×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાવાઝોડાગ્રસ્ત ગુજરાત માટે રૂ. 1,000 કરોડનું રાહત પેકેજ


- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યા બાદ જાહેરાત કરી

- ગુજરાત સહિતનાં રાજ્યોમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. બે લાખ, ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય :  રાહત કામગીરીની મોદીએ સમીક્ષા કરી

- વધુ સહાય માટે આંતર-મંત્રી મંડળીય ટીમને ગુજરાતની મુલાકાતે મોકલશેઃ  વડાપ્રધાને કોવિડને મુદ્દે પણ ચર્ચા કરી

અમદાવાદ : ટૌટે વાવાઝોડાને પરિણામે ભારે તારાજી સહન કરનાર ગુજરાતને તાત્કાલિક રૂ. ૧,૦૦૦ કરોડની નાણાકીય સહાય આપવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી છે. ચક્રવાતની અસરનો ભોગ બનેલા ગુજરાત સહિતના રાજ્યોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. ૨ લાખની અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. વાવંટોળથી ગુજરાતમાં વાસ્તવમાં કેટલું  નુકસાન થયું છે તેનું આકલન કરવા કેન્દ્રના આંતર-મંત્રીમંડળીય ટીમને ગુજરાત મોકલશે. ત્યારબાદ તેના અહેવાલને આધારે વધારે સહાય આપવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ સાથે જ પ્રધાનમંત્રીએ રાજ્યના લોકોને ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર આફતની આ ઘડીએ ગુજરાત સરકાર સાથે સંકલન કરીને કામ કરશે. ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓની પુનઃસ્થાપન અને એનું પુનઃનિર્માણ કરવા માટે શક્ય તમામ સહાયતા પ્રદાન કરશે.

આજે હવાઈ નિરીક્ષણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર વાવાઝોડાગ્રસ્ત ગુજરાતેમાં માળખાગત સુવિધાઓની પુનઃસ્થાપના અને એનું પુનઃનિર્માણ કરવા માટે તમામ મદદ કરશે. વાવાઝોડાની અસરનો ભોગ બનેલા રાજ્યો કેન્દ્રને આકારણી અહેવાલ મોકલે તે પછી તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશ. 

આજે દિલ્હીથી સીધા ભાવનગર આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ ચક્રવાતની અસરનો ભોગ બનેલા ગુજરાતના ઉના ગિર-સોમનાથ, જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) અને દીવના વિસ્તારોના પોણા બે કલાકથી વધુ સમય સુધી હવાઈ સર્વે કર્યો હતો. ત્યારબાદ તેમણે અમદાવાદમાં ગુજરાત અને દીવમાં હાથ ધરવામાં આવેલી રાહત અને પુનર્વસન માટેના પગલાંની સમીક્ષા કરવા એક બેઠક કરી હતી. ગુજરાત રાજ્યને તાત્કાલિક રાહત પ્રવૃત્તિઓ હાથ ધરવા રૂ. ૧,૦૦૦ કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. ગુજરાતમાંં વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ મેળવવા કેન્દ્રની આંતર-મંત્રીમંડળીય ટીમને મોકલવાની જાહેરાત કરી હતી.

તેના અહેવાલને આધારે વધારે સહાય આપવાની ખાતરી પણ આપી હતી. તેમણે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન રાજ્યો તથા દીવ અને દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. ૨ લાખ અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરી હતી. આપત્તિ દરમિયાન પોતાના સગાસંબંધીઓ ગુમાવનાર લોકો પ્રત્યે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ મુલાકાત દરમિયાન કોવિડ મહામારી સાથે સંબંધિત સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. ગુજરાત સરકારના વહીવટીતંત્રે પ્રધાનમંત્રીને મહામારી સામે લડવા માટે હાથ ધરવામાં આવેલા પગલાં વિશે જાણકારી આપી હતી અને પ્રધાનમંત્રીએ મહામારીનું નિવારણ કરવા માટે પગલાં લેવામાં આવે એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકાર ભારતના વિવિધ વિસ્તારોમાં ચક્રવાતને કારણે અસર પામેલા તમામ લોકોની સાથે જ હોવાની લાગણી વ્યક્ત કરી હતી. 

પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર ચક્રવાત પછી ઊભી થયેલી સ્થિતિમાં અસરગ્રસ્ત તમામ રાજ્યની સરકારો સાથે સંકલન કરીને કામ કરી રહી છે. તમામ રાજ્યોને તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશે. આ માટે રાજ્યે સરકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ તેમની આકારણી રજૂ કરવી પડશે. તેને આધારે નાણાકીય સહાયનો નિર્ણય લેવામાં આવશે. 

તેમણે આપત્તિ વ્યવસ્થાપનના સંબંધમાં વધારે વૈજ્ઞાાનિક અભ્યાસ હાથ ધરવા ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. આંતર-રાજ્ય સંકલન વધારવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઝડપથી સ્થળાંતરણ થાય એ સુનિશ્ચિત કરવા આધુનિક સંચાર ટેકનિકોનો ઉપયોગ કરવા પર  ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી.

 તેમણે નુકસાન પામેલા આવાસો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મિલકતોનું સમારકામ કરવાની પણ અપીલ કરી હતી.