×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

185 કિમીની ઝડપે ગુજરાતના કાંઠે અથડાયું તૌકતે, 4 રાજ્યોમાં 18ના મોત, 410 લોકો દરિયામાં ફસાયા


- સેનાએ ગુજરાતમાં 180 ટીમ અને 9 એન્જિનિયર્સની ટાસ્ક ફોર્સ તૈનાત કરી 

નવી દિલ્હી, તા. 18 મે, 2021, મંગળવાર

અરબ સાગરમાંથી ઉઠેલું તૌકતે વાવાઝોડું 185 કિમી પ્રતિ કલાકની ઝડપથી સોમવારે રાતે 8:00 કલાકે ગુજરાતના કિનારે અથડાયું હતું. વાવાઝોડાના કારણે કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં 18 લોકોના મોત થયા હતા. વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં 6 લોકોનો ભોગ લીધો હતો અને ચારેય રાજ્યોમાં હજારો ઘરોને નુકસાન થયું હતું. આ તરફ ગુજરાતમાં 1.5 લાખ કરતા પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

અગાઉ વાવાઝોડાએ મુંબઈમાં ભારે તબાહી મચાવી હતી અને મહારાષ્ટ્રમાં 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 2 વિશાળ હોડીમાં સવાર 410 જેટલા લોકો વાવાઝોડામાં ફસાઈ જતા તેમને બચાવવા માટે નૌસેનાના 3 જહાજોએ મોરચો સંભાળ્યો હતો. 

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે તૌકતે કિનારા સાથે અથડાયું તે પ્રક્રિયા આશરે 2 કલાક સુધી ચાલી હતી. વાવાઝોડાના આગમન પહેલા જ સોમવારે ગુજરાતમાં 1.5 લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાતના મુખ્યમંત્રીઓ તથા દીવ દમણના ઉપરાજ્યપાલ સાથે ફોનમાં વાત કરી હતી અને સ્થિતિનો તકાજો મેળવ્યો હતો. સાથે જ તોફાનનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ સંભવિત મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને સ્થિતિનો તકાજો મેળવ્યો હતો. 

ત્રણેય સેના એલર્ટ પર

તૌકતેનો સામનો કરવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાને એલર્ટ પર રહેવા નિર્દેશ આપી દીધો હતો. સેનાએ ગુજરાતમાં 180 ટીમ અને 9 એન્જિનિયર્સની ટાસ્ક ફોર્સ તૈનાત કરી દીધી હતી.