×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્રજાને કોરોનાથી બચાવવા કોઈ પ્લાન છે કે નહીં ?


- કેન્દ્રની સુપ્રીમ દ્વારા ઝાટકણી

- આ રાષ્ટ્રીય કટોકટીમાં મૂકદર્શક બની શકીએ નહીં : સુપ્રીમ

- કેન્દ્ર પાસેથી મેડિકલ સુવિધાઓ, રાજ્યોને ઓક્સિજન પુરવઠા અને રસીકરણ કાર્યક્રમ અંગે આયોજનની વિગતો માગી

- અમારી દખલનો આશય માત્ર રાષ્ટ્રીય નીતિઓ માટે છે, વિવિધ રાજ્યોની હાઈકોર્ટોમાં સુનાવણીઓ ચાલુ જ રહેશે : સુપ્રીમ

નવી દિલ્હી : દેશમાં કોરોનાના કેસમાં આવેલા અસાધારણ ઊછાળાને 'રાષ્ટ્રીય કટોકટી' ગણાવતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં તે મૂકદર્શક બનીને બેસી રહી શકે નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે ફરીથી સ્પષ્ટ કર્યું હતું કે, કોરોના મહામારી અટકાવવા માટે સંચાલનમાં રાષ્ટ્રીય નીતિ ઘડવા માટેની તેની આ સુઓ-મોટો કાર્યવાહીનો આશય વિવિધ હાઈકોર્ટોમાં ચાલતી સુનાવણીઓને રોકવાનો નથી.

ન્યાયાધીશો ડી.વાય. ચંદ્રચૂડના અધ્યક્ષપદે બેન્ચે બેન્ચે કેન્દ્ર પાસેથી કોરોનાનું સંકટ દૂર કરવા માટે તેની રાષ્ટ્રીય નીતિ શું છે અને શું રસીકરણ જ મુખ્ય વિકલ્પ છે તેવા સવાલો કર્યા હતા. સુનાવણીની શરૂઆતમાં જ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આપણે લોકોના જીવ બચાવવાની જરૂર છે. અમને જ્યારે પણ લાગશે ત્યારે અમે દરમિયાનગીરી કરીશું. આ સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી મેડિકલ સુવિધાઓ, વિવિધ રાજ્યોને ઓક્સિજનના પુરવઠા અને રસીકરણ કાર્યક્રમ પર રાષ્ટ્રીય નીતિના આયોજન અંગેની વિગતો માગી હતી.

બેન્ચે કોરોનાની રસીઓના અલગ અલગ ભાવ અંગે પણ સવાલ કર્યા હતા. સુનાવણી દરમિયાન એસ. રવિન્દ્ર ભાટે કહ્યું કે સૈન્ય, રેલવેના ડોક્ટર્સ કેન્દ્રના તાબા હેઠળ આવે છે. એવામાં શું તેમનો ક્વોરન્ટાઈન, રસીકરણ કાર્યક્રમ અને અન્ય કામ માટે ઉપયોગ કરી શકાય? આ સંદર્ભમાં તમારી રાષ્ટ્રીય યોજના શું છે? કોરોનાના વધતા કેસ વચ્ચે રસીકરણ ખૂબ જ જરૂરી છે તો રસીના અલગ અલગ ભાવ મુદ્દે કેન્દ્ર શું કરી રહ્યું છે? સુનાવણી દરમિયાન કોર્ટમાં રાજસ્થાન અને બંગાળ તરફથી રસીના અલગ અલગ ભાવ મુદ્દે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

