×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના મુદ્દે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરનારાને કેન્દ્ર ચૂપ કરી શકે નહીં : સુપ્રીમ


- રસીકરણ માટે ગરીબોને ખાનગી હોસ્પિટલોની દયા પર છોડી ન શકાય

- સોશિયલ મીડિયા પર ફરિયાદો કરનારા સામે પગલાં લેનારા સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી થશે : સુપ્રીમની ચેતવણી

- છેલ્લા 70 વર્ષમાં હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે દેશમાં કશું જ થયું નથી, વર્તમાન પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે : સુપ્રીમ

- ખાનગી રસી ઉત્પાદકોને કયા રાજ્યને કેટલી રસી આપવી તેનો નિર્ણય કરવાની મંજૂરી આપી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : કોરોના મહામારીની બીજી લહેરને 'રાષ્ટ્રીય કટોકટી' સમાન ગણાવતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે સોશિયલ મીડિયા પર ફરિયાદો ઊઠાવનારા સામે પગલાં લઈને તેમને ચૂપ કરવા બદલ કેન્દ્ર સરકારથી લઈને પોલીસ વડાઓને ચેતવણી આપી હતી. કોર્ટે કહ્યું કે, સોશિયલ મીડિયા પર ફરિયાદો કરનારા લોકો ખોટી ફરિયાદો કરે છે તેવું માનીને તેમને ચૂપ કરી શકાય નહીં. કોર્ટે કેન્દ્ર અને પોલીસ વડાઓને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, લોકો પાસે મદદની હાકલ સહિત સોશિયલ મીડિયા પર માહિતીના મુક્ત પ્રવાહને રોકવાના પ્રયાસને કોર્ટની અવમાનના સમાન ગણવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે. આ સાથે સુપ્રીમે કેન્દ્રને રસીકરણ, ઓક્સિજનના પુરવઠા, રસીનો ભાવ નિશ્ચિત કરવા, અને રસી માટે જરૂરી લાયસન્સિંગ પર નીતિગત ફેરફારો અંગે નિર્ણય લેવા કેન્દ્રને જણાવ્યું છે. 

બેન્ચે કહ્યું કે અમે કોઈપણ નિયંત્રણો વિના લોકોનો અવાજ સાંભળા માગીએ છીએ. આ સાથે તેમણે કેન્દ્ર, રાજ્યો અને બધા ડીજીપીને સોશિયલ મીડિયા પર ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ તેમજ ડૉક્ટર્સની અછત જેવા મુદ્દાઓ પર સોશીયલ મીડિયા કંઈપણ પોસ્ટ કરનારા સામે કોઈ પગલાં ન લેવા ચેતવણી આપી હતી. આ બેન્ચમાં અન્ય ન્યાયાધીશોમાં એલ. નાગેશ્વર રાવ અને રવિન્દ્ર ભાટનો સમાવેશ થાય છે. 

ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડના અધ્યક્ષપદે એક બેન્ચે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રસીકરણ મોડેલ અપનાવવું જોઈએ અને બધા જ નાગરિકોને મફતમાં રસી આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખાનગી રસી ઉત્પાદકોને કયા રાજ્યને કેટલી રસી આપવી જોઈએ તેનો નિર્ણય કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. રસીના ભાવ નિશ્ચિત કરવાનો મુદ્દો અસાધારણ રીતે ગંભીર છે. કેન્દ્ર ૫૦ ટકા રસીનો ઉપયોગ ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૪૫થી વધુ વયના લોકો માટે કરશે. બાકીના ૫૦ ટકાનો ઉપયોગ રાજ્યો અને ખાનગી હોસ્પિટલો કરશે. દેશમાં ૫૯.૪૬ કરોડ ભારતીયો ૪૫થી ઓછી વયના છે, તેમાં ગરીબોનો પણ સમાવેશ થાય છે.

દેશના ગરીબો રસી માટે નાણાં ચૂકવવા સક્ષમ નથી. ગરીબો અને વંચીતોને ખાનગી હોસ્પિટલોની દયા પર છોડી શકાય નહીં. કેન્દ્ર સરકાર ખાનગી રસી ઉત્પાદકો પાસેથી ૧૦૦ ટકા રસી શા માટે ખરીદતી નથી. રસી ઉત્પાદનમાં રાષ્ટ્રીય સંશાધનોનો પણ ઉપયોગ કરાયો છે. આગામી સુનાવણીમાં કેન્દ્ર જણાવે કે ખાનગી રસી ઉત્પાદકો સીરમ ઈન્સ્ટિટયૂટ અને ભારત બાયોટેકને કેટલું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. દેશમાં રસીનું ઉત્પાદન વધારવાની ખૂબ જ જરૂર છે તેમ પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. 

