×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

GMDCની ધન્વંતરી હોસ્પિટલમાં હવે ગંભીર દર્દીઓને ટોકન વગર જ દાખલ કરાશે, ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો કાર્યરત કરાઈ

અમદાવાદ, તા. 30 એપ્રિલ 2021, શુક્રવાર

અમદાવાદ અત્યારે કોરોના વાયરસ પ્રકોપનો સામનો કરી રહ્યું છે. બેડની અછત, દવાઓની અછત, ઓક્સિજનની અછત અને એમ્બ્યુલન્સની અછતના કારણે કોરોનાના દર્દીઓ અને તેમના પરિજનો પહેલાથી જ અપાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવામાં તંત્રના અણઘડ નિયમોના કારણે લોકોની સમસ્યા દૂર થવાના બદલે વધી રહી છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર ડીઆરડીઓના સહયોગથી 950 બેડની કોવિડ હોસ્પિટલ શરુ કરાઇ છે. જેમાં એડમિશન માટે ટોકન સિસ્ટમ શરુ કરાતા વિરોધ થયો હતો અને વાત હાઇકોર્ટ સુધી પહોંચી હતી.

ત્યારે હવે અમદાવાદના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જીએમડીસીની ધન્વંતરી હોસપિટલમાં હવે ગંભીર દર્દીઓને ટોકન વગર જ સારવાર મળી શકશે. આ માટે ધન્વંતરી હોસ્પિટલ ખાતે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો કાર્યરત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે હોસ્પિટલમાં દાખલ થવા માટે આવેલા ગંભીર દર્દીઓને ટોકન વગર સારવાર મળી નહોતી. કેટલાક દર્દીઓનું તો ઓક્સિજન લેવલ પણ ઘણું ઓછું હતું, આમ છતા દાખલ કરવામાં આવ્યા નહોતા. જેના કારણે એક દર્દીનું તો મોત થયું હતું.

આ નિયમના કારણે ગઇકાલે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ બહાર હોબાળો કર્યો હતો. જેના વીડિયો પણ વાયરલ થયા હતા. જેથી ચારેકોરથી તંત્ર પર ફિટકાર વરસ્યો હતો. ત્યારબાદ આજે આ ટોકન સિસ્ટમ વાળા નિયમમાં થોડી છુટ આપવામાં આવી છે. હવે જે દર્દીઓ ગંભીર સ્થિતિમાં આવશે તેમને ટોકન વગર જ દાખલ કરવામાં આવશે. આ માટે અલગ વ્યવસ્થા કરીને દર્દીઓને સીધા જ દાખલ કરવામાં આવશે. ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો પણ કાર્યરત કરી દેવાઈ છે, જેથી દર્દીઓને સારવારમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય.

ધન્વંતરી હોસ્પિટલમાં સતત બીજા દિવસે પણ દર્દીના સ્વજનોનો ધસારો જોવા મળ્યો હતો. દર્દીના સ્વજનોએ ટોકન લેવા માટે વહેલી સવારથી જ લાંબી લાઇન લગાવી હતી. ગઇકાલે સ્વજનોએ ભારે હોબાળો મચાવ્યા બાદ આજે હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.