દરમિયાન આ કેસમાં વધુ સુનાવણી ૩૦મી એપ્રિલ પર મુલતવી રાખતાં બેન્ચે જણાવ્યું હતું કે, હાઈકોર્ટો તેમના ન્યાયિક મર્યાદાના ક્ષેત્રોમાં કોરોનાની સ્થિતિ પર વધુ સારી રીતે નિરિક્ષણ રાખી શકે છે. આ પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટ પૂરીક ભૂમિકા ભજવી શકે છે અને તેની દરમિયાનગીરીને સકારાત્મક સંદર્ભમાં લેવી જોઈએ, કારણ કે કેટલીક બાબતો હાઈકોર્ટોની ન્યાયિક મર્યાદા ક્ષેત્રની બહારની હોઈ શકે છે. ચોક્કસ રાષ્ટ્રીય મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરીને વિવિધ રાજ્યો વચ્ચે અનેક બાબતોમાં સંકલન તરીકે જોવી જોઈએ. ન્યાયાધીશો એલ. નાગેશ્વર રાવ અને એસ રવિન્દ્ર ભાટને સમાવતી બેન્ચે જણાવ્યું હતું કે, અમે હાઈકોર્ટોને પ્રાદેશિક મર્યાદાઓના સંદર્ભમાં કોઈ તકલીફ હોય તો તેમને મદદ કરી શકીએ છીએ.

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય કટોકટી છે. આવા સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે કોઈ રાજકીય સંઘર્ષ હોવો જોઈએ નહીં. 

ઓક્સિજનની અછત મુદ્દે સુપ્રીમ સમક્ષ લૂલો બચાવ

કોઈપણ દેશમાં ઓક્સિજનનો અમર્યાદિત પૂરવઠો ન હોય : કેન્દ્ર

- કેન્દ્રે કોરોના સામે લડવા નેશનલ પ્લાન રજૂ કર્યો મોદીએ દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમિક્ષા કરી

કોરોના મહામારીની વકરતી સ્થિતિ વચ્ચે દેશભરમાં ઓક્સિજનના પૂરવઠાની અછત મુદ્દે કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં લૂલો બચાવ કરતાં દલીલ કરી હતી કે દુનિયાના કોઈપણ દેશમાં મેડિકલ ઓક્સિજનનો અમર્યાદિત પૂરવઠો ન હોય. વડાપ્રધાન મોદીની દેખરેખ હેઠળ યુદ્ધના ધોરણે કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન પૂરવઠો વધારવામાં આવી રહ્યો છે. સરકારે કહ્યું કે દેશમાં કોઈપણ સમયે બધા જ રાજ્યો માટે સંતૂલિત રીતે ઓક્સિજનનો પૂરવઠો ઉપલબ્ધ છે. 

વધુમાં કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ૨૦૦ પાનાનું સોગંદનામુ રજૂ કરી કોરોના સામે લડવા માટે નેશનલ પ્લાન અંગે માહિતી આપી હતી. તેમાં મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી જરૂરી સપ્લાય અને સેવાઓ અંગે બનાવાયેલી યોજનાઓ અંગે પણ માહિતી અપાી હતી. જોકે, તેમાં દૈનિક કોરોના મેનેજમેન્ટ અંગે કશું જણાવાયું નથી.

સોગંદનામામાં કહેવાયું કે સપ્ટેમ્બરના મધ્યમાં કોરોનાના કેસ ઓછા થયા ત્યારે પણ કેન્દ્ર સરકારે જિલ્લા સ્તર સુધી કોરોનાના કેસ પર નજર રાખી હતી અને રાજ્યોને કોરોના અંગે સાવધ રહેવા કહ્યું હતું. રાજ્યોને કોરોના માટે કોઈપણ ઈમર્જન્સી સ્થિતિનો સામનો કરવા માટે અને આયોજન તૈયાર રાખવા જણાવાયું હતું. આ ઉપરાંત કેન્દ્ર સરકારે સુપ્રીમને કોરોના સામે લડવા માટે રસીકરણ અભિયાન તથા અન્ય હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા માટે તેણે હાથ ધરેલા કામોની માહિતી આપી હતી. કોરોના મુદ્દે સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા પછી મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી દેશમાં હાલ ઉપલબ્ધ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમિક્ષા કરી હતી. બેઠકમાં વડાપ્રધાને અધિકારીઓને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી અપગ્રેડ કરવા માટે નિર્દેશો આપ્યા હતા. બેઠકમાં ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા થઈ હતી.