×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સેન્સેક્સ ફરી વાર 51,000 : રોકાણકારોની સંપત્તિ વધીને રૂા. 219 લાખ કરોડની ટોચે


સેન્સેક્સ 380 પોઇન્ટ ઉછળી 51017 જ્યારે નિફ્ટી 93 પોઇન્ટ વધીને 15301

વિદેશી રોકાણકારોની રૂા. 241 કરોડની નવી ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓની રૂા. 438 કરોડની વેચવાલી

અમદાવાદ : સરકાર દ્વારા વિવિધ ઉદ્યોગો માટે રાહત પેકેજ જાહેર થવાની સંભાવના સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ નીકળેલી નવી લેવાલીએ આજે સેન્સેક્સે 51,000ની અને નિફ્ટીએ 15,300ની મહત્ત્વની સપાટી હાંસલ કરી લીધી હતી. સેન્સેક્સમાં ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિ પણ વધીને રૂા. 219 લાખ કરોડની સપાટીએ પહોંચી ગઈ હતી.

દેશમાં કોરોનાની બીજી લહેર પ્રબળ બનતા વિવિધ રાજ્યોમાં અમલી બનેલ લૉકડાઉનના કારણે આર્થિક ગતિવિધિઓ રૂંધાવા પામી છે. આ સંજોગોમાં અસરગ્રસ્ત ક્ષેત્રો તેમજ ઉદ્યોગો માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવા હાથ ધરાયેલી કવાયતની બજાર પર સાનુકૂળ અસર થઈ હતી.

આ ઉપરાંત રિઝર્વ બેંક પણ નાના વેપાર ગૃહોને થયેલી અસરનો તાગ મેળવવા સક્રિય બની છે. બીજી તરફ વેક્સિનેશન મુદ્દે સરકાર દ્વારા હાથ ધરાયેલ કવાયત તેમજ કોર્પોરેટ પરિણામોની સિઝન એકંદરે સારી રહ્યાના અહેવાલોની પણ બજાર પર સાનુકૂળ અસર થઈ હતી.

આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ ચોમેરથી નીકળેલી નવી લેવાલીએ સેન્સેક્સ પુન: 51,000ની સપાટી કુદાવી ઇન્ટ્રાડે 51072 પહોંચ્યા બાદ કામકાજના અંતે 379.99 પોઇન્ટ ઉછળી 51017.52ની સપાટીએ મજબૂત રહ્યો હતો. એનએસઇ ખાતે પણ નવી લેવાલીએ નિફ્ટી ઇન્ટ્રા ડે વધીને 15319 થયા બાદ કામકાજના અંતે 93 પોઇન્ટ વધીને 15301.45ની સપાટીએ મક્કમ રહ્યો હતો.

સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાના પગલે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટકેપ) રૂા. 87 હજાર કરોડનો વધારો થતા કામકાજના અંતે તે રૂા. 219.93 લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે રૂા. 241 કરોડની નવી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ રૂા. 438 કરોડની વેચવાલી હાથ ધરી હતી.