×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં 'કિરપાણ' પર મુકાયો પ્રતિબંધ, અકાલ તખ્તે નિર્ણય પાછો ખેંચવા કરી માંગણી


- સિડનીમાં એક શીખ વિદ્યાર્થીએ પોતાના બચાવમાં કિરપાણ કાઢી તેને અનુસંધાને લેવાયો નિર્ણય

નવી દિલ્હી, તા. 20 મે, 2021, ગુરૂવાર

ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સની સરકારી શાળાઓમાં 'કિરપાણ' પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અકાલ તખ્તે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને ઓસ્ટ્રેલિયન સરકારને આ નિર્ણય પાછો ખેંચી લેવા કહ્યું છે. શિરોમણિ ગુરૂદ્વારા પ્રબંધક કમિટી (SGPC)એ કિરપાણ પર પ્રતિબંધને લઈ વિદેશ મંત્રાલય અને ઓસ્ટ્રેલિયામાં ઉપસ્થિત ભારત સરકારના ઉચ્ચાયુક્તને પત્ર લખ્યો છે. 

પત્રમાં આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરવામાં આવી છે કારણ કે, આ શીખોની ધાર્મિક લાગણી સાથે જોડાયેલો મુદ્દો છે. શાળાઓમાં કિરપાણ નહીં પહેરવા અંગેનો પ્રતિબંધ આજથી પ્રભાવી થઈ રહ્યો છે. હકીકતે સિડનીની એક શાળામાં બનેલી દુર્ઘટના બાદ આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એક 14 વર્ષીય શીખ વિદ્યાર્થીને શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ ધમકાવી રહ્યા હતા અને તેના સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા. તેના જવાબમાં તે શીખ વિદ્યાર્થીએ બચાવમાં કિરપાણનો પ્રયોગ કર્યો હતો અને એક વિદ્યાર્થીને ઘાયલ કર્યો હતો. 

સરકારનો નિર્ણય સંપૂર્ણપણે અપરિપક્વ

અકાલ તખ્તે આ પ્રતિબંધને અનાવશ્યક ઠેરવ્યો છે. આ પ્રકારનો પ્રતિબંધ લાગુ કરતા પહેલા કોઈ સામુદાયિક મંત્રણા ન કરવાને લઈ ઓસ્ટ્રેલિયન સરકારની આકરી ટીકા કરવામાં આવી છે. અકાલ તખ્તના જથ્થેદાર જ્ઞાની હરપ્રીત સિંહે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી સારા મિશેલનો નિર્ણય સંપૂર્ણપણે અપરિપક્વ છે. સાથે જ તેમણે શીખ પ્રતીકોની ઓળખ માટે લડવા શીખ સંગઠનો એકજૂથ થાય તેવું આહ્વાન પણ કર્યું હતું. તેમણે શીખોની ભાવનાને ઠેસ પહોંચાડનારા નિર્ણય અંગે સરકારે સમીક્ષા કરવી જોઈએ તેવી માંગણી પણ કરી હતી. 

એક ઘટનાથી શીખોની પવિત્રતા દાવ પર ન મુકોઃ SGPCના અધ્યક્ષ

SGPCના અધ્યક્ષ બીબી જાગીર કૌરે જણાવ્યું કે, એક ઘટનાના આધાર પર સમુદાયની પવિત્રતાને દાવ પર ન મુકી શકાય. શીખ સમુદાય માટે કિરપાણ ખૂબ પવિત્ર છે. તેની તુલના કદી ચાકુ કે ખંજર સાથે ન થઈ શકે. શિક્ષણ મંત્રીએ શીખ સદસ્યો સાથે એક ઓનલાઈન બેઠક યોજવા સિવાય શીખ સમુદાયના નેતાઓ સાથે કોઈ ચર્ચા નહોતી કરી. ત્યાર બાદ તરત જ કિરપાણ પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો. તેમણે ઓસ્ટ્રેલિયન સરકારને શક્ય તેટલી ઝડપથી આ નિર્ણય પાછો ખેંચવા આગ્રહ કર્યો હતો.