×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાનમાં પેલેસ્ટાઈન સમર્થન રેલી દરમિયાન વિસ્ફોટ, 7ના મોત, 13 ઘાયલ


- રેલી સમાપ્ત થાય તે પહેલા એક ધાર્મિક નેતાના વાહનને નિશાન બનાવીને આઈઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો

નવી દિલ્હી, તા. 22 મે, 2021, શનિવાર

પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમી બલૂચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે પેલેસ્ટાઈનના સમર્થનમાં યોજાયેલી રેલી દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને અન્ય 13 લોકોને ઈજાઓ પહોંચી છે. બલૂચિસ્તાન પ્રાંતની સરકારના પ્રવક્તા લિયાકત શાહવાનીએ જણાવ્યું કે, રેલી ચમન શહેરના એક બજારમાંથી પસાર થઈ રહી હતી તે સમયે આ વિસ્ફોટ થયો હતો. 

શરૂઆતમાં 6 લોકોના મોત થયા હોવાની અને 14 લોકો ઘાયલ થયા હોવાની માહિતી આપવામાં આવી હતી. ઘાયલો પૈકીના 10ને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે 4ને ક્વેટા ખાતેની હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ અધિકારીઓએ વિસ્ફોટમાં 7 લોકોના મોતની પૃષ્ટિ કરી હતી. ઘાયલો પૈકીના 3ની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.

આ રેલી પેલેસ્ટાઈનના લોકો પ્રત્યે એકજૂથતા પ્રદર્શિત કરવા યોજવામાં આવી હતી. તેમાં પશ્ચિમ એશિયામાં અસ્થિરતા સર્જવાની ધમકી પણ આપવામાં આવી હતી. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા 11 દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો છે જેમાં અત્યાર સુધીમાં 240 કરતા પણ વધારે લોકોના મોત થયા છે. 

ઈસ્લામિક રાજકીય સંગઠન જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-નજરયાતી (જેયુઆઈ-એન) દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અબ્દુલ કાદિર લુની અને કારી મહરૂલ્લા પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને નેતાઓ સુરક્ષિત છે. રેલી સમાપ્ત થાય તે પહેલા એક ધાર્મિક નેતાના વાહનને નિશાન બનાવીને આઈઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. હજુ સુધી કોઈ સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી નથી સ્વીકારવામાં આવી. પરંતુ શાહવાનીના કહેવા પ્રમાણે હુમલો કરનારા પેલેસ્ટાઈન પ્રત્યે એકજૂથતાના વિરોધમાં છે અને તેઓ ઈઝરાયલનું સમર્થન કરે છે.