×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અરબ સાગરથી આગળ વધી રહ્યું છે 'ટૌકતે', કેરળમાં પણ વરસાદ, ગુજરાતમાં તબાહીની સંભાવના


- તોફાન આગળ વધશે તેમ કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, લક્ષદ્વીપના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ભારે પવન ફુંકાશે

નવી દિલ્હી, તા. 15 મે, 2021, શનિવાર

અરબ સાગરમાંથી ઉઠેલું આ વર્ષનું પહેલુ ચક્રવાતી તોફાન ટૌકતે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેના કારણે કેરળના કોટ્ટાયમ કિનારે શુક્રવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી 24 કલાકમાં તેનું સ્વરૂપ વધારે વિકરાળ બનશે અને 18 મેની સવારે તે ગુજરાત સુધી પહોંચશે તેવો અણસાર છે. આ કારણે ગુજરાતમાં પણ ભારે તબાહીની આશંકા જણાઈ રહી છે. આ બધા વચ્ચે NDRFની 53 ટીમોને રાહત કાર્ય માટે તૈનાત કરી દેવામાં આવી છે. 

હવામાન વિભાગે વિવિધ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. ટૌકતેના કારણે શુક્રવારે કોટ્ટાયમ ખાતે ભારે વરસાદ થયો હતો. કેન્દ્રીય જળ આયોગના અહેવાલ પ્રમાણે કોટ્ટાયમ ઉપરાંત દક્ષિણ કેરળના કેટલાક ક્ષેત્રોમાં સવારે 8:30 વાગ્યાથી ભારે વરસાદ નોંધાયો હતો. એક અંદાજ પ્રમાણે જેમ-જેમ તોફાન આગળ વધશે કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, લક્ષદ્વીપના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ભારે પવન ફુંકાશે. 

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ગુરૂવારે અરબ સાગર અને લક્ષદ્વીપના વિસ્તારમાં દબાણવાળુ ક્ષેત્ર બન્યું હતું અને તોફાન શનિવારે સવાર સુધીમાં ભારે દબાણમાં પરિવર્તિત થાય તેવો અણસાર હતો. અહીંથી ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરીને તે આગામી 24 કલાકમાં વધુ આગળ વધશે. ત્યાર બાદ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આ તોફાન ઉત્તરથી થઈને ઉત્તર પશ્ચિમી દિશામાં આગળ વધશે. 18 મેની સાંજ સુધીમાં ટૌકતે ગુજરાત અને તેના સાથે જોડાયેલા પાકિસ્તાનના તટીય ક્ષેત્રના કિનારા સાથે ટકરાઈ શકે છે જેથી ત્યાં ભારે તબાહીની આશંકા છે. 

મ્યાંમારે આપ્યું નામ, સરળ ભાષામાં અર્થ 'ગરોળી'

ભારતીય કિનારાથી પસાર થનારા વર્ષના પહેલા ચક્રવાતી તોફાનને 'ટૌકતે' નામ મ્યાંમારે આપ્યું છે. તેનો અર્થ 'ગેકો' એટલે કે ગરોળી થાય છે.