×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતનાં સમુદ્ર કિનારે ત્રાટક્યું વિનાશક ચક્રવાત "તૌકતે", 155થી 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો

ગાંધીનગર, 17 મે 2021 સોમવાર

વિનાશક વાવાઝોડું "તૌકતે" આખરે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે. જેના કારણે સૌરાષ્ટ્રનાં સમુદ્ર કિનારાનાં વિસ્તારોમાં 155થી 175 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાયો અને વાવાઝોડાથી 21 જિલ્લાના 84 તાલુકામાં મુશળધાર વરસાદ થયો છે.

"તૌકતે" વાવાઝોડાને કારણે મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં 18 જિલ્લામાંથી 2 લાખ નાગરિકોને તોફાનને કારણે સલામત સ્થળે મોકલી દેવાયા છે. અમદાવાદ જિલ્લામાંથી 1839 લોકો, 19368 માં અમરેલી, ભાવનગર 28334, દ્વારકા 12 હજાર, ગીર 32 હજાર, જૂનાગઢમાંથી 24 હજાર, પોરબંદરમાંથી 25 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. 1000થી વધુ ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં 1 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 100થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. ૩૦૦થી વધારે વૃક્ષો જમીનદોસ્ત થયા છે. સવારે વધુ ખાનાખરાબી જોવા મળશે. 

દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવનથી 66થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. નવસારીના 16 ગામોમાં સાવચેતીના પગલે વીજ પૂરવઠો બંધ કરાયો છે તો 20 જિલ્લાઓમાં NDRFની 44 ટીમ તૈનાત છે તે હવે સ્થિતિ પર નજર રાખશે. દીવ-વેરાવળમાં પણ અનેક હોર્ડિંગ્સ જમીન દોસ્ત થઈ ગયા છે. જાફરાબાદમાં વીજ ટ્રાન્સફોર્મર પડ્યું છે તો અત્યાર સુધીમાં 234 વીજ થાંભલા પડયા, કાચા મકાનો અને ઝૂંપડાઓને ભારે નુકસાન થયું છે. દરિયાકિનારાના 34 કાચા મકાનો તૂટી પડયા છે.

"તૌકતે" વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા પર ત્રાટક્યું તે દરમિયાન મુખ્ય પ્રધાન રૂપાણી કન્ટ્રોલ રૂમ પર પહોચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે અતિ ગંભીર ચક્રવાત ‘"તૌકતે"’ ગુજરાતના દરિયાકાંઠે દીવ અને ઉના વચ્ચે ત્રાટક્યું અને તેના કારણે લેન્ડફોલની અસર જોવા મળી રહી છે.

વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું ત્યારે ગીર સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર પંથકમાં 80થી 130 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢને સૌથી વધારે અસર થઇ છે.

તો અમરેલી, ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક-ઠેકાણે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે તો ગીર સોમનાથના તાલાલામાં મોબાઇલ ટાવર ધરાશાયી થયો. કાંઠા વિસ્તારની સાથે મોરબી, વિરમગામ, ડભોઇમાં પણ સૂસવાટાભેર પવન સાથે વરસાદ વરસ્યો.

ગીર સોમનાથના ઉનામાં દરિયો તોફાની બન્યો છે. ઉનાના દરિયા કાંઠે પ્રચંડ ગતિથી પવન ફુંકાઈ રહ્યા છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. તો ગીર સોમનાથના દરિયામાં 25-25 ફૂટ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. કોડિનાર નજીકના માઢવાડ બંદરે દરિયાના મોજા મકાનોને આંબી રહ્યા છે. ત્યારે નીંચાણવાળા વિસ્તારોને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવ્યા છે.