×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિકરાળ બનતો કોરોના એક દિવસમાં સૌથી વધુ 3.60 લાખ કેસ, કુલ મોત બે લાખને પાર


- દેશમાં હવે એક્ટિવ કેસ 30 લાખથી વધુ

- 24 કલાકમા 3293 લોકોના મોત, મહારાષ્ટ્ર, યુપી, દિલ્હી, કર્ણાટક, ગુજરાત સહિત 10 રાજ્યોમાં સૌથી વધુ અસર

- એક લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર અને પીએમ કેર ફંડમાંથી વધુ 500 પીએસએ પ્લાન્ટ્સની ખરીદી કરાશે

નવી દિલ્હી : ભારતમાં એક જ દિવસમાં કોરોનાના નવા રેકોર્ડ બ્રેક ૩.૬૦ લાખ કેસો સામે આવ્યા છે. જેને પગલે હવે કુલ કેસોનો આંકડો ૧.૮૦ કરોડ નજીક પહોંચી ગયો છે. જ્યારે વધુ ૩૨૯૩ લોકોના મોત સાથે મૃત્યુઆંક બે લાખને પાર પહોંચી ગયો હતો. બીજી તરફ દેશમાં હવે એક્ટિવ કેસો પણ ૩૦ લાખે પહોંચી ગયા છે જે કુલ કેસોના ૧૬.૫૫ ટકા જેટલા છે. બીજી તરફ રીકવરી દર ફરી ઘટીને ૮૨.૩૩ ટકાએ પહોંચી ગયો છે. 

મૃત્યુઆંક પણ પહેલી વખત બે લાખને પાર કરીને ૨,૦૧૧૮૭એ પહોંચી ગયો હતો. હાલ જે પણ લોકો છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી મોતને ભેટયા છે તેમાં ૭૮ ટકા લોકો માત્ર ૧૦ રાજ્યોના છે અને તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી વગેરે ટોચના સ્થાને છે. 

મોડા મોડા જાગેલી કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે પીએમ કેર ફંડમાંથી સરકાર એક લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સેન્ટ્રેટરની ખરીદી કરશે. જ્યારે વધુ પ્રેશર સ્વિંગ ઓક્સિજન પ્લાન્ટની પણ ખરીદી કરવામાં આવશે. 

સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે ડીફેંસ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) આગામી ત્રણ મહિનામાં ૫૦૦ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ્સની સ્થાપના કરશે. જોકે હાલ આવા પ્લાન્ટ્સની તાત્કાલીક જરુર છે. ત્રણ મહિના પછી કોરોનાની સ્થિતિ શું હશે તેનું કોઇ ચોક્કસ અનુમાન નથી. હાલ દેશમાં સૌથી વધુ જરુર ઓક્સિજનની છે, જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ એક બેઠક યોજી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે હાલ તાત્કાલીક ધોરણે આ ઓક્સિજન કોન્સેન્ટ્રેટરની ખરીદી કરવામાં આવે અને જે રાજ્યોમાં કોરોનાના કેસોનું ભારણ વધુ હોય ત્યાં પહેલા પહોંચતા કરવામાં આવે. જ્યારે પીએમ કેર ફંડમાંથી ૫૦૦ નવા પીએસએ ઓક્સિજન પ્લાન્ટ્સને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા આવા ૭૧૩ પ્લાન્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી. આ અંગેની જાણકારી પીએમ મોદી દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી.

સીરમની રસીના ભાવમાં રૂ. 100નો ઘટાડો

- પુનાવાલાને વાય કેટેગરીની સુરક્ષા આપવા નિર્ણય

પહેલી મેથી દેશભરમાં ૧૮થી ૪૫ વર્ષની વયનાને પણ કોરોનાની રસી આપવાનુ શરૂ થશે. આ સ્થિતિ વચ્ચે સીરમ ઇન્સ્ટિટયૂટે પોતાની રસીની કિમતોમાં ઘટાડો કર્યો છે. અગાઉ રસીના ભાવ પ્રતિ ડોઝ ૪૦૦ રૂપિયા જાહેર કર્યા હતા જે હવે ઘટાડીને ૩૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે. 

જોકે ગુજરાત સહિત અનેક રાજ્યો કોરોનાની રસી મફતમાં આપવાની જાહેરાત કરી ચુક્યા છે. 

 કોવિશીલ્ડ રસીના ભાવમાં ૧૦૦ રૂપિયાના ઘટાડાની જાહેરાત સિરમ ઇન્સ્ટિટયૂટના સીઇઓ આદર પુનાવાલાએ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યોને સિરમની જે રસી આપવામાં આવી રહી છે તેના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરવામા આવી રહ્યો છે.

હાલ રાજ્યો પાસે રસીના એક કરોડથી વધુ ડોઝ છે : કેન્દ્ર

પહેલી મેથી ૧૮ વર્ષથી ઉપરની વયના બધા લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ થવા જઇ રહ્યું છે. જેની નોંધણી ૨૮મી તારીખથી ઓનલાઇન શરૂ થઇ ગઇ હતી. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે હાલ કોરોનાની રસીના એક કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે. 

જ્યારે કેન્દ્રના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં વધુ ૫૭ લાખ ડોઝ પુરા પાડવામાં આવશે. જોકે ૧૮ વર્ષથી વધુ વયનાની વસતી પ્રમાણે હજુ પણ આ ડોઝની સંખ્યા ઘણી ઓછી હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો હોવાથી ત્યાં રસીના ડોઝ પણ વધુ પહોંચાડાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધુ ડોઝ અપાયા છે. જ્યારે આગામી ત્રણ ચાર દિવસમાં વધુ પાંચ લાખ ડોઝ પુરા પાડવામાં આવશે.