×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાની જેમ ભારતમાં રસીના બે ડોઝ લેનારને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવી યોગ્ય નથી

નવી દિલ્હી,તા.15 મે 2021,શનિવાર

અમેરિકામાં કોરોનાનુ સંક્રમણ ઓછુ થયુ છે અને અમેરિકન સરકારે કોરોનાની રસીના બે ડોઝ લેનારા લોકોને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવાનુ એલાન પણ કર્યુ છે.

જેના પર એમ્સના ડાયરેકટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યુ હતુ કે, વેક્સીન લગાવ્યા બાદ પણ માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પાલન કરવુ જરુરી છે. આ પહેલા અમેરિકાની સંસ્થા સેન્ટ્રલ ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનુ કહેવુ હતુ કે, જેમને કોરોનાની રસીના બે ડોઝ લાગી ચુક્યા છે તેમણે માસ્ક પહેરવાની જરુર નથી. આ જાહેરાત બાદ અમેરિકન પ્રમુખ જો બાઈડન અને ઉપ પ્રમુખ કમલા હેરિસ પત્રકારો સામે માસ્ક પહેર્યા વગર પહોંચ્યા હતા. બાઈડને પત્રકારોને કહ્યુ હતુ કે, મને લાગે છે કે, આપણા માટે આ મોટી સફળતા છે. આજનો દિવસ બહુ મોટો છે. શક્ય હોય તેટલા વધારે નાગરિકોને કોરોનાની રસી મુકવાના કારણે આજે માસ્ક નહીં પહેરવો શક્ય બન્યુ છે. વેક્સીનના બંને ડોઝ લઈ ચુકયા હોય તેવા લોકોને કોરોનાનુ સંક્રમણ લાગવાનો ખતરો બહુ ઓછો છે.

બીજી તરફ ડો.ગુલેરિયાએ કહ્યુ હતુ કે, વાયરસ સતત મ્યુટેટ થઈ રહ્યો છે અને હજી પણ એ વાતને લઈને અનિશ્ચિતતાનો માહોલ છે કે, વેક્સીન બદલાઈ રહેલા વેરિએન્ટથી લોકોની કેટલી સુરક્ષા કરી કે છે. ભારતમાં બે ડોઝ લેનારા લોકોને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવી બહુ ઉતાવળીયુ પગલુ હશે. મને લાગે છે કે, આપણે ત્યાં સુધી સતર્ક રહેવાની જરુર છે જ્યાં સુધી રસીના બે ડોઝ લેનારા વ્યક્તિઓને કોરોના થયો કે નહીં તે અંગેના પૂરતા ડેટા આપણઈ પાસે ઉપલબ્ધ થાય. વાયરસ મ્યુટેટ થઈ રહ્યો છે ત્યારે કોરોનાની રસીની કેટલી અસર થશે તે કહેવુ અત્યારે જરા મુશ્કેલ છે.

તેમણે કહ્યુ હતુ કે, માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન કરવુ વધારે સારો વિકલ્પ છે ,કારણકે આ બંને એવા ઉપાયો છે જે દરેક પ્રકારના કોરોના વેરિએન્ટથી તમારી રક્ષા કરી શકે છે.

દરમિયાન નિષ્ણાતોએ કહ્યુ હતુ કે, શક્ય છે કે, અમેરિકાએ આ જાહેરાત એટલા માટે કરી છે કે, તેનાથી અમેરિકામાં રસીકરણને પ્રોત્સાહન મળે. કારણકે અમેરિકાના લોકોમાં હજી પણ વેક્સીન માટે ડર અને ખચકાટ છે.