×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોર કમિટીની બેઠકમાં નિર્ણય : ખાનગી હોસ્પિટલોમાં મા કાર્ડ ચાલશે, સ્મશાનના કર્મચારીઓને પણ કોરોના વોરિયર્સ ગણીને લાભ અપાશે

- દરેક ધારાસભ્ય તેમને મળતી ગ્રાન્ટનો પુરે પુરો ઉપયોગ કોરોના કમગીરી માટે કરી શકશે

અમદાવાદ, તા. 12 મે 2021, બુધવાર

રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. જેમાં નિર્ણય લેવાયો છએ કે હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં પણ માં કાર્ડ અને વાત્સલ્યમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. જે અંતર્ગત તેમને 50 હજાર સુધીનો સારવાર ખર્ચ મળશે. મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ ધરાવતા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આ લાભ મળશે. જેમાં દરરોજના રૂ 5,000ની મર્યાદામાં દાખલ થયાના 10 દિવસ સુધી લાભાર્થીને લાભ મળશે. આ નિર્ણય 10 જુલાઇ સુધી લાગુ રહેશે.

આ સિવાય આજની કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે દરેક ધારાસભ્ય તેમને મળતી ગ્રાન્ટનો પુરે પુરો ઉપયોગ કોરોના કમગીરી માટે કરી શકશે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની ધારાસભ્ય તરીકે મળતી સંપૂર્ણ ગ્રાન્ટ કોરોનાની સારવાર પાછળ આપી દીધી છે. અન્ય ધારાસભ્યો પણ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે આ કામ કરી શકે છે.

આ સિવાય વિજય રુપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ સહિત સ્મશાનગૃહના કર્મચારીઓને પણ કોરોના વોરિયર્સ ગણીને લાભ આપવાનો નિર્ણય કર્યો છે. તેમને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત સ્મશાનગૃહમાં ફરજ બજાવતા કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવારને પણ 25 લાખની સહાય આપવામાં આપશે.

આ સિવાય બેઠકમાં ડોક્ટર હડતાળનો મુદ્દો પણ ઉઠ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યના મેડિકલ ટીચર એસોસિએશન દ્વારા પોતાની માંગણીઓને લઇને હડતાળની ચીમકી આપવામાં આવી છે. ત્યારબાદ એક કમિટી બનાવવામાં આવી છે. હવે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ડોકટરોને હડતાળ ના કરવા અપીલ કરી છે.