×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UKથી ઉડ્યું સૌથી મોટું વિમાન, ભારત આવી રહ્યા છે 3 ઓક્સિજન જનરેટર, 1000 વેન્ટિલેટર


- ત્રણેય ઓક્સિજન જનરેટરમાંથી પ્રત્યેક જનરેટર પ્રતિ મિનિટ 500 લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરવા સક્ષમ 

નવી દિલ્હી, તા. 8 મે, 2021, શનિવાર

કોરોના વાયરસ મહામારીનો સામનો કરવા માટે વિશ્વના અનેક દેશો ભારતની મદદ કરવા આગળ આવી રહ્યા છે. તેના અનુસંધાને ઉત્તરી આયરલેન્ડના બેલફાસ્ટ ખાતેથી 18 ટનના 3 ઓક્સિજન જનરેટર અને 1,000 વેન્ટિલેટર સાથે વિશ્વના સૌથી મોટા માલવાહક વિમાને ભારત માટે ઉડાન ભરી દીધી છે. બ્રિટિશ સરકારે (UK)એ પોતે જ આ અંગેની જાણકારી આપી છે. 

ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ના કહેવા પ્રમાણે એરપોર્ટના કર્મચારીઓએ આખી રાત આકરી મહેનત કરીને વિશાળકાય એન્ટોનાવ 124 વિમાનમાં જીવન રક્ષક દવાઓ લાદી હતી. 

ઈન્ડિયન રેડક્રોસની મદદથી યુકેથી આવેલા આ પુરવઠાને કોરોના સંકટ સામે ઝઝુમી રહેલા ભારતની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવશે. ત્રણેય ઓક્સિજન જનરેટરમાંથી પ્રત્યેક જનરેટર પ્રતિ મિનિટ 500 લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરવા સક્ષમ છે. જે એક સમયે 50 લોકોના ઉપયોગ માટે પર્યાપ્ત છે. 

વિશ્વના સૌથી મોટા માલવાહક વિમાનમાં આ ઉપકરણો લાદવામાં આવ્યા તે સમયે ઉત્તરી આયરલેન્ડના હેલ્થ મિનિસ્ટર રોબિન સ્વાન બેલફાસ્ટ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. રોબિન સ્વાનના કહેવા પ્રમાણે તેઓ ભારતને તમામ સંભવિત મદદ અને પોતાનું સમર્થન આપે તે તેમની નૈતિક જવાબદારી છે.