×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત સહિત 18 રાજ્યોમાં કોરોનાના કેસ અને મોતમાં ઘટાડો


- લોકોને માનસિક રાહત : કોરોના સંક્રમણના વળતા પાણી, નીચો જતો ગ્રાફ

- દેશમાં એક દિવસમાં કોરોનાના નવા કેસ 3.25 લાખ, 3.27 લાખથી વધારે દર્દી સાજા થયા, વધુ 3678નાં મોત નીપજ્યાં

- કુલ કેસ 2.29 કરોડ, મૃત્યુઆંક 2.50 લાખ, એક્ટિવ કેસ 37.15 લાખ જ્યારે કોરોનાના 1.90 કરોડ દર્દી સાજા થયા

- 26 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 15 ટકાથી વધુ

નવી દિલ્હી : કોરોના મહામારીની જીવલેણ અને ઘાતક બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતને સતત બીજા દિવસે આંશિક રાહત મળી છે. દેશના ૧૮ રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસ અને મોતના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, અન્ય ૧૬ રાજ્યોમાં કોરોનાના કેસ અને મોત હજી પણ વધી રહ્યા છે.  દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં પણ ૩૦,૦૦૦નો ઘટાડો આવ્યો છે. બીજીબાજુ કોરોના સામેની લડતમાં મહત્વના હથિયાર એવા કોરોનાના રસીકરણ અભિયાનમાં રાજ્ય સરકારોએ રસીનો બીજો ડોઝ લેનારા નાગરિકોને રસી આપવામાં પ્રાથમિક્તા આપવા માટે કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં લગભગ ૧૪ દિવસ પછી કોરોનાના દૈનિક કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. દેશમાં મંગળવારે કોરોનાના નવા કેસ ઘટીને ૩.૨૫ લાખ થયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા ૨.૩૩ કરોડને પાર થઈ હતી. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૩,૬૭૮ દર્દીના મોત થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૨.૫૩ લાખ થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં પણ ૩૦ હજાર જેટલો ઘટાડો આવ્યો છે. 

દેશમાં મંગળવારે કોરોનાના એક્ટિવ કેસ ઘટીને ૩૭.૦૫ લાખ થયા હતા, જે કુલ કેસના ૧૬.૧૬ ટકા જેટલા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩.૨૭ લાખથી વધુ દર્દી સાજા થયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧.૯૩ કરોડથી વધુ દર્દીઓ સાજા થયા છે. કોરોનાનો રાષ્ટ્રીય રીકવરી દર પણ સુધીને ૮૨.૭૫ થયો છે જ્યારે મૃત્યુદર ૧.૦૯ ટકા છે.

દરમિયાન કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, કોરોનાના દૈનિક કેસ અને મોચના આંકડાઓમાં ઘટાડાનો પ્રારંભિક ટ્રેન્ડ દેશ માટે રાહતજનક છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, બિહાર, ગુજરાત અને તેલંગાણા સહિત ૧૮ રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.

જોકે, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, પંજાબ, આસામ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, મેઘાલય અને ત્રિપુરા જેવા ૧૬ રાજ્યોમાં હજી પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશભરમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૧૫થી ૨૧ એપ્રિલે ૭૩થી વધીને ૨૯ એપ્રિલથી ૫ મે વચ્ચે ૧૮૨ થયો હતો. છેલ્લા બે સપ્તાહમાં પૂણે, નાગપુર, પાલઘર અને નાસિક, લખનઉ, વારાણસી, કાનપુર નગર, ભોપાલ ગ્વારિયર, પટણા, રાંચી, રાયપુર સહિતના શહેરોમાં કોરોનાના કેસમાં ઘટાડો સતત ચાલુ રહ્યો છે. સરકારે કહ્યું કે દેશમાં ૧૩ રાજ્યોમાં કોરોનાના એક્ટિવ કેસ એક લાખથી વધુ છે અને ૨૬ રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ૧૫ ટકાથી વધુ છે. બીજીબાજુ દેશમાં એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. દેશમાં ૬૧ દિવસ પછી પહેલી વખત ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસમાં ૩૦,૦૧૬ કેસનો ઘટાડો થયો છે. આ સાથે મંગળવારે કુલ એક્ટિવ કેસ ૩૭.૦૫ લાખથી વધુ છે.

