×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ધો. 10ની પરીક્ષા રદ : બોર્ડમાં પ્રથમવાર માસ પ્રમોશન


સરકારના ઉતાવળિયા નિર્ણયથી પરિણામ અને ધો.11 તેમજ  ડિપ્લોમા પ્રવેશમાં મોટી મુશ્કેલી સર્જાશે

ધો. 11માં પ્રવેશ માટે કલાસમાં વિદ્યાર્થીની સંખ્યા 60થી વધારી 90 કરવી પડશે, સંક્રમણનો મોટો ભય : પરીક્ષા રદ થતાં બોર્ડે 14 કરોડ જેટલી ફી પરત કરવી પડે

8.૩7 લાખ રેગ્યુલર વિદ્યાર્થીને માસ પ્રમોશન પરંતુ  50 હજારથી વધુ એક્સટર્નલ અને ૩.25 લાખ રીપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે 

અમદાવાદ,તા.1૩

કોરોનાની બીજી લહેરમાં અતિસંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે આ વર્ષે સીબીએસઈની ધો.10ની પરીક્ષા રદ કર્યા બાદ અંતે ગુજરાત સરકારે પણ ધો.10ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.નિયમિત રીતે માર્ચમા લેવાતી બોર્ડ પરીક્ષા કોરોનાને લીધે મોકુફ કરી 10મીમેથી લેવાનુ જાહેર કરાયુ હતુ અને કોરોનાના કેસ મોટી સંખ્યામાં વધતા સરકારે 10મી મેથી લેવનારી પરીક્ષા પણ મોકુફ કરી દીધી હતી.

દરમિયાન સરકારે આજે એકાએક ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરી શાળામા ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે અને ધો.12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષા માટે 15મીએ નિર્ણય લેવાની જાહેરાત કરી છે. સરકારના માસ પ્રમોશનના નિર્ણયથી ધો.10ના 8.૩7 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓને હવે પરીક્ષા જ નહી આપવી પડે અને મોટો ફાયદો થશે.બોર્ડના ઈતિહાસમા પ્રથમવાર પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવામા આવી રહ્યુ છે.

ગુજરાત સરકારે ધો.10ની બોર્ડ પરીક્ષાને લઈને આજે મહત્વનો નિર્ણય કરતા માસ પ્રમોશનની જાહેરાત કરી છે. સીબીએસઈ દ્વારા ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરી મેરિટ બેઝ પ્રમોશન આપવાની જાહેરાત કરાયા બાદ ઘણા દિવસોથી વાલીઓમાં ગુજરાત બોર્ડની પરીક્ષા પણ રદ કરવામા આવે તેવી માંગ ઉઠી હતી.

કોરોનાની બીજી લહેરમાં અતિસંક્રમણ વચ્ચે ગુજરાતમાં 14 હજારથી વધુ કેસ નોંધાતા હતા અને ઓક્સિજન તેમજ હોસ્પિટલમાં બેડની અછત વચ્ચે મૃત્યુની સંખ્યા વધતા ભારે હાહાકાર મચી ગયો હતો ત્યારે આવી સ્થિતિમાં વાલીઓમાં પરીક્ષાને લઈને પણ ડર હતો અને પરીક્ષા લેવાશે કે કેમ તેની ચિંતા હતી. 

સરકારે અગાઉ 15મી એપ્રિલના રોજ 10મીમે 25મે સુધી  લેવનારી બોર્ડ પરીક્ષાઓ મોકુફ કરી 15મેએ સ્થિતિનો રીવ્યુ લીધા બાદ આગળનો નિર્ણય કરવાની જાહેરાત કરી હતી અને બીજી બાજુ પરીક્ષા રદ કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં વાલી મંડળની પીટિશન પણ થઈ હતી ત્યારે એકાએક સરકારે આજે ધો.10ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દીધી છે. 

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની મીટિંગમા નિર્ણય લેવાયો હતો અને જે મુજબ  રાજ્યની 1276 સરકારી, 5૩25 ગ્રાન્ટેડ અને 4૩41ખાનગી તથા અન્ય 45 સ્કૂલો મળીને 10,977 સ્કૂલોમં ધો.10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે.