વધુમાં સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે કોરોના મહામારી મુદ્દે કેન્દ્ર દ્વારા ઉઠાવાયેલા પગલાં અંગે સુનાવણી કરાઈ હતી. કેસની આગામી સુનાવણી ૧૦ મેએ નિશ્ચિત કરાઈ છે. આજે સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર પાસેથી ટેસ્ટિંગ, ઓક્સીજન અને રસીકરણ અંગે લેવાયેલા પગલાં સંબંધિત સવાલ કર્યા સાથે જ સોશિયલ મીડિયા પર ફરિયાદો કરી રહેલા લોકો અને ડૉક્ટર અને નર્સનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન અંગે ફેલાયેલી અફરાતરફરી અંગે સવાલ કરાયો હતો અને વર્તમાન તથા ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા અંગે કેન્દ્ર સરકારે લીધેલા પગલાંની માહિતી માગી હતી. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, ફ્રન્ટલાઈન ડોક્ટર્સ અને હેલ્થકેર વર્કર્સને પણ સારવાર માટે બેડ નથી મળી રહી. કોર્ટે કહ્યું કે છેલ્લા ૭૦ વર્ષમાં હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે દેશમાં કશું જ થયું નથી તથા વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, હોટેલ્સ, મંદિરો, ચર્ચ  અને અન્ય સ્થળોને કોવિડ-૧૯ કેર સેન્ટરમાં પરિવર્તિત કરવા જોઈએ.

રાજકારણ ચૂંટણી સમયે હોય, આપત્તિ સમયે નહીં

દિલ્હી જ નહીં ગુજરાત, મહારાષ્ટ્રમાં પણ ઓક્સિજન નથી : સુપ્રીમ કોર્ટ

- દેશમાં દવાઓનું ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા બરાબર કેમ નથી થઈ રહી ? સુપ્રીમનો કેન્દ્રને સવાલ

કોરોના મહામારી મુદ્દે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જરૂરી દવાઓ તેમજ ઓક્સિજનના ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા યોગ્ય રીતે કેમ નથી થઈ રહી તે અંગે સવાલ કર્યો હતો. કેન્દ્ર સરકારે સોગંદનામામાં જણાવ્યું કે દેશમાં માસિક સરેરાશ એક કરોડ ત્રણ લાખ રેમડેસિવિરનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે, પરંતુ સરકારે માગ અને પુરવઠાની માહિતી આપી નહોતી. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે દવાઓની ફાળવણીની રીત પણ જણાવી નથી. કેન્દ્રે ડોક્ટરોને એ પણ કહેવું જોઈએ કે રેમડેસિવિર અથવા ફેબિફ્લુ ઉપરાંત અન્ય યોગ્ય દવાઓ પણ દર્દીઓને જણાવે. સુનાવણી દરમિયાન વકીલ પ્રેરણા પ્રિયદર્શીનીએ કહ્યું કે, સ્થાનિક આઈડી કાર્ડ અથવા આધાર કાર્ડ બતાવ્યા વિના કોરોનાના દર્દીઓને હોસ્પિટલોમાં પ્રવેશ નથી અપાઈ રહ્યો. આ મુદ્દે સુપ્રીમે નિર્દેશ આપવા જોઈએ. આ સંદર્ભમાં જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે કહ્યું કે અમે આદેશ આપીએ છીએ કે આધાર અથવા રહેણાંકના પુરાવાઓ વિના પણ હોસ્પિટલ દર્દીઓને દાખલ કરતાં અટકાવી શકે નહીં. કોઈ દર્દીને કોરોનાની સારવારની જરૂર હોય તો હોસ્પિટલ તેને ઈનકાર કરી શકે નહીં.  

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે અમે નાગરિકોને ઓક્સિજનના સિલિન્ડર માટે રડતા જોયા છે. દિલ્હીમાં ઓક્સિજન ઉપલબ્ધ નથી એ હકીકત છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ઓક્સિજનની અછત છે. તમારે આગામી સુનાવણીમાં જણાવવાનું રહેશે કે આજે અને સુનાવણીના આગલા દિવસમાં ઓક્સિજનની બાબતમાં શું વધું સારું થયું છે. દિલ્હીમાં કોરોના મુદ્દે દિલ્હી સરકારની ઝાટકણી કાઢતાં સુપ્રીમે કહ્યું કે રાજકારણ ચૂંટણી સમયે થાય છે આપત્તિના સમયે નહીં. દિલ્હીના લોકો માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને કામ કરવું જોઈએ.