×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લ્યો બોલો! લખનઉનાં પાણીમાં મળ્યો કોરોના વાયરસ, ત્રણ સ્થળોએથી લેવામાં આવ્યા સેમ્પલ

નવી દિલ્હી, 25 મે 2021 મંગળવાર

લખનઉના પાણીમાં કોરોના સંક્રમણ મળવાનાં સમાચારથી લોકોની ઉંઘ ઉડી ગઈ છે. ગોમતી નદીમાં પડતા ખદરા સ્થિત એક ગટરમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. મુંબઈ પછી લખનઉની ગટરમાં કોરોના વાયરસ મળવાનો આ પહેલો કેસ છે. અહીંની કેટલીક ગટર સીધી ગોમતી નદીમાં મળે છે, જ્યારે કેટલાકનું પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શોધન બાદ નદીમાં છોડવામાં આવે છે. આ પાણી પીવામાં પણ વપરાય છે. આથી લોકોની ચિંતામાં વધારો થયો છે. પીજીઆઈ માઇક્રોબાયોલોજી વિભાગમાં ગટરનાં પાણીની તપાસ કરવામાં આવી છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ગોમતીમાં પડતા ગટરનાં પાણીમાં કોરોના વાયરસ શોધવા માટે સંશોધન શરૂ કર્યું છે. જેમાં દેશભરના જુદા જુદા શહેરોમાંથી ગટરનાં પાણીનાં નમૂના લેવામાં આવ્યા છે, અને તેની તપાસ કરવામાં આવી રહી છે. પીજીઆઈ માઇક્રોબાયોલોજી વિભાગના અધ્યક્ષ ડો.ઉજ્જવાલા ઘોષાલના જણાવ્યા મુજબ, દેશમાં કુલ આઠ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. તેમાં લખનઉ પીજીઆઈનો પણ સમાવેશ છે.

ડો.ઉજ્જવલા ઘોષાલના જણાવ્યા મુજબ WHOની ટીમે પ્રથમ તબક્કા હેઠળ ત્રણ સ્થળોએ ગટરના પાણીનાં સેમ્પલ લીધા છે. રૂપપુર ખદરા, ઘંટાઘર ​​અને મછલી મોહાલ ડ્રેઇનના પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. અહીં આખા વિસ્તારોની ગટરો એક જગ્યાએ પડે છે અને તેનું પાણી વહીને સીધું ગોમતી નદીમાં મળે છે. ટીમે માઇક્રોબાયોલોજી વિભાગને નમૂનાઓ આપ્યા હતા. ડો. ઘોષાલના જણાવ્યા અનુસાર, 19 મેના રોજ એક તપાસ અહેવાલ આવ્યો જેમાં ખદરામાંથી લેવામાં આવેલા ગટરના પાણીના નમૂનામાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. ઘંટાઘર અને મછલી મોહાલનાં સેમ્પલોમાં વાયરસ મળ્યો નથી. રિપોર્ટ તૈયાર કરીને ICMRને મોકલવામાં આવ્યો છે. સંસ્થા તેને સરકાર સાથે શેર કરશે.