આ વર્ષે ધો.10ની બોર્ડ પરીક્ષા માટે રેગ્યુલર વિદ્યાર્થી તરીકે 8.૩7 લાખ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે.ગત વર્ષે ધો.9મા માસ પ્રમોશન અપાતા ખાનગી અને રેગ્યુલર વિદ્યાર્થીઓ આ વર્ષે વધ્યા છે.આ વર્ષે ધો.10માં ખાનગી એટલે કે એક્સટર્નલ તરીકે 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

જો કે સરકારે માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. ખાનગી અને રીપિટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહી અપાય અને તેઓની પરીક્ષા લેવાશે. ધો.10માં ૩0 ટકા કોર્સ ઘટાડી દેવાતા આ વર્ષે મોટી સંખ્યામા ંરીપિટર વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતા ૩.25 લાખ જેટલા રીપિટર વિદ્યાર્થી નોંધાયા છે.

પરીક્ષા રદ સાથે માસ પ્રમોશનની જાહેરાત કરતા શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતુ કે થોડા દિવસથી રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે અને કેસો ઘટી રહ્યા છે પરંતુ દેશવ્યાપી સંક્રમણની સ્થિતિને ધ્યાને લેતા રાજ્યના વિદ્યાર્થીઓના ભાવિને કોરોનાથી સુરક્ષિત રાખવા મુખ્યમંત્રીની અધ્યક્ષતામા સરકારે આ નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે બોર્ડ પરીક્ષાના ઈતિહાસમાં પ્રથમવાર મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા રદ કરવી પડી છે.

છેલ્લા 50 વર્ષ કરતા વધુ વર્ષોથી લેવાતી ધો.10ની બોર્ડ પરીક્ષામાં ક્યારેય પણ માસ પ્રમોશન અપાયુ નથી.કોઈ પણ પરિસ્થિતિમાં તબક્કાવાર પણ પરીક્ષા લેવાઈ છે ત્યારે આ વર્ષે કોરોનાને પગલે લાખો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવુ પડી રહ્યુ છે. કોરોનાની સ્થિતિને જોતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આ નિર્ણય કદાચ  યોગ્ય ગણી શકાય પરંતુ શાળાકીય શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ માટે મોટા ખતરાની ઘંટી સમાન છે.

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે હવે ધો.11માં પ્રવેશનો મોટો પ્રશ્ન થશે અને હાલ ધો.11માં સરેરાશ 60 વિદ્યાર્થીની સંખ્યા છે તે વધારી હવે 90 કરવી પડશે. ઉપરાંત ધો.10માં છોકરીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને બાદ કરતા સામાન્ય 4 લાખ જેટલા વિદ્યાર્થીઓની કે જેઓની ૩45 રૂપિયા લેખે પરીક્ષા ફી પાછી આપવી પડે તો બોર્ડે 14 કરોડ જેટલી ફી પાછી આપવી પડે. ઉપરાંત પરીક્ષાનો બોર્ડે કરેલો ખર્ચ પણ માથે પડશે.સ્કૂલોમાં ધો.11માં  કલાસદીઠ 90ની હાજરી થાય તો સંક્રમણ પણ વધી શકે છે.

ધો.10ની પરીક્ષા રદ થતા માસ પ્રમોશનથી શું નુકસાન 

** ધો.10નુ પરિણામ કઈ રીતે અને ક્યા માપદંડોના આધારે તેયાર કરવુ તે મોટો પ્રશ્ન 

** ધો.10ની પરીક્ષા ન થવાથી ધો.11 સાયન્સ, ડિપ્લોમા ઈજનેરી,આઈટીઆઈમાં પ્રવેશ કઈ રીતે અપાશે?

** ધો.11 તથા ડિપ્લોમા,આઈટીઆઈમાં પ્રવેશ માટે મેરિટ કઈ રીતે બનશે?

** ધો.11 સાયન્સ અને ડિપ્લોમા-આઈટીઆઈમાં સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા રદ કરવી પડે તેવી સ્થિતિ સર્જાશે