દરમિયાન તેલંગાણામાં કોરોનાના કેસ વધવાને પગલે સરકારે આવતીકાલથી ૧૦ દિવસનું લૉકડાઉન લાગુ કર્યું છે. નાગાલેન્ડે પણ ૧૪ મેથી ૭ દિવસનું લોકડાઉન લંબાવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા માટે મુંબઈ અને પૂણેના મોડેલને અનુસરવું જોઈએ.

દેશમાં રસીની અછત વચ્ચે રસીકરણ મુદ્દે રાજકારણ

રાજ્યોએ કોવિનના બદલે પોતાની એપ બનાવવા કેન્દ્રની મંજૂરી માગી

- રાજ્યોને કોરોનાની રસીનો બીજો ડોઝ લેનારાને પ્રાથમિક્તા આપવા કેન્દ્રના નિર્દેશ

દેશમાં હવે રસીકરણ અભિયાનના મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે દેશવાસીઓને રસી આપવા માટે કોવિન પોર્ટલ બનાવ્યું છે, પરંતુ હવે રાજ્યો આ પોર્ટલના બદલે રસીકરણની નોંધણી માટે પોતાની એપ બનાવવા માગે છે. આ માટે તેમણે કેન્દ્રની મંજૂરી પણ માગી છે. કોંગ્રેસ શાસિત રાજ્યો કેન્દ્ર સરકારની પ્રચાર રણનીતિનો વિરોધ કરી રહ્યા છે. રસી પ્રમાણપત્ર પર વડાપ્રધાનના ફોટા અંગે તેઓ સવાલ ઊઠાવી રહ્યા છે. છત્તિસગઢ આગામી કેટલાક દિવસમાં રસીકરણ માટે પોતાનું નવું પોર્ટલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ પોર્ટલ પરથી રાજ્ય પોતાની અલગથી નોંધણી કરાવી શકશે અને તેમાં ફ્રન્ટલાઈન વર્કરને અલગથી ઓળખી શકાશે. ઉદ્ધવ ઠાકરે અને અરવિંદ કેજરીવાલે પણ કો-વિન પોર્ટલ પર નોંધણી મુદ્દે સવાલો ઉઠાવ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું હતું કે, દેશમાં ૧લી મેથી ૧૮થી ૪૪ વર્ષની વયના લોકોને રસીકરણ માટે નોંધણીમાં મોટી સંખ્યા હોવાથી કોવિન સાઈટ ક્રેશ થઈ શકે છે. તેમણે રાજ્યોને પોતાની એપ અથવા પોર્ટલ બનાવવા સૂચન કર્યું હતું. કેજરીવાલે પણ રજિસ્ટ્રેશન પોર્ટલ કોવિનમાં સમસ્યાનો મુદ્દો ઊઠાવ્યો હતો. તેમણે પોતાનું પોર્ટલ અથવા એપ બનાવવાની માગણી કરી હતી. એપમાં સમસ્યા હોવાના કારણે લોકોનો સમય બગડી રહ્યો હોવાની પણ તેમણે દલીલ કરી હતી.

દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીનો બીજો ડોઝ લેનારા લોકોને પ્રાથમિક્તા આપવા નિર્દેશ આપ્યા હતા. કેન્દ્રે કહ્યું કે તેના તરફથી જે રસી અપાઈ રહી છે, તેમાંથી ૭૦ ટકા રસીનો ઉપયોગ બીજો ડોઝ આપવામાં કરો. સાથે જ રસીનો બગાડ અટકાવવા અને પ્રાથમિક્તા જૂથમાં સામેલ લોકોને રસી આપવાનું પણ રાજ્યોએ સુનિશ્ચિત કરવું જોઈએ. બીજીબાજુ કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોએ ૧૮થી ૪૪ વર્ષની વયજૂથના લોકોને રસી આપવા માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કર્યો છે.