×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાણો હર્ડ ઇમ્યુનિટીથી ગુજરાત કેટલું દૂર? રાજ્યમાં કેટલા લોકોનું વેક્સિનેશન થયું અને અત્યારે રસીનો કેટલો સ્ટોક છે?

- રસીકરણમાં અમદાવાદ જિલ્લો સૌથી મોખરે, ૧૮,૦૩,૯૭૧ લોકોને રસી આપવામાં આવી

અમદાવાદ, તા. 10 મે 2021, સોમવાર

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે કહેર વરસાવ્યો છે. કોરોનાને હરાવવા માટે અત્યારે દેશવ્યાપી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. યુદ્ધના ધોરણે ચાલતા રસીકરણ અભિયાનનો ચોથો તબક્કો શરુ થઇ ગયો છે. રસીની અછત અને કિંમતને લઇને ચાલી રહેલા રાજકારણ વચ્ચે સરકાર તમામ લોકોને રસી લેવા માટે અપીલ કરી રહી છે. ગુજરાતમાં હાલ માત્ર 10 જિલ્લાઓની અંદર ચોથા તબક્કાના રસીકરણની શરુઆત થઇ છે. જેમાં 18-45 વર્ષના લોકોને રસી આપવામાં આવે છે. ગુજરાતમાં અનેક લોકો વેક્સિનેશન સેન્ટરમાં જાય છે ત્યારે તેમને ત્યાંથી ‘અત્યારે વેક્સિનનો સ્ટોક નથી’ તેવો જવાબ મળતા નિરાશ થઇને પરત ફરવું પડી રહ્યું છે. 

લોકોને રસી મળી નથઈ રહી તેનું કારણ છે કે ગુજરાત પાસે હવે કોરોના રસીના ૫,૦૧,૩૯૬ ડોઝ ઉપલબ્ધ છે. ગુજરાતને અત્યાર સુધી વેક્સિનના ૧.૪૨ કરોડ ડોઝ મળી ચૂક્યા છે, જેમાંથી તેણે ૧.૩૭ કરોડનો ઉપયોગ કરેલો છે. ગુજરાતમાં રવિવારની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ ૧,૦૩,૨૭,૫૫૬ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ૩૨,૧૪,૦૭૯ લોકોને રસીનો બીજો આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર ૨૦૨૦ની સ્થિતિએ ગુજરાતની વસતી ૬.૯૪ કરોડ છે. ગુજરાતમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થયો હતો અને અત્યારસુધી ૧.૩૫ કરોડ લોકો કોરોના રસીના ડોઝ લઇ ચૂક્યા છે.


જેથી અત્યારે ગુજરાતની કુલ વસતીના ૨૧% લોકોનું વેક્સિનેશન થઇ ગયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતિ પ્રમાણે હર્ડ ઈમ્યુનિટી માટે વસતીના ૬૦%થી વધુ લોકોને રસી આપવી જરુરી છે. એટલે કે ગુજરાત હજુ હર્ડ ઇમ્યુનિટીથી ઘણું દૂર છે. ગુજરાતમાં હજું 39% લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે ત્યારે હર્ડ ઇમ્યુનિટીનું સ્ટેજ આવશે.

દેશમાં જે રાજ્યો પાસે અત્યારે કોરોના વેક્સિનના સૌથી વધારે ડોઝ સ્ટોકમાં હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ મોખરે છે. ઉત્તર પ્રદેશ પાસે અત્યારે ૮.૭૮ લાખ વેક્સિન ડોઝ પડ્યા છે. ત્યારબાદ તામિલનાડુ ૬.૭૧ લાખ ડોઝ સાથે બીજા નંબરે જ્યારે ગુજરાત ૫.૦૧ લાખ ડોઝ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતને હજુ આગામી દિવસોમાં ૬,૪૮,૭૦૦ ડોઝ મળવાના છે. આ સિવાય અત્યાર સુધી દેશના જે રાજ્યમાં વેક્સિનના સૌથી વધુ ડોઝ મળ્યા હોય તેમાં મહારાષ્ટ્ર ૧.૭૭ કરોડ સાથે મોખરે, રાજસ્થાન બીજા જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે.


ગુજરાતને અત્યાર સુધી વેક્સિનના ૧,૪૨,૨૧,૭૯૦ ડોઝ મળ્યા છે અને તેમાંથી ૧.૪૯% વેક્સિનનો બગાડ થયો છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં ૧૦ લાખની વસતીએ સરેરાશ ૨ લાખ લોકો એવા છે જેમણે વેક્સિનનો ઓછામાં ઓછો ૧ ડોઝ લીધો છે. દેશના જે રાજ્યોમાં સૌથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી હોય તેમાં મહારાષ્ટ્ર ટોચનો, રાજસ્થાન બીજો, ગુજરાત ત્રીજો, ઉત્તર પ્રદેશ ચોથો અને પશ્ચિમ બંગાળ પાંચમો ક્રમ ધરાવે છે. ગુજરાતમાં મે મહિનામાં વેક્સિનેશનની ગતિ ધીમી પડી છે અને છેલ્લા ૮ દિવસમાં ૧૩.૨૭ લાખને કોરોના વેક્સિન આપવામાં આવેલી છે. 

ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વેક્સિન અપાઇ?

જિલ્લો - વેક્સિનના ડોઝ

અમદાવાદ - ૧૮,૦૩,૯૭૧

સુરત - ૧૩,૦૫,૧૧૫

વડોદરા - ૯,૬૦,૮૮૧

રાજકોટ - ૭,૩૧,૫૧૧

બનાસકાંઠા - ૭,૨૪,૫૧૬

મહેસાણા - ૫,૦૫,૫૬૬

આણંદ - ૫,૦૧,૧૯૩

ભાવનગર - ૫,૦૦,૦૬૮

દાહોદ - ૪,૨૫,૪૩૦

ખેડા - ૪,૨૧,૩૭૬