×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્રમ્પને અપાઈ હતી તે કોરોનાની 'એન્ટીબોડી કોકટેલ' દવાની ભારતમાં એન્ટ્રી, જાણો તેના ફાયદા


- કોરોના પોઝિટિવ આવ્યાના 48થી 72 કલાકની અંદર આ દવા લઈ શકાશે

નવી દિલ્હી, તા. 25 મે, 2021, મંગળવાર

સ્વિત્ઝરલેન્ડની ડ્રગ કંપની રોશે અને સિપ્લાએ સોમવારે 'એન્ટીબોડી કોકટેલ' દવા લોન્ચ કરી હતી. મેદાંતા હોસ્પિટલના ફાઉન્ડર ડૉક્ટર નરેશ ત્રેહાનના કહેવા પ્રમાણે 'એન્ટીબોડી કોકટેલ' દવાથી 70 ટકા સુધી હોસ્પિટલાઈઝેશન બચી જાય છે. મતલબ કે આ દવા લેનારા 70 ટકા લોકોએ હોસ્પિટલ નથી જવું પડતું. ડૉ. ત્રેહાનના કહેવા પ્રમાણે અમુક કેસમાં બાળકોને પણ આ દવા આપી શકાય છે. 

સિપ્લા ભારતમાં 'એન્ટીબોડી કોકટેલ'ના વિતરણનું કામ કરશે અને હાલ તે દેશમાં અમુક પસંદગીના સ્થળોએ જ ઉપલબ્ધ રહેશે. જેમ કે મેદાંતા હોસ્પિટલ ખાતેથી તે મળી રહેશે. 

'એન્ટીબોડી કોકટેલ' હકીકતે 2 દવાઓનું મિશ્રણ છે. આ બે દવાઓ છે- કાસિરિવિમાબ (Casirivimab) અને ઈમ્દેવીમાબ (Imdevimab). આ દવાઓના 600-600  MG ભેગા કરવાથી 'એન્ટીબોડી કોકટેલ' દવા તૈયાર થાય છે. આ દવા હકીકતે વાયરસને માનવીય કોશિકાઓમાં જતા અટકાવે છે જેથી વાયરસને ન્યૂટ્રિશન નથી મળતું. આ રીતે આ દવા વાયરસને રેપ્લિકેટ કરતા અટકાવે છે. 

ડૉ. ત્રેહાનના કહેવા પ્રમાણે આ દવા 70 ટકા જેટલી પ્રભાવશાળી છે. મતલબ કે જે લોકોને હોસ્પિટલ લઈ જવાની જરૂર લાગે તેમને આ દવા આપવામાં આવે તો હોસ્પિટલ લઈ જવાની જરૂર નહીં રહે. આ દવા મૃત્યુદરને પણ 80 ટકા સુધી ઘટાડી શકે છે. 'એન્ટીબોડી કોકટેલ'ના એક સિંગલ ડોઝની કિંમત તમામ ટેક્સ ઉમેરીને 59,750 રૂપિયા થાય છે. ડૉ. ત્રેહાનના કહેવા પ્રમાણે તેમણે દવા કંપનીઓને તેની કિંમત ઘટાડવા પણ કહ્યું છે. 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના થયો ત્યારે તેમને 'એન્ટીબોડી કોકટેલ' આપવામાં આવી હતી. અમેરિકામાં આ દવાના ઉપયોગને મંજૂરી મળેલી છે અને હવે ભારતે પણ તેના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. 

કોરોના પોઝિટિવ આવ્યાના 48થી 72 કલાકની અંદર આ દવા લઈ શકાશે. તેને લેતા 20-30 મિનિટનો સમય લાગી શકે છે અને ત્યાર બાદ દર્દીને 1 કલાક સુધી મોનિટરિંગમાં રાખવામાં આવે છે જેથી કોઈ રિએક્શન આવે તો જાણી શકાય. આ દવા બાળકોને પણ આપી શકાય પરંતુ તેમનું વજન લઘુત્તમ 40 કિગ્રા હોવું જોઈએ.