×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્રમ્પના રસ્તે બાઈડન, પાકિસ્તાનને મળતી સંરક્ષણ સહાય પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો

નવી દિલ્હી,તા.25 મે 2021,મંગળવાર

અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોન તરફથી કહેવામાં આવ્યુ છે કે, અમેરિકા તરફથી પાકિસ્તાનને અપાતી સહાય પર જે પ્રતિબંધ મુકાયો હતો તે ચાલુ રાખવામાં આવશે. અમેરિકન પ્રમુખ જો બાઈડને આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી છે.

બીજી રીતે કહીએ તો બાઈડને તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પની નીતિને આગળ વધારી છે. જોકે ભવિષ્યમાં બાઈડન સરકાર પાકિસ્તાન પ્રત્યે પોતાના વલણમાં બદલાવ લાવશે કે કેમ તે હાલના તબક્કે સ્પષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે, તત્કાલિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2018માં પાકિસ્તાનને અપાતી તમામ પ્રકારની સુરક્ષા સહાય પર પ્રતિબંધ મુકી દીધો હતો અને કહ્યુ હતુ કે, આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાનની ભૂમિકા અને તેની પાસેથી મળી રહેલા સહયોગથી અમેરિકા સંતુષ્ટ નથી.

દરમિયાન આજે પેન્ટાગોનના પ્રેસ સચિવ જોન કિર્બીએ એક પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાનને અમેરિકા તરફથી મળતી સુરક્ષા સહાય પર હાલમાં પણ પ્રતિબંધ ચાલુ જ છે. તેમાં આગળ જતા બદલાવ થશે કે કેમ તે અંગે હું કશું કહેવા માંગતો નથી.

કિર્બીને સવાલ કરવામાં આવ્યો હતો કે, રાષ્ટ્રપતિ જો બાઈડનની સરકારે આ મામલે અગાઉની સરકારની નીતિની સમીક્ષા કરી છે કે નહી?તેમાં કોઈ ફેરફાર કરાયો છે કે કેમ અને પાકિસ્તાની નેતૃત્વ સાથે આ મુદ્દે કોઈ ચર્ચા થઈ છે કે કેમ?તેના જવાબમાં કિર્બીએ કહ્યુ હતુ કે, આ પહેલા સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિને પાકિસ્તાનની સેનાના પ્રમુખ જનરલ બાજવા સાથે વાતચીત કરી હતી. બંને વચ્ચે સમાન હિત અને લક્ષ્યને લઈને વાત થઈ હતી. અફઘાનિસ્તાનની શાંતિ વાર્તામાં પાકિસ્તાનના સહકારની સંરક્ષણ મંત્રીએ પ્રશંસા કરી છે અને અમેરિકા તથા પાકિસ્તાન ક્ષેત્રીય સુરક્ષા અને સ્થિરતા વધારવા માટે સાથે મળીને કામ કરશે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

એક દિવસ પહેલા જ અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝ જેક સુલિવને જિનિવા ખાતે પાકિસ્તાનના પોતાના સમક્ષ મોઈદ યુસુફ સાથે મુલાકાત કરી હતી. જેમાં બંને પક્ષો વચ્ચે એક બીજા સાથેનો વ્યવહારિક સહયોગ વધારવા માટે અને ભવિષ્યમાં પણ વાર્તાલાપ આગળ વધારવા માટે ચર્ચા થઈ હતી.

આ બેઠખ અંગે પાકિસ્તાને કહ્યુ હતુ કે, બંને પક્ષો વચ્ચે સંખ્યાબંધ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર હકારાત્મક વાતચીત થઈ છે અને બંને દેશો એક બીજા સાથે સહયોગ વધારશે તેવુ પણ નક્કી થયુ છે.