×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાએ ધનિકોની આંખો ઉઘાડી: સંપત્તિના બદલે આરોગ્યને મહત્વ

વોશિંગ્ટન, 23 મે 2021 રવિવાર

કોરોના રોગચાળાએ માનવજીવનને ઘણું નુકસાન પહોંચાડયું છે. સાથે જ વિશ્વને વૈચારિક પરિવર્તનનો બોધ પણ આપ્યો છે. આમાં સૌથી મોટો બોધપાઠ ધનદોલત પ્રત્યે થયેલા પરિવર્તનનો છે.

કેટલીક તાજી મોજણીના તારણો મુજબ ધનવાનોને પણ ખ્યાલ આવી ગયો છે કે પૈસાથી બધું જ ખરીદીને આનંદ મેળવવાની ધારણા બહુ સાચી નથી અમેરિકા જેવા સમૃધ્ધ દેશમાં પણ ઉલ્લેખનીય- પરિવર્તન થયું છે કે એમના માટે સંબંધો અને આરોગ્ય હવે વધુ મહત્પૂર્ણ બની રહ્યા છે. સ્વાસ્થ્ય છે તો સમૃધ્ધિ છે. એમ તેઓ માનતા થયા છે.

અમેરિકામાં રોકાણકારોના થયેલી બોસ્ટન પ્રાઇવેટની મોજણીમાં 60 ટકા લોકોએ સ્વીકાર્યું કે મહામારીએ એમને સંપત્તિના મુદ્દે એમની સમજણનું પુનર્મૂલ્યાંકન કરવાની તક આપી છે. લોકોને કરવેરા અને અન્ય અનેક બાબતોની ચિંતા તો છે જ પરંતુ હવે આરોગ્યની સંભાળ એમની સૌથી મોટી પ્રાથમિકતા બની છે.

બીજી બાજુ ચાર્લ્સ શ્વોબ કોર્પનાં વાર્ષિક સર્વેમાં મધ્યમ આવકવાળા લોકો મહામારીના પગલે દેશની અર્થવ્યવસ્થાના મુદ્દે વધુ સકારાત્મક જણાયા છે. 

બોસ્ટન પ્રાઇવેટના વિભાગીય પ્રમુખ ગેરાલ્ડ બેકરે જણાવ્યું કે મોજણીમાં જેમને સાંકળી લેવાયા એ લોકો માટે હવે દોલતનો અર્થ વધુ રોકડ પૈસા નથી. તેઓ જે કોઇ કામ કરી રહ્યા છે એમાં સફળતા હવે એમનો ગુરૂમંત્ર છે. મહામારીએ આનંદ અને સફળતાને ફરીથી પરિભાષિત કરવાનો મોકો આપ્યો છે.

આ સાથે સંમત 78 ટકા લોકો મિલેનિયલ્સ એટલે કે 1980 થી 1990નાં દાયકામાં જન્મેલા છે, જ્યારે 73 ટકા જનરેશન એક્સ એટલે કે 1965 થી 1980  ની વચ્ચે જન્મ લેનારા લોકો છે. આ જૂથે જણાવ્યું કે કોરોનાએ ભવિષ્યમાં સંપત્તિના ઉપયોગ બાબત એમની યોજના બદલી કાઢી છે. જોકે બેબી બૂમર્સ એટલે કે 1946થી 1964 વચ્ચે જન્મેલા લોકો પૈકી ફક્ત 26 ટકા લોકોએ આ વાત સ્વીકારી.