×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં પલટાતું હવામાન, એકાએક આંધી : 1લી જૂનથી ચોમાસુ


- કોરોનાના સંકટ વચ્ચે આ વર્ષે ચોમાસુ સમયસર-સારું રહેવાનો વરતારો

- રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં ધૂળભરી આંધી, ચંદીગઢમાં વરસાદ પડતાં અનેક વૃક્ષો ધરાશાયી : વીજપુરવઠો પણ ખોરવાયો

- સ્કાયમેટ વેધર મુજબ આગામી ૨૪ કલાકમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરૂણાચલ, નાગાલેન્ડના કેટલાક વિસ્તારો, કેરળ અને તટીય કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ સંભાવના

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ચોમાસા અંગે રાહતપૂર્ણ સમાચાર છે. હવામાન વિભાગના અંદાજ મુજબ ચોમાસુ ૧લી જૂન સુધીમાં કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે આ તારીખ સુધીમાં ભારતના દક્ષિણી ભાગમાં ચોમાસુ આવી પહોંચે છે. ભૂવિજ્ઞાાન મંત્રાલયના સચિવ એમ. રાજીવને કહ્યું કે, અંદાજ મુજબ કેરળમાં ૧ જૂને સમયસર જ ચોમાસાનું આગમન થશે. જોકે, હાલ આ પ્રારંભિક સંકેત છે. ભારતીય હવામાન વિભાગ તરફથી ચોમાસા અંગે સત્તાવાર માહિતી ૧૫મીએ અપાશે અને ૩૧ મેના રોજ વરસાદ અંગેના અંદાજો જાહેર કરાશે. રાજીવને કહ્યું પ્રારંભિક વિશ્લેષણથી સંકેત મળે છે કે ૧લી જૂન સુધીમાં ચોમાસુ કેરળ પહોંચી જશે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચોમાસાનું સમયસર આગમન થવાની સાથે તે સામાન્ય પણ રહેશે. આ પહેલાં ૧૬મી એપ્રિલે જાહેર કરાયેલા અંદાજ મુજબ હવામાન વિભાગે કહ્યું હતું કે આ વર્ષે ૯૮ ટકા વરસાદ થઈ શકે છે. વિભાગનું કહેવું હતું કે વરસાદના અંદાજમાં પાંચ ટકા વધુ અથવા ઓછાનું અંતર રહી શકે છે.

છેલ્લા બે વર્ષથી ભારતમાં ચોમાસુ સરેરાશ કરતાં વધુ રહ્યું છે. આ વખતે ફરી એક વખત ચોમાસુ સામાન્ય રહેવાથી કૃષિ સેક્ટરને મોટી મદદ મળી શકે છે. વિશેષરૂપે કોરોનાકાળમાં ભારતના અર્થતંત્ર માટે સમયસર અને સારું ચોમાસુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચોમાસુ સામાન્ય રહેવું એ ભારતની ખાદ્ય સલામતીની દૃષ્ટીએ પણ મહત્વપૂર્ણ સંકેત છે.

ભારતમાં ૬૦ ટકા કૃષિ જમીન વરસાદી ખેતી પર નિર્ભર છે અને દેશની અડધી વસતીની આજીવિકા ખેતી સાથે સંકળાયેલી છે. એવામાં ભારતમાં ખેતી માટે ચોમાસુ પર નિર્ભરતા વધુ રહે છે. એટલું જ નહીં ભારતના ૮૯ મહત્વપૂર્ણ જળાશયોમાં જળપૂરવઠા માટે પણ ચોમાસુનું સામાન્ય રહેવું ખૂબ જ જરૂરી છે. કોરોનાકાળમાં બીજી લહેરના પગલે આર્થિક પ્રવૃત્તિઓ પર ફરી એક વખત ગંભીર અસર થઈ છે. અનેક રાજ્યોમાં લૉકડાઉન લાગુ છે અને આવી સ્થિતિમાં અર્થતંત્રને નુકસાન થઈ શકે છે. દેશના અર્થતંત્રને બચાવવા માટે સારા ચોમાસાની આગાહી સારા સંકેત છે.

દરમિયાન ઉનાળાની ગરમી વચ્ચે હવામાને ફરી એક વખત પલટો માર્યો છે. રાજધાની દિલ્હીમાં ગુરુવારે અચાનક કાળા વાદળોના આગમન સાથે જ વરાસદ શરૂ થયો હતો. પશ્ચિમી દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં વરસાદની સાથે તાપમાન ઘટયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં તાપમાન ઘણું વધી ગયું છે. દિલ્હી નજીક નોઈડામાં પણ હવામાન બદલાયું છે, પરંતુ અહીં વરસાદ પડયો નથી. 

હવામાન વિભાગે જણાવ્યું હતું કે દિલ્હી ઉપરાંત આગ્રા, બાગપત, બડૌત, નોઈડા, મોદીનગર, દાદરી, ગલૌટી, હાપુડ, જટ્ટારી, હાથરસ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. સ્કાયમેટ વેધર મુજબ આગામી ૨૪ કલાકમાં ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડના કેટલાક ભાગો, અંદામાન-નિકોબાર ટાપુઓ, કેરળ અને તટીય કર્ણાટકના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે એક-બે સ્થળે વરસાદ થવાની સંભાવના છે. 

પૂર્વીય બિહાર, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢના કેટલાક ભાગ, કોસ્ટલ આંધ્ર પ્રદેશ, આંતરિક કર્ણાટક, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદ સાથે એક-બે સ્થળો પર ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં ધૂળભરી આંધી તથા ગાજવીજ સાથે વરસાદ થવાનો અંદાજ છે. મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, તેલંગાણા, તામિલનાડુ અને લક્ષ્યદ્વિપ ટાપુઓમાં હળવા વરસાદની સાથે એક-બે સ્થળો પર મધ્યમ વરસાદ થઈ શકે છે.