×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લક્ષદ્વિપ ટાપુ ભારતનુ ઘરેણુ પણ સરકારમાં બેઠલા અજ્ઞાનીઓ તેને ખતમ કરી રહ્યા છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી,તા.26 મે 2021,બુધવાર

ભારતના લક્ષદ્વિપ ટાપુઓ આજકાલ ચર્ચામાં છે. કેન્દ્ર સરકાર આ ટાપુઓને ખતમ કરવા માંગે છે તેવો આરોપ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે કહ્યુ હતુ કે, લક્ષદ્વિપ ટાપુઓ દેશનુ આભુષણ છે અને સરકાર તેને નષ્ટ કરવા માંગે છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, હું લક્ષદ્વિપના લોકોના ટેકામાં છું. કેન્દ્ર સરકાર આ આભૂષણને ખતમ કરી રહી છે. સત્તા પર બેઠેલા અજ્ઞાનીઓ અને કટ્ટરવાદીઓ લક્ષદ્વિપને ખતમ કરવામાં લાગેલા છે. હું ત્યાંના લોકોની સાથે છું.

કોંગ્રેસે ગઈકાલે પણ સરકારને અપીલ કરી હતી કે,લક્ષદ્વિપને લઈને જે પણ નિર્ણયો લેવાયા છે તેને પાછા ખેંચવામાં આવે અને પ્રફુલ્લ પટેલને પ્રશાસક પદેથી હટાવવામાં આવે. પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ કહ્યુ હતુ કે, કોંગ્રેસ લક્ષદ્વિપના લોકોની સાથે છે અને તેમની સાંસ્કૃતિક ધરોહરની રક્ષાની લડાઈમાં સાથ આપસે.

કોંગ્રેસ રાષ્ટ્રપતિને પત્ર લખીને પ્રશાસક પદેથી પ્રફુલ્લ પટેલને હટાવવાની માંગ કરીને કહ્યુ હતુ કે, તેમના કાર્યકાળમાં જે પણ નિર્ણયો લેવામાં આવ્યા છે તેને રદ કરવામાં આવે.

મળતી વિગતો પ્રમાણે લક્ષદ્વિપ પર દારુબંધી હટાવવામાં આવ છે. ઉપરાંત બીફ પ્રોડકટસ પર પ્રતિબંધ મુકાયો છે. લક્ષદ્વિપની મોટાભાગની વસતી માટે માછીમારી જ મુખ્ય વ્યવસાય છે પણ વિપક્ષોના આરોપ છે કે તંત્ર દ્વારા દરિયા કિનારા પરથી માછીમારોની ઝુંપડીઓ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બીજી તરફ લક્ષદ્વિપના ભાજપના પ્રભારી એ પી અબ્દુલ્લાકુટ્ટીનુ કહેવુ છે કે, વિપક્ષી નેતાઓ પ્રફુલ્લ પટેલનો વિરોધ કરી રહયા છે. કારણકે તેમણે આ ટાપુઓ પરથી નેતાઓના ભ્રષ્ટાચારને ખતમ કરવા માટેના નિર્ણયો લીધા છે.