×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં સાત દિવસનું સંપૂર્ણ લોકડાઉન : દેશમાં વધુ 2.73 લાખ સાથે એક્ટિવ કેસ 19.29 લાખ


- મહારાષ્ટ્રમાં 68 હજાર, ઉત્તર પ્રદેશમાં બીજા દિવસે પણ 30 હજારથી વધુ, દિલ્હીમાં 25 હજાર કેસ

- રાજસ્થાનમાં ત્રીજી મે સુધી મિનિ લોકડાઉન, કેરળમાં આજથી નાઇટ કરફ્યૂ, પંજાબમાં કરફ્યૂનો સમય વધારાયો : વધુ 1619નાં મોત સાથે મૃત્યુઆંક 1.78 લાખ

નવી દિલ્હી : છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૨.૭૩ લાખ કેસો સામે આવ્યા છે, જ્યારે કુલ કેસોનો આંકડો ૧.૫૦ કરોડને વટાવી ગયો છે. માત્ર ૧૫ દિવસમાં જ કોરોનાના ૨૫ લાખ નવા કેસો ઉમેરાયા છે. એક્ટિવ કેસ એક જ દિવસમાં એક લાખ વધીને હવે ૧૯ લાખને પાર પહોંચી ગયા છે. બીજી તરફ વધુ ૧૬૧૯ લોકોના મોત સાથે મૃત્યુઆંક ૧.૭૮ લાખને પાર પહોંચી ગયો છે. જે પણ લોકો માર્યા ગયા છ અથવા જેમને કોરોના થયો છે તેમાંથી ૭૦ ટકા દર્દીઓ ૪૦ વર્ષથી વધુ વયના છે. તેથી વૃદ્ધોને બીજી વહેરમાં પણ માઠી અસર પહોંચી હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું હતું.  

૧૯મી ડિસેમ્બર ૨૦૨૦ના રોજ દેશમાં કુલ કેસનો આંકડો એક કરોડે પહોંચ્યો હતો, જ્યારે માત્ર ૧૦૭ દિવસમાં આંકડો ૧.૨૫ કરોડે પહોંચ્યો હતો અને માત્ર ૧૫ દિવસમાં જ બીજા ૨૫ લાખ કેસો ઉમેરાતા હવે આંકડા દોઢ કરોડને પાર પહોંચી ગયા છે. સતત ૪૦માં દિવસે એક્ટિવ કેસના આંકડા વધી રહ્યા છે અને કુલ એક્ટિવ કેસ ૧૯.૨૯ લાખે પહોંચી ગયા છે જે કુલ કેસોની સરખામણીએ ૧૨.૧૮ ટકા છે. બીજી તરફ રીકવરી રેટ વધુ ઘટીને ૮૬ ટકાએ આવી ગયો છે. માત્ર એક જ દિવસમાં ૧૨ લાખથી વધુ ટેસ્ટ કરાયા હતા જેથી કુલ ટેસ્ટિંગનો આંકડો ૨૬.૭૮ કરોડને વટાવી ગયો છે. 

મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા ૬૮ હજાર કેસો સામે આવ્યા છે. જ્યારે ૩૦૫૬૬ કેસો સાથે ઉત્તર પ્રદેશ બીજા ક્રમે અને ૨૫૪૬૨ કેસો સાથે દિલ્હી ત્રીજા ક્રમે છે. આ ત્રણેય રાજ્યોમાં સતત ત્રણથી ચાર દિવસથી આંકડો વધી રહ્યો છે. દિલ્હીમાં સ્થિતિ કફોડી બનતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સાત દિવસનું લોકડાઉન જાહેર કરી દીધુ છે જેની શરૂઆત સોમવારથી કરી દેવામા આવી છે. તેમણે જણાવ્યું હતું કે હાલ દિલ્હીમાં ઓક્સિજન, આઇસીયુ સુવિધા વાળા બેડ અને દવાઓની મોટી અછત ઉભી થઇ ગઇ છે એવામાં લોકડાઉન જ એક માત્ર ઉપાય દેખાઇ રહ્યો છે. સોમવારે સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયેલુ લોકડાઉન ૨૬મી એપ્રીલે સવારે પાંચ વાગ્યા સુધી ચાલશે. 

