×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સૈફઈઃ CM યોગી ઉતર્યા હતા તે સ્થળે ગંગાજળ છાંટીને સપાના કાર્યકરે કર્યું 'શુદ્ધિકરણ'


- 2017માં યોગી આદિત્યનાથેપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના સરકારી બંગલાને ગંગાજળ વડે શુદ્ધ કરાવ્યું હતું તેની નારાજગી

નવી દિલ્હી, તા. 26 મે, 2021, બુધવાર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાસ્થ્ય વ્યવસ્થાનો તકાજો મેળવવા માટે 22 મેના રોજ મુલાયમ-અખિલેશના ગઢ સમાન સૈફઈની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે કોવિડ હોસ્પિટલ, ઓક્સિજન ગેસ પ્લાન્ટ અને ગીજા ગામનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ સૈફઈથી પરત ગયા ત્યાર બાદ સમાજવાદી પાર્ટીના એક કાર્યકરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જ્યાં પોતાનો પગ મુક્યો હતો તે જગ્યાને ગંગા જળ વડે શુદ્ધ કરી હતી. 

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ તે અંગે રાજકારણની રમત શરૂ થઈ ગઈ છે. વીડિયોમાં દેખાઈ રહેલા લાલ ટોપી પહેરેલા યુવાને પોતાની સમાજવાદી પાર્ટીના કાર્યકર તરીકે ઓળખ આપી હતી. તેણે જણાવ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જે જગ્યાએ પોતાનો પગ મુકેલો તે બધી જગ્યાને ગંગાજળ વડે શુદ્ધ કરવામાં આવી છે. 

વીડિયોમાં દેખાઈ રહેલા સપા કાર્યકર રોહિત યાદવે પોતે યોગી આદિત્યનાથથી શા માટે નારાજ છે તેનું કારણ પણ આપ્યું હતું. તેણે જણાવ્યું કે, 2017માં જ્યારે યોગી આદિત્યનાથે પ્રદેશની કમાન સંભાળી હતી ત્યારે તેમણે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના કાલિદાસ માર્ગ પર આવેલા સરકારી બંગલાને ગંગાજળ વડે શુદ્ધ કરાવ્યું હતું. આ ઘટનાથી નારાજ રોહિતે સૈફઈના એથલેટિક સ્ટેડિયમમાં હેલિપેડની આજુબાજુ ગંગાજળ છાંટ્યુ હતું. 

ઈટાવા ખાતેથી સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ગોપાલ યાદવના કહેવા પ્રમાણે તે યુવક પાર્ટીનો કાર્યકર નથી અને પાર્ટી દ્વારા આ પ્રકારનો કોઈ નિર્દેશ નહોતો અપાયો. તેમને વીડિયો દ્વારા જ આ ઘટનાની જાણ થઈ છે.