×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળમાં 7મા તબક્કાના મતદાનમાં 2 સ્ટાર વચ્ચે ઘમસાણ, મમતાના મંત્રીઓ સહિત આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર


- આસનસોલ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપ તરફથી અગ્નિમિત્રા પાલ અને ટીએમસી તરફથી અભિનેત્રી સાયોની ઘોષ વચ્ચે ટક્કર

નવી દિલ્હી, તા. 26 એપ્રિલ, 2021, સોમવાર

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં 36 બેઠકો પર મતદાન થવાનું હતું પરંતુ જંગીપુર અને શમશેરગંજ બેઠકોના એક-એક ઉમેદવારનું કોરોનાના કારણે અવસાન થતા હવે 34 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તેમાં કુલ 268 ઉમેદવારો મેદાનમાં છે જેમાં 37 મહિલા ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. 

મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગઢ સમાન ભવાનીપુર બેઠક પર મંત્રી સોવનદેબ ચટ્ટોપાધ્યાય સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. મતદારો મમતાના મંત્રીઓ સહિત ભાજપ અને લેફ્ટના હાઈ પ્રોફાઈલ નેતાઓના નસીબનો નિર્ણય લેશે. બંગાળ ચૂંટણીના સાતમા તબક્કા દરમિયાન જે 34 બેઠકો પર મતદાન થવાનું છે તે 5 જિલ્લાઓમાં ફેલાયેલી છે. તેમાં દક્ષિણ દિનાપુર અને માલદા જિલ્લાની 6-6, મુર્શિદાબાદની 9, કોલકાતાની 4 અને બર્દવાનની 9 વિધાનસભા બેઠકો સામેલ છે. 

મમતાની બેઠક પર ઘમસાણ

મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગઢ ભવાનીપુરની બેઠકો પર સૌ કોઈની નજર ચોંટેલી છે. આ બેઠક મમતા બેનર્જીની પરંપરાગત સીટ રહી છે અને તેઓ અહીંથી જીતીને જ 10 વર્ષથી બંગાળની સત્તાની કમાન સંભાળી રહ્યા છે. જો કે, આ વખતે મમતા બેનર્જી ભવાનીપુર બેઠક છોડીને નંદીગ્રામથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમણે પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પૈકીના એક સોવનદેબ ચટ્ટોપાધ્યાયને ભવાનીપુર ખાતેથી ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે અભિનેતામાંથી નેતા બનેલા રૂદ્રનીલ ઘોષને આ બેઠક પર ઉભા રાખ્યા છે. 

બે સ્ટાર આમને-સામને

પશ્ચિમી બર્દવાન જિલ્લામાં આસનસોલના ઈન્ડસ્ટ્રીયલ બેલ્ટ ક્ષેત્ર એટલે કે શિલ્પાંચલની આસનસોલ દક્ષિણ વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપ અને ટીએમસી વચ્ચે દિલચસ્પ મુકાબલો છે. પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અગ્નિમિત્રા પાલ ભાજપની ટિકિટ વડે ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહી છે તો ટીએમસીએ અભિનેત્રી સાયોની ઘોષને ટિકિટ આપી છે. આ બેઠક પર બે સ્ટાર વચ્ચેની આમને-સામનેની લડાઈને માકપાએ પ્રશાંત ઘોષને મેદાનમાં ઉતારી ત્રિકોણીય બનાવી દીધી છે.