×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં ફરી લંબાવાયું લોકડાઉન, કેજરીવાલે કહ્યું- યુદ્ધ હજુ બાકી છે


- દિલ્હીમાં 18મી એપ્રિલથી લોકડાઉનની શરૂઆત થઈ હતી અને 24 મેના રોજ તેનો અંત આવવાનો હતો

નવી દિલ્હી, તા. 23 મે, 2021, રવિવાર

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા કેસ અને સંક્રમણ દર ઘટ્યો છે. જો કે, ઘટી રહેલા સંક્રમણ દર વચ્ચે લોકડાઉન લંબાવવા કે ખતમ કરવા અંગેનો સંશય સમાપ્ત થઈ ગયો છે. કેજરીવાલ સરકારે રવિવારે ફરી એક વખત લોકડાઉન લંબાઈને તેને વધુ એક સપ્તાહ માટે લાગુ કરવા આદેશ આપ્યો હતો. આ કારણે દિલ્હીમાં હવે 31મી મે સુધી પ્રતિબંધો લાગુ રહેશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જો આ રીતે કેસ ઘટતા રહેશે અને સ્થિતિ સુધરતી જણાશે તો 31મી મે બાદ અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં 18મી એપ્રિલથી લોકડાઉનની શરૂઆત થઈ હતી અને 24 મેના રોજ તેનો અંત આવવાનો હતો પરંતુ તે પહેલા જ મુખ્યમંત્રીએ લોકડાઉન વધુ એક સપ્તાહ લંબાવવાની જાહેરાત કરી છે. 

મુખ્યમંત્રી કેજરીવાલે રવિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, દિલ્હીમાં અનુશાસનના કારણે એક મહિનામાં કોરોનાની લહેર નબળી પડતી જોવા મળી રહી છે. એપ્રિલમાં સંક્રમણ દર 36 ટકાએ પહોંચી ગયો હતો અને આજે ઓછા લોકો સંક્રમિત નોંધાઈ રહ્યા છે.  

વેક્સિનની તંગી

કેજરીવાલે વેક્સિનની તંગી અંગે પણ વાત કરી હતી. જો કે, સાથે જ તેમણે બધા સાથે મળીને વેક્સિનની સમસ્યાનું સમાધાન શોધી કાઢીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે મહામારી દરમિયાન સંપૂર્ણપણે સેવાભાવમાં જોડાયેલા ડોક્ટર્સ અને નર્સને પણ યાદ કર્યા હતા. ઉપરાંત અનેક ડૉક્ટર્સ પણ ગુમાવ્યા છે તેવો ઉલ્લેખ કરીને યુદ્ધ હજુ બાકી છે તેમ કહ્યું હતું.