×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાઃ 24 કલાકમાં 4,000થી વધુના મોત, સંક્રમણના નવા કેસ પણ 2.5 લાખથી વધુ


- દરરોજ કોરોનાના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે છે જેથી સક્રિય કેસમાં ઘટાડો આવ્યો 

નવી દિલ્હી, તા. 22 મે, 2021, શનિવાર

દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ચાલી રહ્યો છે. દેશમાં નવા દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ કોરોનાના કારણે થતા મૃત્યુના આંકડા હજુ પણ ભયાવહ જ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2.57 લાખ કેસ નોંધાયા છે અને 4,194 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે આ માહિતી જાહેર કરી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ઉતાર-ચઢાવ ચાલુ જ છે. છેલ્લા 24 કલાકમાં નવા 2,57,299 કેસ નોંધાયા છે અને આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,62,89,290 થઈ ગઈ છે. 

નથી અટકી રહ્યું કોરોનાનું તાંડવ

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન મૃતકઆંક સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4,194 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ કોવિડ સંક્રમણના કારણે મરનારા લોકોની સંખ્યા વધીને 2,95,525 થઈ ગઈ છે. છેલ્લા 10 દિવસથી મૃતકઆંક સતત 4,000થી વધારે નોંધાઈ રહ્યો છે. 

કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડાઓ પ્રમાણે દેશમાં સક્રિય કેસ સતત ઘટી રહ્યા છે જે રાહતની વાત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,57,630 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં 2,30,70,365 દર્દીઓ કોરોના વાયરસને માત આપવામાં સફળ થયા છે. દરરોજ કોરોનાના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે છે જેથી સક્રિય કેસમાં ઘટાડો આવ્યો છે. હાલ દેશમાં સક્રિય કેસની સંખ્યા 29,23,400 છે.