×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

MPમાં ભાજપના સાંસદે સાફ કર્યું ક્વોરેન્ટાઈન સેન્ટરનું ટોઈલેટ, વીડિયો થયો વાયરલ


- સાંસદે બંને હાથમાં ગ્લોવ્સ પહેરેલા અને તેઓ ટોઈલેટમાં હાથ નાખીને ગંદકી સાફ કરવા લાગેલા

નવી દિલ્હી, તા. 19 મે, 2021, બુધવાર

મિઝોરમના મંત્રી બાદ હવે મધ્ય પ્રદેશના રીવા ખાતેથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા સફાઈને લઈ ચર્ચામાં છે. સાંસદ જનાર્દન મિશ્રાએ પોતાના હાથ વડે જ ક્વોરેન્ટાઈન સેન્ટરનું ટોઈલેટ સાફ કર્યું હતું. તેઓ ટોઈલેટ સાફ કરતા હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

ખાસ વાત એ છે કે, સાંસદે ટોઈલેટ સાફ કરવા માટે બ્રશ આવે તેટલી રાહ પણ નહોતી જોઈ અને હાથ વડે જ ટોઈલેટ સીટ સાફ કરી દીધી હતી. સાંસદને આ રીતે કામ કરતા જોઈને લોકો ચકિત રહી ગયા હતા. 

સાંસદ જનાર્દન મિશ્રા ક્વોરેન્ટાઈન સેન્ટરનું નીરિક્ષણ કરવા ગયા હતા. તે સમયે ટોઈલેટ ખૂબ જ ગંદુ હોવાથી તેને સાફ કરવાની જરૂર લાગતા તેઓ પોતે જ તેને સાફ કરવા લાગ્યા હતા. તેમણે એકલાએ જ ટોઈલેટ સાફ કરી નાખ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, સાંસદે બંને હાથમાં ગ્લોવ્સ પહેરેલા છે અને તેઓ ટોઈલેટમાં હાથ નાખીને ગંદકી સાફ કરી રહ્યા છે. 

જનાર્દન મિશ્રાના કહેવા પ્રમાણે કોઈ કામ નાનુ કે મોટું નથી હોતું. કોવિડ મહામારી દરમિયાન બધા લોકો કામ કરી રહ્યા છે પછી ભલે તે ડૉક્ટર હોય કે સફાઈકર્મી. ટોઈલેટ ગંદુ હોવાથી તેમણે સાફ કરી નાખ્યું જેથી લોકો તે કામ માટે આગળ આવે અને સ્વચ્છતાનું મહત્વ સમજે.