×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂત આંદોલનઃ રાકેશ ટિકૈતને મળી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યુંઃ અશ્લીલ વીડિયો મોકલી ખંડણીની માંગણી કરાઈ


- જો પોલીસ ટૂંક સમયમાં આરોપીઓને નહીં ઝડપી લે તો તમામ નંબરોને સાર્વજનિક કરી દેવામાં આવશેઃ રાકેશ ટિકૈત

નવી દિલ્હી, તા. 22 મે, 2021, શનિવાર

ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને તેમના પાસેથી ખંડણી માંગવામાં આવી છે. રાકેશ ટિકૈતના કહેવા પ્રમાણે તેમને વ્હોટ્સએપ પર અપશબ્દો ઉપરાંત અશ્લીલ વીડિયો પણ મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ જો ખંડણી નહીં આપવામાં આવે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી રહી છે.

ગાઝિયાબાદ કિસાન સંઘના જિલ્લા પ્રભારી જય કુમાર મલિકે આ મામલે કૌશાંબી થાણામાં રિપોર્ટ નોંધાવ્યો છે અને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં રાકેશ ટિકૈતના ફોન પર અલગ-અલગ નંબરથી ધમકીભર્યા કોલ આવતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

સાથે જ વ્હોટ્સએપ પર અપશબ્દો અને અશ્લીલ વીડિયો પણ મોકલવામાં આવી રહ્યા છે. ફરિયાદમાં આ વીડિયો ફોટો સાથે છેડછાડ કરીને બનાવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અનેક વખત આ પ્રકારના કોલ, મેસેજની અવગણના કરવામાં આવી પરંતુ સતત કોલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. આ સાથે જ આરોપીઓ 11,000 રૂપિયા પણ માંગી રહ્યા છે. જો ખંડણી નહીં આપવામાં આવે તો વ્હોટ્સએપ પર મોકલવામાં આવેલા અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ અપાઈ રહી છે. 

ફરિયાદના આધારે રિપોર્ટ નોંધી લેવામાં આવ્યો છે અને સર્વેલન્સ દ્વારા નંબરો વડે આરોપીઓને શોધવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. રાકેશ ટિકૈતના કહેવા પ્રમાણે જો પોલીસ ટૂંક સમયમાં આરોપીઓને નહીં ઝડપી લે તો તમામ નંબરોને સાર્વજનિક કરી દેવામાં આવશે.