×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સતત બીજા દિવસે કોરોનાના નવા 2.17 લાખથી વધુ દર્દી, 15.69 લાખ એક્ટિવ કેસ


- વધુ 1185નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 1.74 લાખ

- મહારાષ્ટ્રમાં 61 હજાર, ઉત્તર પ્રદેશમાં 22 હજાર, દિલ્હીમાં 16 હજારથી વધુ નવા કેસ કુલ કેસો 1.42 કરોડને પાર, રીકવરી રેટ ઘટીને 87 ટકાએ પહોંચ્યો

નવી દિલ્હી : કોરોના વાઇરસના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨.૧૭ લાખ કેસો સામે આવ્યા છે. સતત બીજા દિવસે દૈનિક બે લાખથી વધુ કેસ સામે આવતા તંત્ર દોડતુ થઇ ગયું છે. જ્યારે વધુ ૧૧૮૫ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને ૧,૭૪,૩૦૮ને પાર પહોંચી ગયો છે. દેશમાં એક્ટિવ કેસો પણ ઝડપથી વધવા લાગ્યા છે. માત્ર બે માસમાં જ એક્ટિવ કેસોનો આંકડો ૧.૩૫ લાખથી વધીને ૧૫ લાખને પાર પહોંચી ગયો છે.   

છેલ્લા ૨૪ કલાકમા કોરોનાના નવા ૨,૧૭,૩૫૩ કેસો સામે આવ્યા છે જેને પગલે કોરોનાના કુલ કેસોનો આંકડો ૧.૪૨ કરોડને પાર પહોંચી ગયો છે. સતત ૩૭માં દિવસે કોરોનાના એક્ટિવ કેસો વધી રહ્યા છે, હાલ દેશમાં એક્ટિવ કેસ ૧૫.૬૯ લાખને પાર પહોંચી ગયા છે જે કુલ કેસોના ૧૦.૯૮ ટકા છે.

બીજી તરફ રીકવરી રેટ હવે ઘટીને ૮૭.૮૦ ટકાએ આવી ગયો છે. આ વર્ષે જ ૧૨મી ફેબુ્રઆરીએ દેશમાં એક્ટિવ કેસો માત્ર ૧.૩૫ લાખ હતા જે હાલ ૧૫ લાખને પાર પહોંચી ગયા છે. એટલે કે માત્ર બે માસમાં જ એક્ટિવ કેસોમાં ૧૩ લાખ જેટલો ધરખમ વધારો થયો છે. 

૧૦ રાજ્યો એવા છે કે જ્યાં દેશના કુલ કેસોના ૮૦ ટકા કેસો છે, આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. માત્ર મહારાષ્ટ્રમાં જ નવા ૬૧,૬૯૫ નવા કેસો સામે આવ્યા છે. જ્યારે ૨૨ હજાર કેસો સામે ઉત્તર પ્રદેશ બીજા અને ૧૬૬૯૯ કેસો સામે દિલ્હી ત્રીજા ક્રમે છે.

કુલ એક્ટિવ કેસોમાં ૩૯ ટકા માત્ર મહારાષ્ટ્રના છે. બીજી તરફ વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને કહ્યું હતું કે કોરોનાને કાબુમાં લેવા માટે લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું વગેરે નિયમોનુ યોગ્ય રીતે પાલન કરવું પડશે.

જેમ જેમ નવા કેસો સામે આવી રહ્યા છે તેમ એક્ટિવ કેસોનું ભારણ પણ વધવા લાગ્યું છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં હવે એક લાખથી વધુ એક્ટિવ કેસો છે. એક્ટિવ કેસો મામલે ભારત હવે વિશ્વમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં સાર્સ કોવ-૨ના વેરિએન્ટ્સ ઓફ કોન્સર્નના ૧૧૮૯ સેંપલ પોઝિટિવ આવ્યા છે. જેમાં ૧૧૦૯ સેંપલ બ્રિટનના, ૭૯ દક્ષિણ આફ્રિકાના અને એક સેંપલ બ્રાઝિલના વાઇરસના છે.

કોરોનાના ફેલાવા મુદ્દે અખાડાઓએ એકબીજા ઉપર આરોપો લગાવ્યાં

કુંભમાં 50 જેટલાં સાધુ સંતોને કોરોના

- બે-ત્રણ અખાડાએ કુંભમેળો સમાપ્ત થયાની જાહેરાત કરી 

ઉત્તરાખંડના હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ મેળામાં ફેલાઈ રહેલા કોરોનાને લઈને હવે સાધુ સંતોના અખાડા એક બીજાની સામે ભીડાઈ ગયા છે.

૧૪ એપ્રિલે થયેલા શાહી સ્નાન બાદ ૫૦ જેટલા સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે તેને લઈને સવાલ પણ થઈ રહ્યા છે.કોરોના કોના કારણે ફેલાયો છે તેના પર સંત સમાજના અખાડા એક બીજા પર હવે દોષારોપણ કરી રહયા છે.જેમ કે બૈરાગી અખાડાનો આરોપ છે કે, સન્યાસી અખાડાના કારણે કુંભમાં કોરોના ફેલાયો છે.

બે અખાડા એવા છે જેણે કુંભ સમાપ્તિની જાહેરાત કરીને આવતીકાલથી છાવણીઓ સંકેલવાનુ નક્કી કર્યુ છે.ત્યારે બૈરાગી અખાડાનુ કહેવુ છે કે, બૈરાગી અખાડાએ કોરોના ફેલાવ્યો નથી.એક કે બે અખાડા કુંભ સમાપ્ત કરવાનો નિર્ણય લઈ શકે નહીં.આ સિવાય નિર્મોહી અખાડાના અધ્યક્ષ મહંત રાજેન્દ્ર દાસે પણ નિવેદન આપતા કહ્યુ છે કે, વધતા સંક્રમણ માટે અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ જવાબદાર છે.

જોકે કુંભમાં લાખોની ભીડ વચ્ચે ફેલાઈ રહેલુ કોરોના સંક્રમણ ચિંતા ઉભી કરી રહ્યુ છે.હવે તંત્ર દ્વારા હરદ્વારના અલગ અલગ વિસ્તારમાં પણ રેપિડ કોરોના ટેસ્ટ કરાઈ રહ્યા છે.

આ પહેલા નિરંજની અખાડાએ કોરોનાને ધ્યાનમાં રાખીને કુંભ મેળો સમાપ્ત થયો હોવાની જાહેરાત કરી નાંખી છે.

ઉલેલેખનીય છે કે અગાઉ અખિલ ભારતીય પંચ નિર્વાણી અખાડેના મહામંડલેશ્વર કપિલ દેવદાસનું અવસાન થયું હતું.