રાજસ્થાનમાં પણ લોકડાઉન જેવા પ્રતિબંધોની જાહેરાત મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કરી હતી, તેમણે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં કેસો બેકાબુ થઇ રહ્યા છે એવામાં કરફ્યૂની ખાસ જરુર છે. રાજસ્થાનમાં સોમવારે સવારથી કરફ્યૂ લાગુ કરી દેવાયો છે જે ત્રીજી મે સુધી ચાલશે. જોકે ગત વર્ષની જેમ સંપૂર્ણ લોકડાઉન લાગુ નહીં કરાય અને કેટલીક છુટ પણ આપવામાં આવશે તેમ ગેહલોતે જણાવ્યું હતું. નવી ગાઇડલાઇન અનુસાર બધી જ ખાનગી ઓફિસ, કેટલીક પસંદ કરાયેલી સરકારી ઓફિસ, અને જરુરી ન હોય તેવી વસ્તુઓના માર્કેટને બંધ રાખવામાં આવશે. 

પાંચ શહેરોમાં લોકડાઉનનો હાઇકોર્ટનો આદેશ, યોગીનો ઇનકાર

કોરોના વાયરસ મહામારીના પ્રકોપને ઘ્યાને રાખીને ઉત્તર પ્રદેશની અલ્લાહાબાદ હાઇકોર્ટે રાજ્યની યોગી સરકારને ૨૬ એપ્રિલ સુધી પાંચ પ્રભાવિત શહેરોમાં લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે વારાણસી, કાનપુર શહેર, પ્રયાગરાજ, લખનઉ અને ગોરખપુરમાં આગામી ૨૬ એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવાનો આદેશ આપ્યો છે. આ સુનવણી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થઇ હતી. કોર્ટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને આ આદેશનું મોનિટરિંગ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

અલ્હાબાદ હાઇકોર્ટનો આદેશ માનવાનો યોગી સરકારે ઇનકાર કરી દીધો છે. રાજ્ય સરકાર મંગળવારે હાઇકોર્ટના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં જાય તેવી સંભાવના છે. સરકારનું કહેવું છે કે કોરોના અટકાવવા કડકાઇથી પગલાં લેવાયા છે. સાથે ગરીબોની આજીવિકા પણ બચાવવી જરૂરી છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કોરોના: એઈમ્સમાં દાખલ કરાયા

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, રાહતની વાત છે કે પૂર્વ વડાપ્રધાન કોરોનાની રસી લઈ ચુક્યા છે. રસી લીધી હોવાથી કોરોના એટલી ગંભીર અસર નહીં કરે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ૪થી માર્ચે મનમોહન સિંહ અને તેમનાં પત્ની ગુરશરણ કૌરે એઈમ્સની મુલાકાત લઈને કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

એક દિવસ પહેલા જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોના રોગચાળાને હરાવવા ૫ સલાહ આપી હતી. તેમણે કેન્દ્ર સરકાર પાસે રસીકરણ વધારવાની માંગ કરી હતી. મનમોહનસિંહે ૨૦૦૪થી ૨૦૧૪ સુધી યુપીએ સરકારના વડાપ્રધાન હતા. આ પહેલા તેઓ વિદેશ પ્રધાન અને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહી ચૂક્યા છે. મનમોહન સિંહની ગણતરી દેશ અને દુનિયાનાં મોટા અર્થશાીઓમાં થાય છે. ભારતમાં આર્થિક સુધારા તેમને આભારી છે. ૧૯૯૧-૯૨માં નાણામંત્રી હતા ત્યારે  તેમણે દેશમાં ઉદારીકરણ લાગુ કરીને ભારતમાં મુક્ત અર્થતંત્ર લાગુ કર્યું હતું.