×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં એક દિવસમાં વિક્રમી 3.79 લાખ કેસ, 3645નાં મોત


- ભારતમાં બેકાબૂ બનતો કોરોના કુલ કેસ 1.83 કરોડ, એક્ટિવ કેસ 30 લાખ, મૃત્યુઆંક બે લાખને પાર

- દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભાંગી પડતાં આર્મી મદદે આવી, સૈન્યનો મેડિકલ સ્ટાફ સારવાર કરશે, કામચલાઉ હોસ્પિટલ ઊભી કરાશે

- ઘરે સારવાર લેતા દર્દીઓ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન

- ઉત્તર પ્રદેશમાં સ્થિતિ વકરતાં વીકએન્ડ લૉકડાઉનમાં હવે સોમવારનો સમાવેશ

- ભારત બાયોટેકે રાજ્યો માટે રસીના ભાવ ઘટાડીને રૂ. 400 કર્યા

નવી દિલ્હી : વિશ્વમાં લગભગ એક સપ્તાહથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના સૌથી વધુ કેસ ભારતમાં નોંધાઈ રહ્યા છે. ભારતમાં ગુરુવારે ફરી કોરોનાના નવા કેસનો વિક્રમ નોંધાયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે સવારે કહ્યું કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩.૭૯ લાખ કેસ નોંધાયા છે. કોરોનાના કુલ કેસ ૧.૮૩ કરોડને પાર થઈ ગયા છે અને એક્ટિવ કેસ ૩૦ લાખના આંકને વટાવી ગયા છે. ઉપરાંત દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૬૪૫નાં મોત નીપજ્યાં છે, જે એક દિવસમાં મોતનો સૌથી મોટો આંક છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૨.૦૪ લાખ થઈ ગયો છે. દરમિયાન દેશમાં અત્યાર સુધીમાં રસીના ૧૫ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે.

ભારતમાં કોરોના મહામારીએ ઊથલો મારતા છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક સાડા ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના ૩,૭૯,૨૫૭ નવા કેસ નોંધાયા હતા, જે એક જ દિવસમાં કોરનાના નવા કેસનો દુનિયામાં સૌથી મોટો આંક છે. દેશમાં મોતની દૃષ્ટિએ પણ ગુરુવારે સૌથી વધુ ૩૬૪૫ દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૨,૦૪,૮૩૨ થયો છે. 

કોરોનાના કેસમાં સ્થિર વધારાને પગલે એક્ટિવ કેસ ૩૦,૮૪,૮૧૪ થયા છે, જે કોરોનાના કુલ કેસમાં ૧૬.૭૯ ટકા હિસ્સો છે. દેશમાં રિકવરી રેટ વધુ ઘટીને ૮૨.૧૦ ટકા થયો છે. બીજીબાજુ અત્યાર સુધીમાં કોરોનાના ૧,૫૦,૮૬,૮૭૮ દર્દીઓ સાજા થયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસમાં ૭૨.૨૦ ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત ૧૦ રાજ્યોમાં નોંધાયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.  વધુમાં દેશમાં રસીકરણના ૧૦૩ દિવસમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ લાખથી વધુ ડોઝ અપાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં ૨૨,૦૭,૦૬૫ સત્રો મારફત કોરોનાની રસીના ૧૫ કરોડથી વધુ ડોઝ અપાયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું.

દરમિયાન દેશમાં કોરોનાના કેસ વધતાં મોટાભાગના દરેક રાજ્યોમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડી ભાંગ્યું હોવાથી હવે સૈન્યની મદદ લેવાઈ છે. આર્મી ચીફ નરવાણેએ ગુરુવારે વડાપ્રધાન મોદીને જણાવ્યું હતું કે, દેશના વિવિધ ભાગમાં સૈન્ય દ્વારા કામચલાઉ હોસ્પિટલો ઊભી કરાઈ રહી છે અને સૈન્યનો મેડિકલ સ્ટાફ આ હોસ્પિટલોમાં સેવા આપશે.

ભારતમાં રસીકરણ અભિયાનનો મહત્વનો ભાગ એવી ભારત બાયોટેકે ગુરુવારે કોરોના માટેની તેની રસી 'કોવેક્સિન'નો ભાવ ઘટાડીને રૂ. ૪૦૦ કર્યો છે. રસીનો ભાવ ઘટાડવા માટે કેન્દ્રની વિનંતી પછી કંપનીએ આ જાહેરાત કરી હતી. અગાઉ રાજ્યો માટે કોવેક્સિનની કિંમત રૂ. ૬૦૦ રખાઈ હતી. કંપની કેન્દ્ર સરકારને રૂ. ૧૫૦ના ભાવે રસી પૂરી પાડતી હોવાથી એક જ રસી માટે તેના અલગ અલગ ભાવની દેશભરમાં આકરી ટીકા થઈ હતી.