** માસ પ્રમોશનથી 8 લાખથી વધુ વિદ્યાર્થીઓને આગળના શિક્ષણમાં પ્રવેશ આપવો પડશે

** સ્કૂલોમા કલાસદીઠ 90 વિદ્યાર્થીની સંખ્યા નક્કી કરવી પડશે

** ખાનગી ડિપ્લોમા કોલેજો અને સરકારી કોલેજોની સંખ્યા વધારવી પડશે

** ધો.11મા વિદ્યાર્થીઓની અને કલાસની સંખ્યા વધતા શિક્ષકો વધારવા પડશે

** ધો.10નુ પરિણામ જ ન હોવાથી ધો.10ની માર્કશીટ-પરિણામના આધારે થતી ભરતીઓમાં મુશ્કેલી થશે

** ધો.10ની પરીક્ષા ન થતા ધો.11-12 અને 12 સાયન્સનું પરિણામ ખૂબ જ નબળુ આવી શકે છે

** સરકાર પાસે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોનું મહેકમ પુરતુ નથી

** બોર્ડને પરીક્ષા ફી પાછી આપવી પડશે અને પ્રશ્નપત્રો અને અન્ય સ્ટેશનરીના ખર્ચ સાથે કરોડોનુ નુકશાન થશે.

ધો.10ની પરીક્ષા રદ થતા આટલા ફાયદા

** પરીક્ષા રદ થવાથી સરકાર માથેથી લાખો વિદ્યાર્થીઓને કલાસમાં બેસાડી કોરોનામાં પરીક્ષા લેવાનું ટેન્શન દૂર થશે

** વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણનો ભય નહી રહે

** કોરોનાના ભય વચ્ચે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી નહી અને વાલીઓને રાહત થશે

** પરીક્ષામાં શિક્ષકો,સ્કવોડ અને પોલીસના સ્ટાફની નિમણૂંકોમાથી મુક્તિ

** પરીક્ષા રદ થવાથી જિલ્લા વહિવટી તંત્ર-પોલીસ અને શિક્ષકોનો સરકાર કોરાનાની અન્ય કામગીરીમાં તેમજ રસીકરણમાં સારી રીતે ઉપયોગ કરી શકશે

ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણના ડર વચ્ચે 

દિલ્હી હાઈકમાન્ડના આદેશ બાદ તાકીદે  નિર્ણય લેવાયાની ચર્ચા 

એક દિવસ પહેલા અધિકારીઓ સાથે બેઠક બાદ શિક્ષણમંત્રી પણ પરીક્ષા રદ કરવા અસહમત હતા

અમદાવાદ,તા.1૩

ગુજરાત સરકારે ધો.10ની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય તો લઈ લીધો છે પરંતુ  આ નિર્ણયને પગલે હાલ બોર્ડના અધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓથી માંડી તજજ્ઞાોમા એવી ચર્ચા ફેલાઈ છે કે આ નિર્ણય ઉતાવળે દિલ્હી હાઈકમાન્ડના આદેશ બાદ જ લેવાયો હોઈ શકે છે.કારણકે એક દિવસ પહેલા જ પરીક્ષા લેવા અંગેની તૈયારીઓ માટે આયોજન થઈ રહ્યુ હતુ.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની મીટિંગમાં ધો.10ની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય તો લેવાયો છે પરંતુ આ નિર્ણયને લઈને હાલ ભારે અટકળો શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ ગુજરાત શિક્ષણ બોર્ડના અધિકારીઓ સાથે શિક્ષણમંત્રીની એક દિવસ પહેલા જ મીટિંગથઈ હતી અને તેમાં પણ અધિકારીઓની ચર્ચા બાદ શિક્ષણમંત્રી પોતે પણ પરીક્ષા રદ કરવા સહમત ન હતા. હાઈકોર્ટમાં પરીક્ષા રદની માંગ સાથે થયેલી પીટિશનમાં સરકાર તરફથી તૈયાર કરવામા આવનાર જવાબમાં પણ પરીક્ષા રદ કેમ ન કરવી અને પરીક્ષા લેવી તે બાબતો જ મુકવામા આવી હતી. ઉપરાંત અગાઉ સરકારના આદેશથી બોર્ડે પણ પરીક્ષાઓ અન્ય વિકલ્પમા કઈ રીતે લઈ શકાય તે અંગેની પણ ચર્ચા કરી હતી.એટલુ જ નહી મળતી માહિતી મુજબ સરકારે  ખાનગી સ્કૂલો સંચલાક મંડળો સાથે વાતચીત કરી હતી અને સ્કૂલો સંચાલકોએ પણ સરકાર સાથેની ચર્ચા બાદ પરીક્ષા લેવી જોઈએ તેવી માંગણી સાથે પત્ર લખ્યો હતો.ઉપરાંત સંચાલક મંડળને હાઈકોર્ટમાં પક્ષકાર તરીકે જોડવાની પણ વાત ચાલી રહી હતી.આમ પરીક્ષા રદ કરવી અને માસ પ્રમોશન આપવુ તેવુ કોઈ  જ આયોજન ન હતુ તેમજ પરીક્ષા લેવા અંગે જ તમામ તૈયારીઓ-આયોજન થતા હતા અને એક દિવસ પહેલા જ શિક્ષણમંત્રી સાથે બોર્ડના અધિકારીઓની બેઠક થઈ હતી ત્યારે એકાએક પરીક્ષા રદના નિર્ણયને લઈને એવી ચર્ચા ચાલી છે કે દિલ્હી હાઈકમાન્ડથી નિર્ણય લેવાયો હોઈ શકે. વડાપ્રધાન કે ગૃહમંત્રીન ાઆદેશથી રાજ્ય સરકારે આ નિર્ણય લેવો પડયો હોઈ શકે છે. કારણકે 18 વર્ષથી નીચેના બાળકોને હજુ સુધી રસી અપાઈ નથી અને ક્યારે અપાશે તે પણ નક્કી નથી ત્યારે કોરોનાની ત્રીજી લહેરના ડર વચ્ચે પરીક્ષા લેવી જોખમી હોવાના ભયસ્થાન   સાથે કેન્દ્રના આદેશથી રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી હોઈ શકે છે.

ધો.10ની પ્રથમ સત્ર પરીક્ષા - સતત મૂલ્યાંકનના આધારે પરિણામ 

ધો.10ની બોર્ડ પરીક્ષા રદ થતા હવે કઈ રીતે પરિણામ તૈયાર કરવુ તે મોટો પ્રશ્ન છે.સરકારે નિર્ણય તો લઈ લીધો છે પરંતુ બોર્ડના અધિકારીઓ માટે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માપદંડો નક્કી કરવા અઘરા થઈ પડશે.હાલ તો ધો.10ની પ્રથમ સત્ર પરીક્ષા અને સતત મૂલ્યાંકનના આધારે જ પરિણામ તૈયાર કરવુ પડે તેવી સ્થિતિ છે.ધો.10માં માંડ દોઢથી મહિના કલાસરૂમ શિક્ષણ થયુ છે અને  કોરોનાને લીધે 8 મહાનગરોમાં પ્રથમ સત્ર પરીક્ષા પણ ઓફલાઈનને બદલે ઓનલાઈન લેવાઈ છે.જેમંા વિદ્યાર્થીઓએ ઘરે બેઠા પરીક્ષા આપી છે.સ્કૂલોમાં એકમ કસોટી પણ પુરી રીતે લેવાઈ શકી નથી.ધો.9ના પરિણામનું માપદંડ પણ માસ પ્રમોશનને  લીધે લઈ શકાય તેમ નથી.ધો.10માં 20 ટકા સ્કૂલ પરીક્ષા સાથે ઈન્ટર્નલના અને બોર્ડ પરીક્ષાના 80 ટકા સાથે પરિણામ તૈયાર થાય છે ત્યારે બોર્ડ પરીક્ષા ન થતા હવે માત્ર સ્કૂલ ઈન્ટર્નલ માર્કસના આધારે  પરિણામ તૈયાર કરવુ પડશે અને સ્કૂલોના આચાર્યોને છુટછાટો આપવી પડશે.