×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળમાં મતદાન વચ્ચે બોમ્બ વિસ્ફોટ, પથ્થરમારાની ઘટના


- વર્ધમાન ખાતે ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ, ફોલ્સ વોટિંગનો આરોપ

નવી દિલ્હી, તા. 17 એપ્રિલ, 2021, શનિવાર

કોરોનાના સંકટ વચ્ચે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. પાંચમા તબક્કાના મતદાન અંતર્ગત શનિવાર સવારથી જ રાજ્યની 45 વિધાનસભા બેઠકો ખાતે મતદારોની લાઈન લાગી છે. મતદાનના સમય દરમિયાન બૂથના 200 મીટરના ક્ષેત્રમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 

મતદાન વચ્ચે તૃણમૂલ કોંગ્રેસે મિનાખાના ખાતે બૂથ નંબર 114 પર બોમ્બ વડે હુમલો થયો હોવાનો દાવો કર્યો છે. ટીએમસીએ ફોટો શેર કરીને આઈએસએફ કેડર પર બોમ્બમારાનો આરોપ લગાવ્યો છે અને તેમના બે કાર્યકરો ઘાયલ થયા હોવાનું જાહેર કર્યું છે. આ તરફ વર્ધમાન ખાતે ભાજપે ટીએમસી પર પોતાના એજન્ટ સાથે મારપીટનો આરોપ લગાવ્યો છે. 

ટીએમસી પોતાના કાર્યકરો પર હુમલાની અને તેમને મતદાન કરતા રોકવામાં આવતા હોવાની ફરિયાદ કરી છે. વર્ધમાન ખાતે ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. બંને પક્ષના કાર્યકરોએ ભારે પથ્થરમારો કર્યો હતો અને એકબીજા પર ફોલ્સ વોટિંગનો આરોપ લગાવ્યો હતો.

પાંચમા તબક્કાના મદતદાનમાં 45 વિધાનસભા બેઠકો માટે કુલ 342 ઉમેદવારો મેદાનમાં છે. આ તમામ બેઠકો ઉત્તર 24 પરગણા, પૂર્વ વર્ધમાન, નાદિયા, જલપાઈગુડી, દાર્જિલિંગ અને કાલિમ્પોંગ જેવા જિલ્લાઓની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ટ્વીટ કરીને પશ્ચિમ બંગાળના મતદારોને ભારે સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી હતી. 

ચૂંટણીને લઈ ECનો આદેશ

કોરોના વાયરસના કારણે વણસી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે નવા આકરા આદેશો જાહેર કર્યા છે. આદેશ પ્રમાણે હવેથી કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાંજે 7:00 કલાક બાદ બંગાળમાં રેલી કે પ્રચાર નહીં કરી શકે. એટલું જ નહીં, હવેથી મતદાનના 72 કલાક પહેલા જ ચૂંટણી પ્રચાર પૂરો કરી દેવો પડશે. અગાઉ આ સમય મર્યાદા 48 કલાકની હતી. 

પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 135 ક્ષેત્રની ચૂંટણી થઈ ચુકી છે અને બાકીની 159 બેઠકો પર 17થી 29 એપ્રિલ દરમિયાન 4 તબક્કામાં મતદાન થશે. શનિવારે પશ્ચિમ બંગાળ ઉપરાંત 6 રાજ્યોમાં પણ મતદાન થશે જ્યાં 9 વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણી છે.