દરમિયાન ગૃહમંત્રાલયે કોરોનાના હળવા લક્ષણોના પગલે ઘરમાં જ આઈસોલેટ થયેલા લોકો માટેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શનની કોઈ જરૂર નથી. કોરોનાના લક્ષણો સાત દિવસ કરતાં વધુ સમય સુધી જોવા મળે તો સારવાર કરનારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ઓક્સિજન કેનિસ્ટર સહિતના 17 મેડિકલ ઉપકરણોની આયાતને મંજૂરી

સરકારે કેટલીક શરતોને આધીન ૧૭ મેડિકલ ઉપકરણોની આયાતને ત્રણ મહિના માટે મંજૂરી આપી છે. સરકારે નેબુલાઇઝર, ઓક્સિજન કન્સ્ટ્રેટર્સ, ઓકિસજન કેનિસ્ટર, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન જનરેટર્સ અને વેન્ટિલેટર્સ સહિતના ૧૭ મેડિકલ ઉપકરણોની આયાતને શરતોને આધીન મંજૂરી આપી છે. આયાતકારે આયાત કરતા પહેલા સરકારને માહિતી આપવી પડશે. કોરોનાની બીજી લહેરને પગલે આવા મેડિકલ ઉપકરણોની અછત સર્જાવાને પગલે ભારત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ અંગેની માહિતી ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પિયૂષ ગોયલે ટ્વિટર પર આપી હતી. 

ભારતમાં ઓક્સિજનની અછત પછી હવે

આઈસીયુ બેડ, ડૉક્ટર્સ, નર્સના અભાવે દર્દીઓ મરશે : નિષ્ણાતો

- દેશમાં 3.50 લાખ મેડિકલ સ્ટાફની પણ જરૂર પડશે, કોરોનાના દૈનિક કેસ પાંચ લાખ જેટલા થશે : નિષ્ણાતો

ભારતમાં આગામી દિવસોમાં કોરોના મહામારીની સ્થિતિ વધુ ખરાબ થશે તેમ જણાવતાં પ્રખ્યાત સર્જન ડૉ. દેવી પ્રસાદ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ભારતને હજુ પાંચ લાખ આઈસીયુ બેડ, બે લાખ નર્સીસ અને ૧.૫ લાખ ડૉક્ટર્સની જરૂર પડશે. 

ભારતમાં હાલમાં ૭૫,૦૦૦થી ૯૦,૦૦૦ આઈસીયુ બેડ છે અને લગભગ આ બધા જ બેડ ભરાઈ ગયા છે. કોરોના મહામારીની બીજી લહેર હજી પીક પર નથી પહોંચી ત્યારે ભારતમાં દૈનિક ૩.૫ ૦ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે  દેશમાં કોરોનાના દૈનિક કેસ પાંચ લાખથી વધુ થશે. હાલ મોટાભાગના પ્રસાર માધ્યમોનું ધ્યાન આઈસીયુમાં દર્દીઓ માટે ઓક્સિજનની અછત તરફ છે. પરંતુ આગામી સપ્તાહોમાં નર્સીસ અને ડૉક્ટર્સ નહીં હોવાના કારણે આઈસીયુમાં દર્દીઓ મરી રહ્યા હોવાના સમાચારો આવવાની આશંકા છે.

નારાયણા હેલ્થના સ્થાપક અને ચેરમેન ડૉ. શેટ્ટીએ જણાવ્યું હતું કે, આવું થશે અને મને તેમાં કોઈ શંકા નથી. હાલ દેશમાં દરરોજ ૧૫થી ૨૦ લાખ લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે અને તેમાંથી પાંચ ટકા દર્દીઓને આઈસીયુ બેડની જરૂર પડે છે. એક દર્દી સરેરાશ ૧૦ દિવસ આઈસીયુમાં રહે છે. તેથી તમે પરિસ્થિતિની ભયાનક્તાની કલ્પના કરી શકો છો. આ પરિસ્થિતિને ટાળવા માટે આપણે આગામી કેટલાક સપ્તાહમાં પાંચ લાખ કરતાં વધુ આઈસીયુ બેડ ઊભા કરવા પડશે.