×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યનાં આ 36 શહેરોમાં 6 મેથી 12 મે સુધી "નાઇટ કર્ફ્યું", રાત્રીનાં 8થી સવારના 6 વાગ્યા સુધી અમલી રહેશે

ગાંધીનગર, 4 મે 2021 મંગળવાર

દેશભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેના કારણે વિવિધ રાજ્ય સરકારોને લોકડાઉન લગાવવાની ફરજ પડી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ લોકડાઉન લગાવવામાં આવશે, તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, જો કે આજે સાંજે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં યોજાયેલી હાઇ પાવર કમિટિની બેઠકમાં વ્યાપક વિચાર મંથન બાદ સરકારે રાત્રી કફર્યુંની સમયાવધી લંબાવવા અંગે નિર્ણય લીધો છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફયુ લાદવામાં આવ્યો છે. સાથે સાથે મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાત્રીના 8થી સવારના 6 વાગ્યા સુધી રહેશે. અગાઉ જે 8 મહાનગરો સહિત 29  શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ 7 શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો અમલી રહેશે. તારીખ 6 મે 2021થી તારીખ 12 મે 2021 સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે.

જો કે આ કોરોના નિયંત્રણો દરમિયાન પણ તમામ અનિવાર્ય સેવાઓ ચાલુ રહેશે જેવી કે મેડીકલ, પેરામેડીકલ તથા અન્ય આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે. તે ઉપરાંત જીવન જરૂરીયાતની ચીજો મેળવવા માટે લોકોને મુશ્કેલી ન પડે તે માટે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળો, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી,અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ તથા ખાદ્યપદાર્થોની દુકાનો તથા તેની તેની હોમ ડીલીવરી કરતી સેવાઓનો સમાવેશ થાય છે.

આ સાથે જ 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પણ ચાલુ રહેશે. ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફની હાજરી સાથે કામકાજ કરી શક્શે, પરંતુ આ દરમિયાન તમામ સ્ટાફ ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોના પાલન કરવાનું રહેશે જેનું ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરાશે. કોરોના ગાઇડલાઇનનો ભંગ કરનારી ખાનગી ઓફિસો સામે કડક કાર્યવાહી કરવાની પણ મુખ્યપ્રધાન રૂપાણીએ સ્પષ્ટ સૂચના આપી છે.

મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી હાઇપાવર કમિટીની બેઠકમાં CM રૂપાણી ઉપરાંત ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા, મનોજકુમાર દાસ,આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ તથા પોલિસ મહાનિર્દેશક આશિષ ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા.