબંધો જારી રહેશે.