×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'દીદી તમારા વગર નહીં રહી શકું, BJPમાં જોડાઈને કરી ભૂલ', પૂર્વ મહિલા MLAએ મમતા બેનર્જીને લખ્યો પત્ર


- ટીએમસીએ આ વખતે સોનાલીને વિધાનસભા ચૂંટણીની ટિકિટ નહોતી આપી જેથી તેમણે ટીવી ચેનલો સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી

નવી દિલ્હી, તા. 23 મે, 2021, રવિવાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે અને તૃણમૂલ કોંગ્રેસની સત્તાવાપસી સાથે મમતા બેનર્જી ફરી એક વખત મુખ્યમંત્રી બન્યા છે. આ બધા વચ્ચે ચૂંટણી વખતે ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય સોનાલી ગુહાએ મમતા બેનર્જીને પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે, 'જેવી રીતે માછલી પાણીની બહાર નથી રહી શકતી, તેવી જ રીતે હું તમારા વગર નહીં રહી શકું, દીદી.'

ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયેલા સોનાલી ગુહાએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, પાર્ટી છોડવા બદલ હું તમારી માફી માંગુ છું. જો તમે મને માફ નહીં કરો તો હું જીવતી નહીં રહી શકું. મહેરબાની કરીને પાર્ટીમાં પાછા આવવા મંજૂરી આપો, જેથી હું મારૂ બાકીનું જીવન તમારા સ્નેહમાં વિતાવી શકું. 

સોનાલી ગુહાએ કહ્યું કે, હું ભગ્ન હૃદયે આ લખી રહી છું કે, ભાવુક થઈને મેં બીજી પાર્ટીમાં સામેલ થવાનો ખોટો નિર્ણય લીધો. સોનાલી 4 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે અને એક સમયે તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જીના અંગત ગણાતા હતા. પરંતુ વિધાનસભા ચૂંટણી પહેલા તેમણે ભાજપનો છેડો પકડી લીધો હતો. ટીએમસીએ તેમને આ વખતે વિધાનસભા ચૂંટણીની ટિકિટ નહોતી આપી જેથી તેમણે ટીવી ચેનલો સમક્ષ નારાજગી વ્યક્ત કરીને પાર્ટી છોડી દીધી હતી અને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. તેઓ ચૂંટણી નહોતા લડ્યા પરંતુ ભાજપનું સંગઠન મજબૂત કરવા કામ કરશે તેમ કહ્યું હતું. 

સોનાલીએ જણાવ્યું કે તેમનો ભાજપમાં જોડાવાનો નિર્ણય ખોટો હતો અને આજે તેઓ એ વાત અનુભવી રહ્યા છે. ભાજપમાં હંમેશા તેમને અનવોન્ટેડ હોવાનો અનુભવ થતો હતો. ભાજપ દ્વારા તેમનો ઉપયોગ કરવા પ્રયત્ન કરાયો અને તેમને મમતા દીદીને બદનામ કરવા કહેવામાં આવ્યું હતું પરંતુ તેઓ તેમ નહોતા કરી શકતા. ગુહાના કહેવા પ્રમાણે ફરી ટીએમસીમાં જોડાવા તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળવા પણ તૈયાર છે.