×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં કોરોનાથી વધુ 2800નાં મોત, કુલ મૃત્યુઆંક બે લાખ નજીક પહોંચ્યો


- પાંચ દિવસ પછી નવા કેસ ઘટયા : છેલ્લા 24 કલાકમાં 3.23 લાખ કેસ

- એક્ટિવ કેસ 28.82 લાખ, કુલ કેસ 1.76 કરોડને પાર, 1.45 કરોડથી વધુ દર્દી સાજા થયા, રસીના 14.52 કરોડ ડોઝ અપાયા

- દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસી લેવા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, આસામે નાઈટ કરફ્યૂ 1લી મે સુધી લંબાવ્યો 

- મહારાષ્ટ્રમાં 49 હજાર, ઉત્તર પ્રદેશમાં 33 હજારથી વધુ નવા કેસ

નવી દિલ્હી : દેશભરમાં હોસ્ટલોમાં બેડ, ઓક્સિજનની અછતની બૂમરાણ વચ્ચે કોરોનાનો કેર યથાવત્ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૨૮૦૦ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે કુલ મૃત્યુઆંક બે લાખ નજીક પહોંચી ગયો છે.  જોકે, આ મુશ્કેલ સમયમાં મંગળવારે આંશિક રાહતના સમાચાર એ છે કે કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં મંગળવારે એક દિવસમાં કોરોનાના નવા ૩.૨૩ લાખ કેસ નોંધાયા હતા. દેશમાં બે દિવસથી કોરોનાના કેસમાં સાડા ત્રણ લાખથી વધુનો વધારો થતો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩,૨૩,૧૪૪ કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૭૬ કરોડથી વધુ થયા છે જ્યારે એક્ટિવ કેસ વધીને ૨૮.૮૨ લાખ થયા છે, જે કુલ કેસના ૧૬.૩૪ ટકા જેટલા છે. કોરોનાના કેસમાં આંશિક ઘટાડો આવવા છતાં રિકવરી રેટમાં વધુ ઘટાડો નોંધાયો છે અને તે ૮૨.૫૪ ટકા થઈ ગયો છે. 

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૨,૭૭૧ દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૧,૯૭,૮૯૪ થયો છે. બીજીબાજુ દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧.૪૫ કરોડથી વધુ લોકો કોરોનાની બીમારીમાંથી સાજા થયા છે.  

દેશમાં કોરોનાના નવા ૨.૨૩ લાખ કેસમાંથી ૬૯.૧ ટકા કેસ માત્ર ૧૦ રાજ્યોમાં નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે. મંગળવારે મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ ૪૮,૭૦૦, ઉત્તર પ્રદેશમાં ૩૩,૫૫૧ અને કર્ણાટકમાં ૨૯,૭૪૪ નવા કેસ નોંધાયા હતા. વધુમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨,૭૭૧ દર્દીઓના મોતમાં ૭૭.૩ ટકા મોત ૧૦ રાજ્યોમાં નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાં ૫૨૪, દિલ્હીમાં ૩૮૦ લોકોનાં મોતનો સમાવેશ થાય છે.

દેશમાં રસીકરણના ત્રીજા તબક્કાના ભાગરૂપે ૧લી મેથી ૧૮થી ૪૪ વર્ષના લોકોને રસી આપવાનું શરૂ થશે. આ માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ થશે. દેશમાં અત્યાર સુધીમાં ૨૦.૭૪ લાખથી વધુ સત્રોમાં કોરોનાની રસીના કુલ ૧૪.૫૨ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત ૧૧ રાજ્યોમાં ૬૭.૩ ટકા ડોઝ અપાયા છે. દેશમાં કોરોનાના વધતા કેસ અટકાવવા માટે વિવિધ રાજ્યો દ્વારા લૉકડાઉન અને નાઈટ કરફ્યૂ જેવા નિયંત્રણોનો અમલ કરાઈ રહ્યો છે. હવે આસકામે પણ ૧લી મે સુધી નાઈટ કરફ્યૂ લંબાવ્યો છે. આસામ સરકારે કોરોનાના કેસ વધતા મંગળવારથી સમગ્ર રાજ્યમાં રાત્રે ૮.૦૦થી સવારે ૫.૦૦ વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ કર્યો છે.

વાજપેયીના ભત્રીજી કરૂણા શુક્લાનું કોરોનાથી અવસાન

કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ તથા વાજપેયીના ભત્રીજી કરુણા શુકલાનું રાયપુરમાં કોરોનાવાઇરસના કારણે મોત થયું છે. ૭૦ વર્ષીય શુક્લાનું રાયપુરની એક ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. તેઓ ૧૪મી લોકસભામાં છત્તીસગઢની જાંજગીર-ચાંપા બેઠક પરથી ચૂંટાઇ આવ્યા હતાં. તેમણે ૨૦૧૩માં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.

દિલ્હીમાં કોરોનાના દર્દીને બેડ ન મળતા પરિવારજનોનો હોસ્પિટલ પર હુમલો

દક્ષિણ દિલ્હીના ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં બેડ ન મળવાને કારણે મૃત્યુ પામેલ મહિલાના પરિવારજનોએ હોસ્પિટલના કર્મચારીઓ પર હુમલો કરતા ચાર કર્મચારીઓને સામાન્ય ઇજા થઇ છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

પોલીસના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે પ્રથમ વખત દિલ્હીની હોસ્પિટલમાં કોરોનાના દર્દીના સગા દ્વારા હોસ્પિટલના કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. લાકડીઓ વડે કરવામાં આવેલા આ હુમલાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી હોબાળો થયો હતો. આ ઘટનાને પગલે હોસ્પિટલનો ઇમરજન્સી અને કોવિડ વિભાગ બે કલાક સુધી બંધ કરવાની ફરજ પડી હતી. 

કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે દેશ આ સંકટ સામે લડવા સારી રીતે તૈયાર હોવાનો હર્ષવર્ધનનો દાવો

ભારતમાં કોરોના મહામારી અત્યંત ભયાનક સ્તરે પહોંચી છે. દરરોજ દૈનિક મોતના આંકડા વધી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટે કોરોનાની વર્તમાન સ્થિતિને રાષ્ટ્રીય કટોકટી સમાન ગણાવી છે. આવા સમયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને મંગળવારે દાવો કર્યો હતો કે ગયા વર્ષની સરખામણીમાં ભારત હાલ કોરોનાના સંકટનો સામનો કરવા માટે વધુ સારી સ્થિતિમાં છે.

 તેમણે કહ્યું હતું કે, ભારત કોરોના મહામારીનો સામનો કરવા માટે હાલ માનસિક રીતે વધુ સારી રીતે સજ્જ છે. દેશમાં ૧૩ સ્થળો પર રક્તદાન શીબિરના આયોજન દરમિયાન એક વેબિનારને સંબોધન કરતાં ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, ગયા વર્ષના અનુભવ સાથે આ વખતે દેશ કોરોનાને હરાવવા માટે વધુ સારી રીતે સજ્જ છે. દેશમાં યુવાનોને રસી આપવાનું શરૂ થાય તે પહેલાં રક્તદાન શિબિરના આયોજનની પ્રશંસા કરતી હતી. તેમણે કહ્યું કે રસી લીધાના લગભગ બે મહિના સુધી રક્તદાન ન કરવું સલાહભર્યું છે.