×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UP: કોરોના સંકટ વચ્ચે ઉન્નાવમાં 16 સરકારી ડૉક્ટર્સે આપ્યું સામૂહિક રાજીનામુ


- જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ ખોટી રીતે વાત કરતા હોવાનો આરોપ

નવી દિલ્હી, તા. 13 મે, 2021, ગુરૂવાર

કોરોના સંકટ વચ્ચે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 16 સરકારી ડોક્ટર્સે સામૂહિક રાજીનામુ ધરી દીધું છે. રાજીનામુ આપનારા ડોક્ટર્સ અલગ-અલગ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર (સીએચસી) અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (પીએચસી)ના પ્રભારી છે. તેમણે જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ ખોટી રીતે વાત કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. 

પ્રશાસનના તાનાશાહીવાળા વલણ અને વિભાગીય ઉચ્ચ અધિકારીઓના અસહયોગના કારણે ઉન્નાવના 16 પીએચસી અને સીએચસી પ્રભારીઓએ પોતાના પદેથી સામૂહિક રાજીનામુ ધરી દીધું છે. સીએમઓ ડૉ. આશુતોષ ન મળવાના કારણે તેમણે ડેપ્યુટી સીએમઓ ડૉ. તન્મય કક્કડને પોતાનું રાજીનામુ સોંપ્યું છે. 

રાજીનામુ આપનારા ડોક્ટર્સના કહેવા પ્રમાણે કોરોના વચ્ચે તેઓ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારીઓ બજાવી રહ્યા છે તેમ છતાં પ્રશાસનિક અધિકારીઓએ દંડાત્મક આદેશ જાહેર કરીને તાનાશાહી વલણ અપનાવ્યું છે, એટલું જ નહીં વિભાગીય ઉચ્ચ અધિકારીઓ દ્વારા અસહયોગની ભૂમિકા બનાવવામાં આવી છે. 

પીએચસી ગંજમુરાદાબાદના પ્રભારી ડૉ. સંજીવ કુમારે જણાવ્યું કે, જે રીતે વ્યવહાર કરવામાં આવે છે તેનાથી તેઓ પરેશાન છે. આરીટીપીસીઆર ટેસ્ટ હોય કે પછી કોવિડ વેક્સિનેશન કે અન્ય પ્રોગ્રામ, તાત્કાલિક ટાર્ગેટ આપવામાં આવે છે અને ત્યાર બાદ જિલ્લા પ્રશાસન અભદ્ર વ્યવહાર કરે છે. તમામ સીએચસી પ્રભારીઓ પણ એકતરફી કાર્યવાહીથી પીડિત છે.