×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટૌકતેએ ગોવામાં મચાવી તબાહી, કર્ણાટકમાં 4ના મોત, ગુજરાત-મહારાષ્ટ્રમાં પણ એલર્ટ


- સુરત હજીરાથી ભાવનગર વચ્ચે ચાલતી રો-રો ફેરી સર્વિસને પણ 17-18 મે માટે બંધ કરી દેવામાં આવી 

નવી દિલ્હી, તા. 16 મે, 2021, રવિવાર

અરબ સાગરમાંથી ઉઠેલા ટૌકતે વાવાઝોડાના કારણે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. કર્ણાટકમાં વાવાઝોડા વચ્ચે ભારે વરસાદના કારણે 4 લોકો મૃત્યુ પામ્યા છે અને રાજ્યના કુલ 73 ગામ વાવાઝોડાથી પ્રભાવિત થયા છે. ટૌકતે વાવાઝોડું ગોવાના તટીય કિનારે પણ અથડાઈ ગયું છે. 

પણજી ખાતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. ગોવામાં વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું હોવાના સમાચાર છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર ઝાડ પડી ગયા છે અને તેના કારણે નીચે પાર્ક કરવામાં આવેલા વાહનોને પણ નુકસાન થયું છે. ગોવાના કિનારે ભારે પવનની સાથે મૂશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે. 

આ વાવાઝોડું રવિવારે જ મુંબઈમાંથી પસાર થાય તેવી આશંકા છે. આ કારણે બીએમસીએ કોવિડના સેંકડો દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે. વાવાઝોડાની આશંકાને પગલે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયેલું છે. સુરત જિલ્લાના 40 ગામ અને ઓલપાડ ક્ષેત્રના 28 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સુરત હજીરાથી ભાવનગર વચ્ચે ચાલતી રો-રો ફેરી સર્વિસને પણ 17-18 મે માટે બંધ કરી દેવામાં આવી છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પોરબંદરના 30 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 

અમિત શાહે બોલાવી સમીક્ષા બેઠક

વાવાઝોડાને પગલે ગૃહ મંત્રી અમિત શાહે સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ-દમણ અને દાદરા નગર હવેલી રાજ્યના અધિકારીઓ સામેલ થયા હતા. 

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આ વાવાઝોડું ગુજરાતના વેરાવળ અને પોરબંદર વચ્ચે માંગરોળના કિનારે અથડાશે. મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાતના કિનારે 3 દિવસ સુધી તોફાનની અસર વર્તાય તેવી આશંકા છે. હવામાન વિભાગના અંદાજા પ્રમાણે વાવાઝોડા દરમિયાન 150થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.