×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈઝરાયેલે પેલેસ્ટાઈન સાથેના સંઘર્ષમાં ટેકો આપવા બદલ 25 દેશોનો આભાર માન્યો, ભારતનુ નામ નહીં


નવી દિલ્હી,તા.16.મે.2021

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા ખૂનખાર જંગના પગલે સેંકડો લોકો જીવ ગુમાવી ચુક્યા છે.હમાસ દ્વારા થઈ રહેલા રોકેટ હુમલાનો જવાબ આપવા માટે ઈઝરાયેલ પણ વળતા હુમલા કરી રહ્યુ છે.

બીજી તરફ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતાન્યાહૂએ રવિવારે સવારે કરેલુ ટ્વિટ ભારતમાં પણ ખાસી ચર્ચામા છે.કારણકે તેમણે આ સંઘર્ષમાં ઈઝરાયેલનુ સમર્થન કરવા માટે દુનિયાના 25 દેશોનો આભાર માન્યો છે.જેમાં ભારતનુ નામ નથી.

તેમણે આ ટ્વિટમાં લખ્યુ હતુ કે, ઈઝરાયેલના ધ્વજ સાથે મજબૂતીથી ઉભા રહેવા બદલ અને આતંકવાદી હુમલાઓ સામે ઈઝરાયેલના આત્મરક્ષાના અધિકારનુ સમર્થન કરવા બદલ આ 25 દેશોનો અમે આભાર માનીએ છે.તેમણે ટ્વિટમાં જે 25 દેશોનો ઉલ્લેખ કર્યો છે તેમાં અમેરિકા, આલ્બેનિયા, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, કેનેડા, કોલંબિયા, સાઈપ્રસ, જ્યોર્જિયા, જર્મની, હંગેરી, ઈટાલી, સ્લોવેનિયા અને યુક્રેન પણ સામેલ છે.

પેલેસ્ટાઈન સાથે જ્યારથી ઈઝરાયેલનો આ સંઘર્ષ ચાલુ થયો છે ત્યારથી સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ ઈઝરાયેલનુ સમર્થન કરી રહ્યા છે.જોકે ભારતમાં એક વર્ગ એવો પણ છે જે પેલેસ્ટાઈનનુ સમર્થન કરી રહ્યો છે.એક દેશ તરીકે ભારતે આ મામલે હજી સુથી કોઈ નિવેદન આપ્યુ નથી.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ ટી એસ તિરુમૂર્તિએ આ મામલે ભારતનો પક્ષ રજૂ કરતા કહ્યુ હતુ કે, બંને દેશોએ યથાવત સ્થિતિ જાળવી રાખવી જોઈએ.ભારત ગાઝામાંથી થઈ રહેલા રોકેટ હુમલાની નિંદા કરે છે અને આ હિંસા વહેલી તકે ખતમ થવી જોઈએ તેવી અપીલ કરે છે.

ઈઝરાયેલ પીએમ નેતાન્યાહૂએ જોકે એલાન કરેલુ છે કે, જ્યાં સુધી અમારા નાગરિકોની સુરક્ષા નિશ્ચિત નહીં થાય ત્યાં સુધી ઈઝરાયેલ પોતાના હુમલા ચાલુ રાખશે.આતંકી સંગઠન હમાસ બેવડો અપરાધ કરી રહ્યુ છે.તે અમારા નાગરિકોને નિશાન બનાવી રહ્યુ છે અને પોતે છુપાવા માટે પેલેસ્ટાઈનના નાગરિકોનો ઉપયોગ કરી રહ્યુ છે.