×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રિટિશ સરકાર કેમ ડરે છે? ભારતના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનની ડાયરી સાર્વજનિક કરવાનો ઈનકાર

નવી દિલ્હી,તા.16.મે.2021

ભારતના છેલ્લા વાયસરોય લોર્ડ માઉન્ટબેટનની અને તેમના પત્ની એડવિના માઉન્ટબેટનની ડાયરીઓને જાહેર કરવાનો બ્રિટિશ સરકારે ફરી એક વખત ઈનકાર કરી દીધો છે.

બ્રિટિશ લેખક એન્ડ્ર્યુ લોવની છેલ્લા ચાર વર્ષથી આ ડાયરીઓની જાણકારી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.તેમણે  આ માટે અઢી લાખ પાઉન્ડ જેવી માતબર રકમ પણ ખર્ચી નાંખી છે.જોકે ફરી એક વખત તેમને નિષ્ફળતા હાથ લાગી છે.બ્રિટિશ કેબિનેટ તેમજ સાઉથ હેમ્પટન યુનિવર્સિટીએ તેમની અપીલ ફગાવી દીધી છે.

બ્રિટિશ અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, એન્ડ્ર્યુ લાવની માને છે કે,  લોર્ડ માઉન્ટબેટન અને તેમના પત્નીની ડાયરી તેમજ પત્રોના કારણે ભારતના ભાગલા અને એડવિનાના સબંધો અંગે સંખ્યાબંધ રહસ્યો પરથી પડતો ઉંચકાઈ શકે છે અને તેના કારણે બ્રિટિશ સરકાર તેને જાહેર કરી રહી નથી.

લોર્ડ માઉન્ટબેટનની ડાયરી અને તેમના પત્ની એડવિનાના કેટલાક પત્રોને 2010માં દેશ હિત માટે સુરક્ષિત રાખવાનો નિર્ણય લેવાયો હતો.હાલમાં તે સાઉથ હેમ્પટન યુનિવર્સિટીના આર્કાઈવમાં રાખવામાં આવ્યા છે.2017માં  લોર્ડ માઉન્ટબેટન પર પુસ્તક લખનાર લેખક લોવની આ ડાયરી અને પત્રો મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.માહિતી મેળવવાના અધિકાર હેઠળ તેમણે અપીલ કરી હતી અને માહિતી આયોગ તરફથી આ ડાયરી તેમજ પત્રો સાર્વજનિક કરવાનો આદેશ અપાયો હતો પણ એ પછી તેઓ ડાયરી અને પત્રો સુધી પહોંચી શક્યા નથી.

સાઉથ હેમ્પટન યુનિવર્સિટીનુ કહેવુ છે કે, સરકારે આદેશ આપ્યો છે કે, જ્યાં સુધી અમારા તરફથી બીજો આદેશ ના મળે ત્યાં સુધી ડાયરી અને પત્રો સાર્વજનિક કરવામાં ના આવે.આ અંગે એન્ડ્રયુ લોવનીનુ કહેવુ છે કે, ડાયરી અને પત્રોમાં ચોક્કસ એવી વાતો છે જેનાથી ભારતના વિભાજન અને શાહી પરિવારને લગતી કેટલીક વાતો પહેલી વખત બહાર આવી શકે તેમ છે.